એક અંગત પ્રશ્ન

પ્રશ્ન : સાંભળ્યું કે અહીં એક મોટા મહાત્મા પધાર્યા છે. એ સાંભળીને તમારા દર્શન કરવા આવ્યો છું. તો કાંઈ કૃપા કરશો ?

ઉત્તર : તમે ભૂલાવામાં પડ્યા લાગો છો. મને બધા મહાત્માજી કહે છે તો ખરા, પણ મહાત્માપણાને મેળવવા હું તલસું છું. હું કોઈ મોટો મહાત્મા નથી. હું તો ઈશ્વરના ચરણોનો રજમાત્ર, પ્રેમી છું. ઈશ્વરી પ્રેમ કે મુક્તિની પાઠશાળામાં પાછલી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી છું. છતાં તમારી ગુણગ્રાહકતાને લીધે મારામાંથી કાંઈ ગ્રહણ કરો તો તે જુદી વાત છે. બાકી મોટા સંત કે મહાત્માનું મિથ્યા અભિમાન ધારણ કરવાનું મને પસંદ નથી.

પ્રશ્ન: તમે આ માર્ગ શા માટે લીધો ? જો કે આ પ્રશ્ન અંગત છે. છતાં આપ તેનો ઉત્તર આપવા કૃપા કરશો એવી આશા છે.

ઉત્તર: મુદ્દાની વાત કહું છું. ૧૪-૧૫ વરસની વયે મેં સતત ને ખૂબ મન લગાડી વિચાર કર્યો કે જગતનું સ્વરૂપ કેવું છે. મને લાગ્યું કે જગત પરિવર્તનશીલ છે. જગતની કોઈપણ વસ્તુ સ્થાયી, શાશ્વત કે અમર નથી. ઉપરાંત મેં જોયું કે વૃધ્ધાવસ્થા, વ્યાધિ ને મૃત્યુ તેમજ અલ્પતા દરેક વ્યક્તિને ઘેરી વળ્યા છે. તો પછી જગતના આવા પદાર્થોમાં પ્રીતિ કરીને સમય તેમજ શક્તિને બગાડવાનો અર્થ શો ? વિચાર કરતાં લાગ્યું કે એક ઈશ્વર જ સનાતન છે. તેને બ્રહ્મ કહો, આત્મા કહો, પરમાત્મા  કહો, ગમે તે નામ આપો; ને તેની પ્રીતિ તેમજ પ્રાપ્તિથી માનવ ચિર સુખી, વિરાટ, શક્તિશાળી ને અમૃતમય બની શકે છે. આ કરવામાં જ જીવનનો સાચો પુરુષાર્થ રહ્યો છે. માનવજીવનનો મુળ હેતુ એ જ છે. ને હેતુ સિધ્ધ કરનારને જ મહાપુરુષ, મહાત્મા, પયગંબર કે સ્થિતપ્રજ્ઞ કહે છે. જગતની ગમે તે વસ્તુ હોય, ગમે તેવી આકર્ષક કે સુંદર, મધુર કે ઉજ્જવલ હોય, તે સાંત(સ+અંત) છે, અપૂર્ણ છે, ને એક દિવસ તેનું નામનિશાન મટી જવાનું છે એ ચોક્કસ છે. એટલે જે અનંત છે, પૂર્ણ છે, સત્ય છે, તે કેવળ ઈશ્વર છે, ને તેને જ મેળવવો જોઈએ. તેને મેળવીને જીવનને મહાન કરવું જોઈએ, એ વિચાર મને સૂઝ્યો.

આમાંથી સંયમ, ત્યાગ ને બ્રહ્મચર્યની આવશ્યકતા આપોઆપ ઊભી થાય છે. જેને તમારે મેળવવા ઈચ્છા છે, તેની યાદમાં ચકચૂર થઈ જવું જોઈએ, ને તે વિનાની બીજી બધી જ આસક્તિઓને ઉડાવી દેવી જોઈએ. આધ્યાત્મિક માર્ગમાં આ નિયમ ખૂબ મહત્વનો છે. આને જ ત્યાગ કહે છે. ઈશ્વર માટે પ્રખર પ્રેમ ને બીજી બધીજ વસ્તુ પ્રત્યે ઉદાસીનતા એ જ ત્યાગનું ઉચ્ચોચ્ચ સ્વરૂપ છે. ઈશ્વરને પામવા તમારે ક્ષણેક્ષણનો ભોગ આપવો પડશે. જાગૃતિ ને સ્વપ્નમાં તેનું જ ચિંતન કરવું પડશે ને તેને માટે હરેક ક્ષણ પ્રાર્થવું ને આતુર થવું રહેશે. ને બ્રહ્મચર્ય વિના આ માર્ગમાં આગળ વધવું કે કંઈક નક્કર રૂપે પ્રાપ્ત કરવું તદ્દન અશક્ય છે. સંયમ - વાણી, શરીર, વિચાર, બધાનો - સંયમ ને બ્રહ્મચર્ય આ માર્ગના મૂળ પાયા છે. તેને પણ ઈશ્વર પ્રાપ્તિ માટે સ્વીકારવાની જરૂર છે.

એટલે સંપૂર્ણ વિવેકપૂર્ણ વિચાર પછી, ઈશ્વરપ્રાપ્તિ ને તે દ્વારા પૂર્ણતાનો આદર્શ નક્કી કરીને મેં આ માર્ગ લીધો છે. આથી વધારે કાંઈ કહેવાની જરૂર છે ?

Today's Quote

You can't cross the sea merely by standing and staring at the water.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.