ઈશ્વરદર્શન વિશે

પ્રશ્ન : ઈશ્વર કેમ મળતા નથી ?

ઉત્તર : આ વાત મને કેટલીયવાર પૂછવામાં આવે છે. તે વિશે મેં યથાશક્તિ કહ્યું પણ છે. એ સૌનો સાર એટલો જ છે કે ઈશ્વરને મેળવવાની તીવ્ર ઈચ્છા આપણામાં જાગી નથી. એટલે ઈશ્વર આપણને મળતા નથી. ઈશ્વર માટે ઉત્કટ ઈચ્છા જાગે, તેને માટે કોઈ પ્રયાસ કરે, રડે ને પ્રાર્થે, તો ઈશ્વર તેને જરૂર મળે. પણ એટલી ઉત્કટતા માણસમાં ક્યાં છે ? ઈશ્વર ન મળવાનું કારણ આમાં જ રહેલું છે. ઈશ્વર વિના હજી માણસને બીજા પદાર્થોની ખૂબ જ જરૂર છે. રાતદિવસ માણસ તેને જ માટે દુનિયામાં દોડધામ કરે છે. ઈશ્વર માટે તેવી દોડધામ કોણ કરે છે ? આજે તો માણસના હૃદયમાં વિકાર ને વાસના ઘર કરીને રહેલાં છે. આવા ગંદા ઉતારામાં ઈશ્વર ક્યાંથી ઉતરી શકે ? હૃદયને સાફ કરીને પ્રભુને માટે ખાલી કરવું જોઈએ. પ્રેમના સૂરથી પ્રભુને આમંત્રણ આપવું જોઈએ. તે વિના પ્રભુ ક્યાંથી મળે ?

પ્રભુને માટે રાતદિવસ કોણ બેચેન બને છે ? સંસારની ચિંતામાં માણસને ઊંઘ પણ આવતી નથી. સ્વપ્નમાં પણ ઘણીવાર સંસારના દૃશ્યો આવી ઊભા રહે છે, પણ ઈશ્વરની ચિંતામાં ઊંઘ ન આવી એવું બન્યું ? ઈશ્વરની ચિંતા સ્વપ્નમાં ઊભી રહી ? ઈશ્વરના પિપાસુ ભક્તો ઈશ્વરના વિરહમાં દિવસો સુધી સુખે સૂઈ શકતા નથી. તમારી એવી સ્થિતિ થઈ ? સત્યાનાશ વળી જાય ત્યારે માણસ કેવો ગાંડો થઈ જાય છે ? ઈશ્વર માટે એવું ગાંડપણ લાગ્યું ? કોઈ સ્નેહીનું મૃત્યુ થતાં માણસ રડવા કૂટવા માંડે છે, તેને ખાવાનું ગમતું નથી, બધે અકારું અકારું લાગે છે ને તે આપઘાત કરવા ઊભો થઈ જાય છે. ઈશ્વરને માટે એકવાર પણ રડવું આવ્યું ? એક પણ આંસુ પડ્યું ? ખાવાપીવાનું નીરસ લાગ્યું ? શરીરનો ભોગ આપવા ઈચ્છા થઈ ? જીવન એક દિવસ પણ ઈશ્વર વિના ભારરૂપ લાગ્યું ? આપણે તો સંસારના વિષયોમાં આનંદ કરીએ છીએ. ઈન્દ્રિયગમ્ય જગતમાં જ આનંદ માનીએ છીએ. પણ તે વિનાશી છે એમ સમજી અવિનાશી ઈશ્વરને મેળવવા કમ્મર કસતા નથી. ઈશ્વરની ભૂખ આપણને લાગી નથી. પછી ઈશ્વર ક્યાંથી મળે ?

નાના બાળકોની વાત તો તમને ખબર હશે. કેટલીકવાર તેમને રાતે કે મધરાતે પણ ભૂખ લાગે છે. તે રડીને માને ઊઠાડે છે. માને ઊંઘ ગમે તેટલી પ્રિય હોય, તો પણ તેનો ઊઠ્યા વિના છૂટકો થતો નથી. મોટા માણસો પણ રાતે ભૂખ્યા થતાં ચૂલો સળગાવી રસોઈ તૈયાર કરે છે. તે વિના તેમને ઊંઘ આવતી જ નથી. આવી ભૂખ આપણને ક્યાંક જાગી છે ? ઈશ્વર માટે આવી ભૂખ જાગશે એટલે ઈશ્વર આપણાથી દૂર નહિ રહી શકે. આપણને પ્રેમપૂર્વક જરૂર મળશે એ નક્કી છે.

