એ લોકો કહે છે કે હું કવિ નથી.
મારી કવિતામાં નથી શબ્દમાધુર્ય, કલ્પનાચાતુર્ય,
નથી છંદ અર્થ રસનો તરલ ત્રિવેણીસંગમ;
એમાં મૌલિક અસાધારણ એવું કશું નથી,
કવિતામાં કવિતા જેવું કશું નથી.
એ લોકો કવિતાનું વિશ્લેષણ કર્યા જ કરે છે,
એના વિશે લખે છે, વદે છે, જાહેર કરે છે,
હું આજનો અગ્રગણ્ય મોટામાં મોટો કવિ છું.
મારી કવિતામાં કવિતાના સઘળા ગુણો છે.
એવી રીતે ઉભયનો ગજગ્રાહ ચાલે છે.
કિન્તુ મેં કહ્યું છે જ ક્યાં હું કવિ છું?
કશુંક પણ રહું, કશુંક થઉં ત્યાં સુધી
કવિતા કરી શકું છું?
કવિ થઈ શકું છું?
મેં તો કહ્યું છે
કવિતા કરતી વખતે હું કાંઈ જ નથી હોતો,
ના. કવિ પણ નહિ.
–© શ્રી યોગેશ્વરજી (‘દર્પણ’)