જ્ઞાનીની દશા

પ્રશ્ન : જ્ઞાનીની દશા કેવી હોય છે ?  તેના બે-ત્રણ લક્ષણ કહેવા વિનંતી છે.

ઉત્તર : ગીતા જેવો જ્ઞાનનો સુંદર ગ્રંથ બીજો કયો છે ? જ્ઞાન વિશે ગીતાએ જુદે જુદે સ્થળે જુદી જુદી વાતો કહી છે. જ્ઞાની વિશે પણ પ્રસંગોપાત ઉલ્લેખ કર્યો છે. તે બધું જોઈને વિચાર કરો તો જણાશે કે કૃષ્ણ ભગવાને જ્ઞાનીની સરખામણી એક જ સ્થળે કરી છે. જ્ઞાની કેવો હોય તે વિશે ગીતામાં એક સ્થળે સુંદર ઉપમા મૂકી છે. ત્યાં જ્ઞાનને સાગરની સાથે સરખાવવામાં આવ્યો છે.

आपूर्य माणमचलप्रतिष्ठ समुद्रमाय: प्रविशान्ति यद्वत् ।

આ શ્લોકનો વિચાર કરી જુઓ તો મારા કથનની ખાત્રી થશે. સમુદ્રની સાથે સરખાવવાનું કારણ એ જ કે જ્ઞાની જ્ઞાનનો સમુદ્ર છે, જ્ઞાનનો ભંડાર છે. સમુદ્રની જેમ તેનામાં ગંભીરતા છે, શાંતિ છે. ચંચલતા નથી, પણ નિશ્ચલતા છે, ને પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. સત્વગુણની મર્યાદા કદી છોડતો નથી. સમુદ્રની જેમ તેનામાં ગંભીરતા છે, પણ તે ગંભીરતા આકરી લાગે તેવી એટલે કડવી દવા પીને બેઠેલા માણસ જેવી ગંભીરતા નથી. તેમાં મધુરતા ભળેલી છે. જેમ સમુદ્રના તરંગ અવાજ કરે છે; પણ ધ્યાનપૂર્વક જોશો તો તે અવાજમાં સંવાદ ને માધુર્ય દેખાશે. જ્ઞાનીની પ્રવૃત્તિ પણ આ રીતે મધુર તેમજ સંવાદી હોય છે.

સાધારણ ભાષામાં જ્ઞાનીની અવસ્થા સમજાવવા કેટલીક વાર ખીચડીનું દૃષ્ટાંત વપરાય છે. ખીચડી કાચી હોય ત્યાં લગી તે ખદબદ થયા કરે છે. પાકી જતાં શાંત બની જાય છે. એવી રીતે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થતાં માણસ શાંત બની જાય છે. કામક્રોધાદિ વિકારો ને અહંતા-મમતાનાં બંધનને લીધે જે અશાંતિ, ભેદભાવ ને ચંચળતા ઊભી થાય છે, તેનાથી તે મુક્ત હોય છે. તેના વિચાર, તેની વાણી ને તેનું વર્તન પુણ્યમય હોય છે. તેમાં મીઠાશ હોય છે.

આ મધુરતા કાંઈ એમનેમ આવતી નથી. મધ એકઠું કરવા માખીને કેટલો પુરુષાર્થ કરવો પડે છે ! જંગલ ને વન તેમજ ઉદ્યાનોમાં તે ફરે છે, ફૂલનો રસ ચૂસે છે, ને મધપૂડો રચે છે. તેમ જ્ઞાનીનું પણ સમજવાનું છે. જીવનના ખારા, મીઠા કે સારાનરસા અનુભવોમાંથી ને અનેકરંગી વાતાવરણમાંથી તેણે  ગુણગ્રાહક બનવાનું છે ને હૃદયને મધપૂડા જેવું મધુર ને રસાળ તેમજ અમૃતમય કરવાનું છે.

આ મધુરતા મેળવવા માણસે સંસારમાં કેવી રીતે રહેવું તે પણ ગીતામાં સુંદર રીતે કહ્યું છે. ગીતા એ માટે પણ રૂપક જેવી રસમય કલ્પના રજૂ કરે છે. સંસાર કાદવ જેવો છે. પદ પદ પર સરકી ને લપસી પડવાનો તેમાં ભય છે. માયાનું સ્વરૂપ કાદવ જેવું કાળું ને માણસને લપટાવનારું છે. આ સંસારમાં માણસે પોતાનું મુખ કે હૃદય ઈશ્વર તરફ ખૂલ્લું રાખવાનું છે. કમલની દાંડીની જેમ પગ ભલે સંસારમાં રહે, જન્મથી ભલે સંસારમાં જીવવું પડે, કમલની પાંદડીની જેમ ઈશ્વર તરફ પોતાનું સર્વસ્વ ખૂલ્લું કરીને માણસે આગળ વધવાનું છે. તો જ સંસારનાં ભયસ્થાનોમાંથી તે છૂટી શકે ને કાદવમાંથી પાર ઊતરી જાય. આ માટેના ગીતાના શબ્દ ખૂબ સુંદર છે. જ્ઞાની આ જગતમાં કેવી રીતે રહે છે તે સમજાવવા ‘પદ્મપત્રમિવાંભસા’ એનો પ્રયોગ ગીતામાં કરવામાં આવ્યો છે.