૧૯૪૫માં હું દક્ષિણેશ્વર ગયેલો. ત્યાં રામકૃષ્ણદેવના ઓરડામાં બેસતાંવેંત મારી દશા વિચિત્ર થઈ જતી. નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડાતું. કલાકો સુધી આવું રુદન એકધારું ચાલતું. મંદિરના પૂજારી તેમજ બીજા માણસો ભેગા થઈ જતા. તેમણે આવો વિચિત્ર માણસ જોયો ન હતો. આ રુદનનો આનંદ અજબ છે. અરે, તેનું એક જ આંસુ અતિ પાવનકારી છે. એ આંસુ જો માણસ પાડી જાણે તો ઈશ્વર તેના પ્રેમદોરે બંધાઈ જાય, ને તેનો પોતે ઋણી બને. પણ આપણામાં ઈશ્વર માટેનો થનગનાટ ક્યાં છે ? ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ દેવ, મીરાં, તુકારામ ને તુલસીદાસ જેવો પ્રેમ - તેના સોમા ભાગનો પણ પ્રેમ આપણામાં ક્યાં છે ? પછી ઈશ્વર ક્યાંથી મળે ? ઈશ્વર માટેની તીવ્ર ઈચ્છા ને તેને માટેનો પરમ પ્રેમ જગાવવાથી ઈશ્વર જરૂર મળી શકે છે. આજ લગી એ જ રીતે મળ્યા છે.

પ્રશ્ન : મહાપુરુષો તેમજ શાસ્ત્રો સાધકને જન્મ, જરા, વ્યાધિ ને મૃત્યુનો વારંવાર વિચાર કરવાનું શું કામ કહે છે ?

ઉત્તર : કેમ કે વારંવારના વિચારથી વિવેક જાગે છે. જીવનમાં આ ચારે વસ્તુ રહેલી છે. માણસ જો તે વિશે સારી પેઠે વિચાર કરે તો સંસારમાં આસક્ત થવા જેવું તેને કશું જ લાગે નહીં. જરા, વ્યાધિ ને મૃત્યુના હાથમાં જનારા શરીર દ્વારા પછી તે કેવળ વિષયસુખ ભોગવવાને બદલે ઈશ્વરના ચરણોનો પ્રેમી બને, ને આ શરીરથી પરમાત્મદર્શન કરીને પરમસુખ ને મુક્તિનો આનંદ મેળવી લે. ભોગમય જીવનમાં જળોની જેમ વળગેલા માણસને એ વિના એટલે કે મૃત્યુ, જરા ને વ્યાધિના વિચાર વિના વૈરાગ્યનો થવાનો લેશ પણ સંભવ નથી. આ વૈરાગ્ય પછી જ ઈશ્વરદર્શન કે આત્મ-સાક્ષાત્કાર થઈ શકે છે.

પ્રશ્ન : માનસિક નિર્બળતા કેમ ટળે ?

ઉત્તર : સર્વ પ્રકારની નિર્બળતાને ટાળવાનો એકમાત્ર રામબાણ ઉપાય ઈશ્વરી પ્રેમની પ્રાપ્તિ છે. સૂર્યની તરફ ફરો ને સૂર્યની દિશામાં ચાલવા માંડો એટલે અંધકારનો નાશ આપોઆપ થાય છે. તેવી જ રીતે માનવની બધી જ ત્રુટિઓ, બધી જ નિર્બળતા ને દુ:ખને દૂર કરવાનો ઉપાય ઈશ્વરપ્રાપ્તિ છે. આ સમજી તેને માટે પ્રયાસ કરવો જોઈએ, ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. ઈશ્વરની કૃપાથી બધી જ ત્રુટિનો અંત આવે છે.

Today's Quote

Success is getting what you want. Happiness is wanting what you get.
- Dave Gardner

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.