ચમત્કારનો વિચાર

પ્રશ્ન : સારાસારા મહાત્માઓ ચમત્કાર કેમ નહિ બતાવતા હોય ? મને કોઈ મહાત્મા ચમત્કાર બતાવે તો હું એનો દાસ થઈ જઉં.

ઉત્તર : તમે કોઈ મહાત્માના દાસ થશો કે નહિ તેમાં મહાત્માને મેળવવાનું કે ખોવાનું કશું જ નથી. તે વાત તમારે માટે લાભની છે. મહાત્માને તેમાં કાંઈ ન્યાલ થવા જેવું નથી. તમે તેના ભક્ત નહિ બનો તો તેને કાંઈ દેવાળું કાઢવાનો પ્રસંગ નથી આવવાનો. ઈશ્વરની વિરાટ દુનિયામાં તમારી કિંમત કોડી બરાબર પણ ક્યાં છે ? તમે તો તૃણ બરાબર છો. જગતનું ઐશ્વર્ય જેના ઐશ્વર્યના અંશ બરાબર છે, તે પરમાત્મા સાથે મહાપુરુષોએ પ્રીત બાંધી છે. તે તો તેથી કૃતકૃત્ય છે. તેમને કાંઈ ભક્ત કે શિષ્ય બનાવીને કૃતાર્થ થવાનું રહ્યું નથી. ઈશ્વરનાં ચરણોમાં તેમને આનંદ છે. તમને શિષ્ય બનાવવા માટે તેમણે કોઈ ચમત્કાર બતાવવાની જરૂર નથી.

અને ચમત્કાર જોવાની શક્તિ હોય તો ઈશ્વરની દુનિયામાં ડગલે ને પગલે ચમત્કાર દેખાય છે. પ્રભુનું સર્જન - આ જગત - એક ચમત્કાર જ છે. મહાપુરુષોનાં જીવન પણ આવા ચમત્કારથી ભરપૂર છે. ફક્ત તેને જોવાની લાયકાત જોઈએ. જે સંસારના વિષયોમાં તમે રસ માણો છો, તેમાંથી મન ખેંચી લઈને મહાત્માઓએ સંસારના સ્વામીમાં તેને લગાડ્યું છે. આ ચમત્કાર ઓછો છે ? અસત્ય, કામ-ક્રોધ ને અનીતિથી તે નિવૃત થયા એ શું ચમત્કાર નથી ? આજની દુનિયામાં ધન, કીર્તિ ને સંસારના પદાર્થો માટે માણસ દોડધામ કરે છે. મહાપુરુષો તેવી દોડધામને મૂકી દઈ પરમાત્માને પંથે આગળ વધે છે. એ ચમત્કાર નહિ તો બીજું શું છે ? આજની દુનિયામાં તો સત્ય બોલવું ને બ્રહ્મચર્ય પાળવું એ પણ ચમત્કાર છે. આ ચમત્કારને ઓળખી તે પ્રમાણે જીવન જીવતાં શીખો. એ પછી સાધનાના માર્ગના બીજા મહાન ચમત્કાર જોવાની યોગ્યતા મળી શકે.

ધારો કે એક રોગી પથારીમાં પડ્યો પડ્યો મિષ્ટાન માગે છે. તમે તેને આપશો ? તેની તંદુરસ્તી માટે દાક્તરની સૂચના પ્રમાણે તેને ઉપવાસી જ રાખવો જોઈએ. એક જ રોગમાં માણસ કેવું કષ્ટ ભોગવે છે, ને તેને કેવી ચરી પાળવી પડે છે ! ત્યારે માણસને અનેક રોગો થયા છે. સન્નિપાત કરતાં ભયંકર રોગથી તે ઘેરાયેલો છે. મદ, અભિમાન, તૃષ્ણા, વાસના, કામ, ક્રોધ, એવા અનેક રોગથી ઘેરાયેલા માણસને પહેલાં તો હૃદયશુધ્ધિ કરાવવી જોઈએ તે પછી જ તે આધ્યાત્મિક રહસ્યો માટે અધીકારી થઈ શકે. ત્યાં સુધી તે માર્ગે જતાં તેની આગળ ચમત્કાર કે શક્તિનું પ્રદર્શન કરવાનો કાંઈ જ અર્થ નથી.

પ્રશ્ન : સન્માન કરનારા અને ના કરનારા - બેમાંથી કયા મહાત્મા વધારે સારા ?

ઉત્તર : મહાત્મા કે સંતપુરુષો પાસે તમે માનની ઈચ્છા રાખો છો એ સારું છે ? તમે વિચાર તો કરો કે મહાત્માઓને માનાપમાનની શું પડી છે ! હા, પ્રાચીન કથાઓમાં આવે છે તેમ મહાત્માપુરુષો બીજાનું સન્માન કરે છે; પણ જ્યાં બાહ્ય સત્કાર ના દેખાય ત્યાં ગુસ્સે થઈ જવાની કે મહાત્માઓ વિશે હલકો અભિપ્રાય બાંધી દેવાની જરૂર નથી. જેમણે લૌકિક વાસના ને સંબંધોનો ત્યાગ કર્યો છે તેવા માણસો પાસેથી લૌકિક વ્યવહારની આશા ના જ રખાય. મહાત્માઓએ તમારો શું સત્કાર કરવાનો છે ? તેમના મુખ પરનું સ્મિત એ સત્કાર જ છે. તેમણે બધું છોડી દીધું છે, પ્રતિક્ષણ તે પ્રભુસ્મરણ કે આત્માનુસંધાનમાં મસ્ત છે. છતાં તમને પોતાની પાસે બેસવા દે છે ને શંકા સમાધાન કરે છે. એટલો જ તેમનો ઉપકાર માનો ને ! નહિ તો તેમને કોઈની પણ શી પરવાહ છે ? તે તો સદા આત્માનંદ ને ઈશ્વરપ્રેમમાં મગ્ન છે. એટલે કોઈ મહાત્મા પોતાના સ્વભાવ પ્રમાણે બાહ્ય સત્કાર કરે કે ના કરે તેટલા જ પરથી તેમના વિશે છેવટનો અભિપ્રાય બાંધી ના લેતાં. તેમના પરિચય ને ગાઢ પરિચય પછી જ નિર્ણય પર આવવું હોય તો આવજો. મહાત્માઓનાં ચરિત્ર ખૂબ જ ગહન હોય છે. લૌકિક દૃષ્ટિથી તે મૂલવી શકાતા નથી.

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.