એટલે સત્વગુણની પ્રતિષ્ઠા દ્વારા ગંભીરતા ને મધુરતા તેમજ ઈશ્વરપરાયણતા એ જ્ઞાનીનાં મહત્વનાં લક્ષણ છે. તે વિના શાંતિ મળી શકતી નથી, મુક્તિ થઈ શકતી નથી, એમ ભારતીય સંસ્કૃતિ કે તત્વજ્ઞાનનું કહેવું છે.

પ્રશ્ન : તો પછી જ્ઞાનીઓમાં આવું દેખાતું કેમ નથી ? શાસ્ત્રજ્ઞાન ખૂબ હોવા છતાં જીવનમાં મધુરતા વિગેરે કેમ ભાગ્યે જ દેખાય છે ?

ઉત્તર : શાસ્ત્રો વાંચવા ને તે પ્રમાણે જીવન જીવવું એ બે જુદી જ વાતો છે. એટલું સમજાય તો તમારા પ્રશ્નનો ઉત્તર સહેલાઈથી મળી જાય. શાસ્ત્રો કેવળ વાંચવાના જ નથી. પણ તેનું મનન કરી તેમાંથી તત્વ શોધી કાઢવાનું છે. પછી તેને જીવનમાં ઊતારવાનું છે. આ ક્રમને આચરવાની જરૂર છે. ઈશ્વરે પશુને એક વિશેષતા આપી છે. તે ઘાસ ખાય છે, પણ જો ધીરે ખાવા બેસે તો પાર ના આવે. તેનો માલિક સ્વાર્થને લીધે તેને કામમાં જોડે ને વિચાર ભાગ્યે જ કરે કે તે ભૂખ્યાં છે કે ધરાયેલાં. ત્યારે ઈશ્વરે એવું કર્યું છે કે તેમને વાગોળવાનું આપ્યું છે. એકવાર તે ઘાસ ખાઈ લે છે, ને નિરાંતે બેસીને તેને ફરી ચાવે છે. જ્ઞાન સાંભળીને કે વાંચીને આવી રીતે પાછું વાગોળવાની જરૂર છે. તો જ સારી રીતે પુષ્ટિ મળે. શાસ્ત્રોને બહુ જાણવાની ખાસ જરૂર નથી. જરૂર તેના તત્વની છે. એટલે સાચો જ્ઞાની તત્વને ગાંઠે બાંધી લે છે. તેનું કામ એક નિષ્ણાત વૈદના જેવું છે. તે જંગલમાં-વનમાં ફરે છે, અનેક જાતની બુટ્ટીઓ એકઠી કરે છે, ને તેમાંથી સત્વ કાઢે છે. જ્યારે રોગી આવે છે ત્યારે તેની નાડ જોઈને તે જડીબુટ્ટી આપતો નથી. તેમજ રોગીને બુટ્ટી શોધવા માટે જંગલના નામ પણ લખાવતો નથી. પરંતુ તે તો પેલા સત્વ કે અર્કને જ આપે છે. તેમાં તે સેવા માને છે. આ રીતે જ્ઞાની પાસે કોઈ જ્ઞાનનો તરસ્યો સંસારનો રોગી પધારે છે ત્યારે જ્ઞાની પણ મહામહેનતે મેળવેલો જ્ઞાનનો સાર તેને નાડ જોઈને આપે છે. નાડ જોવાનું કારણ એટલું જ છે કે તેથી અધિકારીની પરીક્ષા થાય છે, ને રોગનું મૂળ સમજાય છે.

આ સત્વ કાઢવાને માટે હૃદયશુધ્ધિની જરૂર સૌથી વધારે છે. હૃદયશુધ્ધિનો પાયો જેટલો મજબૂત તેટલી જ આત્મિક વિકાસની ઈમારત મજબૂત બનવાની. આ માટે માણસે પોતાની ભૂલો ને ત્રુટિઓને શોધી શોધીને દૂર કરવી જોઈએ. આ રીતે હૃદય શુધ્ધ થતું જશે તેમ તેમ ઈશ્વરી જ્ઞાન ને પ્રકાશનો અનુભવ પણ વધતો જશે. શાસ્ત્રજ્ઞાનની સાથે સાથે આવું જીવનદર્શન સમજવાની જરૂર છે.

Today's Quote

The character of a person is what he or she is when no one is looking.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.