યોગીશ્રી અરવિંદ વિશે

જિજ્ઞાસુ : યોગી શ્રી અરવિંદ ઘોષનું દેહાવસાન થયું.

ઉત્તર : આ વાત શું સાચી છે ?

જિજ્ઞાસુ : હા, આજે વર્તમાનપત્રમાં સમાચાર છે.

ઉત્તર : ભારતના એક બીજા મહાપુરુષ જતા રહ્યા. હજી તો રમણ મહર્ષિને પૂરું વરસ પણ થયું નથી, ત્યાં તો અરવિંદ ઘોષ પણ ઉપડી ગયા ! ભગવાનની લીલા ગહન છે. ભારતના આધ્યાત્મિક જીવનને એક મહાન ખોટ પડી, એક મહાન કર્મવીર ને તત્વજ્ઞ જતા રહ્યા !

પ્રશ્ન : રમણ મહર્ષિ અને અરવિંદ એ બેમાં સૌથી શ્રેષ્ઠ મહાત્મા કોણ ?

ઉત્તર : આ પ્રશ્ન જ બરાબર નથી. મહાત્માઓ બધા જ શ્રેષ્ઠ છે. તેમને હરીફ રૂપે જોવા ને મૂલવવા તે રીત મને પસંદ નથી. દરેક મહાત્માની પોતપોતાની વિશેષતા હોય છે. આ વિશેષતા જોઈને જ માણસ તેમની શ્રેષ્ઠતાનો ક્યાસ કાઢે છે. પણ તેમની આંતરિક અવસ્થા ને તાત્વિક અનુભૂતિ કેટલી છે તે કોણ કહી શકે એમ છે ? ને મહાત્માની શ્રેષ્ઠતા કે દીનતા આવી આંતરિક અનુભૂતિથી જ નક્કી થઈ શકે છે. એ ના જાણીએ ત્યાં લગી તો મહાત્માઓની સરખામણી ન જ કરી શકીએ.

રમણ મહર્ષિ નિવૃતિ માર્ગના મહાન પ્રતિનિધિ હતાં. તેમનું જીવનદર્શન આત્માને ઓળખવાના જ્ઞાનની આસપાસ રચાયું હતું. આ માટે પરિપકવ ને સતત વિચાર તેમજ ધ્યાનનું મહત્વ તે સ્વીકારતા હતા. તેમનું જીવન પ્રત્યેક માનવને માટે ખૂલ્લું હતું. ગમે તે માણસ ગમે ત્યારે તેમના દર્શન કરી શકતો. અરવિંદ યોગમાર્ગના પ્રવાસી હતા, ને શરીરને દિવ્ય ને અમર કરવા સુધી માનતા હતા. તે નિવૃતિપરાયણ હતા, પરંતુ દુનિયામાં દિવ્ય માનવજાતિનું નિર્માણ કરવાની પ્રવૃતિ સેવતા હતા. તેમના દર્શન વરસમાં ચાર વાર જ થતાં.

શાસ્ત્રોની દૃષ્ટિથી જોતાં મહર્ષિની આંતરિક દશા ઘણી જ ઊંચી હશે એમ લાગે છે. તે પૂર્ણ દશાને પામ્યા હતા. અરવિંદની સાધના અપૂર્ણ હતી, એ વાત તે સાધના પૂર્ણ થયા પછી માનવહિતના કાર્યમાં પડવાના હતા તે પરથી સમજાય છે.

આપણે મહર્ષિ ને અરવિંદ બંનેનો સમન્વય જોઈએ છે. મહર્ષિની પૂર્ણતા, આત્મનિષ્ઠા ને નિસ્પૃહતા ને ત્યાગવૃત્તિની સાથે સાથે અરવિંદની માનવહિતમાં પ્રવૃત થવાની મહેચ્છા ને જગતના સર્વ અંગોનો સ્વીકાર કરવાની વૃત્તિ જોઈએ છે. આ બંને વસ્તુ કોઈ એક જ વ્યક્તિમાં મળે; તો ભારત ને દુનિયા મહાન લોકોપકારી પરમાત્મનિષ્ઠ મહાપુરુષ જોઈ શકે, ને તેની વાણી સાંભળવાનું સદ્દભાગ્ય મેળવી શકે.

પ્રશ્ન : પણ અરવિંદ પોતે કહ્યા પ્રમાણે કામ તો કરી ના શક્યા ! તેમની દિવ્ય મનુષ્યજાતિની વાતો વાતો જ રહી ?

ઉત્તર : મેં તો પહેલેથી જ કહ્યું તું કે અરવિંદનું દેહાવસાન આશ્રમમાં જ થશે, ને તે તેમના શિષ્યો કહે છે તેમ ગાંધીજીની જગાએ કામ કરી શકશે નહીં. તે છતાં મને અરવિંદના વિચારો પ્રત્યે માન છે ને તે ખૂબ મહાન પુરુષ હતા એમાં શંકા નથી. તેમણે ધારેલું કાર્ય તે પૂરું નથી કરી શક્યા તો પણ શું થયું ? તેમણે પોતાની ભાવનાને મૂર્ત કરવા જે પુરુષાર્થ કર્યો છે તે કાંઈ તેટલા જ માટે આપણે વ્યર્થ ગણીશું ? સુભાષચંદ્ર  બોઝ પોતાનો પુરુષાર્થ સિધ્ધ થતો જોઈ ન શક્યા. તે છતાં આપણને તેમના જીવનકાર્ય પ્રત્યે શું માન નથી ? તેવું જ અરવિંદનું સમજવાનું છે. પોતાના કામમાં કેટલી સત્યતા હતી, ને તે કેટલા સફળ થયા છે, તે કેવળ તે જ જાણે છે. બીજું કોઈ સાધન તેમને જાણવાનું આપણી પાસે છે નહીં, કેમ કે તેમનું જીવન રહસ્યમય હતું. પણ એક વાત તો સાચી છે કે તેમના વિચાર, તેમનો પુરુષાર્થ, બીજાને પ્રેરણા આપી શકે તેવાં છે ને તેની કિંમત કરી આપણે તેમને સન્માનથી જોવા જોઈએ. ઈશ્વરની ઈચ્છા ને યોજના પ્રમાણે બધી જ વસ્તુ થાય છે... વિશ્વકલ્યાણ પણ તેની પસંદગી જેના પર ઊતરી હોય છે તે જ માણસ કરી શકે છે... એ રહસ્ય સમજી માણસે કેવલ ઈશ્વરપરાયણ થવાનું છે, ને જીવનમાં ઈશ્વરની ઈચ્છાને ઓળખતા શીખવાનું છે. જીવન અનંત છે. ઈશ્વરેચ્છાથી અરવિંદ આજે અદૃશ્ય  થયા છે, પણ તેમની ઈચ્છા શેષ હશે તો ફરી આવીને સાધના કરશે. નહિ તો પરમાત્મામાં મળી જશે.

ભલભલા યોગીઓ પણ આ સંસારમાંથી વિદાય થાય છે, જો કે તેમને મરણ જેવું કંઈ હોતું નથી, તો પછી હે સાધારણ લૌકિક વાસનાઓમાં સબડતા જીવો ! તમે શી નિરાંત રાખી ઈશ્વરને ભૂલીને બેઠા છો ? આ સંસાર ચાર દિવસની ચાંદરણી છે. તેમાં જીવીને ઉત્તમ પુરુષાર્થ સાધી પૂર્ણ ને મુક્ત બનવામાં પ્રમાદ ના કરો. આવો અવસર ફરી મળશે નહીં.

Today's Quote

Happiness is a perfume you cannot pour on others without getting a few drops on yourself.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.