ઘરેણાંની ચોરી

પ્રશ્ન : અમારા ગામનાં મંદિરમાંથી કોઈ ભગવાનનું ઘરેણું ચોરી ગયો છે. આવી રીતે કેટલાંય મંદિરમાંથી ચોરી થાય છે, છતાં ભગવાનમાં શક્તિ કે સત્યતા હોય તો શા માટે કાંઈ કરતા નથી ? તે ઊભા થઈને ચોરને શું કામ અટકાવતા નથી ? આના પરથી સાબિત નથી થતું કે પોતાની રક્ષા કરવાને પણ જે સમર્થ નથી તે ભગવાનને ભજવામાં અજ્ઞાન જ રહેલું છે ?

ઉત્તર : તમે ઠીક પ્રશ્ન પૂછયો છે. મંદિરમાંથી ચોરીઓના બનાવ હમણાં હમણાં વધતા જાય છે. પણ આ માટે તમારા જેટલી ઝડપથી ઈશ્વરને દોષિત ઠરાવી તેની અંદર અવિશ્વાસ મૂકવાનો કોઈ જ અર્થ નથી. એવું મોટું સાહસ ના કરવું જોઈએ. તેની પાછળ કેટલાંક કારણો રહેલાં છે. તે કારણોનો સ્વસ્થ ચિત્તે વિચાર કરવાથી સમજવાનો નવો મસાલો મળી શકે છે.

સૌથી પ્રથમ તો એ સમજવાનું છે કે મંદિરમાં થતી ચોરીઓ માટે વધારે ભાગે પૂજારી કે વ્યવસ્થાશક્તિ કે સાવધતાનો અભાવ જવાબદાર હોય છે. આપણી નબળાઈને લીધે જે ચોરી થઈ તેને માટે ભગવાનને દોષ દેવાનું પગલું બરાબર નથી. બીજું, મંદિરોમાં આપણે જે ઘરેણાં તેમજ શણગાર વિગેરે ચઢાવીએ છીએ તે કાંઈ ભગવાનના કહેવાથી ચઢાવતા નથી, પણ આપણી વાસના કે પૂજાની ઈચ્છાથી જ ચઢાવીએ છીએ. શણગાર તો શું પણ, મંદિરોની રચના પણ વધારે ભાગે આપણે સ્વેચ્છાથી પ્રેરાઈને કરીએ છીએ. ત્યારે જે વસ્તુમાં આપણી મમતા છે, જે ભગવાનના કહ્યા કે માગ્યા વિના આપણે પોતાની મેળે જ કરીએ છીએ, તેની રક્ષાનું કામ પણ આપણું જ છે. એ સમજવું તદ્દન સહેલું જ છે. ભગવાનને તમે ઘરેણાં ચઢાવો તેથી તે ખુશ થતાં નથી તેમજ ના ચઢાવો તેથી તેમને શોક પણ નથી. સોનું, ચાંદી તેમજ સુંદર વસ્ત્રો ને ધનની વાસના તો તમને છે. તેની કિંમત પણ તમારા પાર્થિવ ચક્ષુને ને તમારે માટે છે, ઈશ્વરને માટે તેની કિંમત કંઈ જ નથી. તેના દરબારમાં તો શુધ્ધ રાગાત્મિકા ભક્તિનું જ મૂલ્ય છે. તેથી તમે ઘરેણાં જેવી વસ્તુઓ તેમની પાસે મૂકો કે તેની પાસેથી લઈ લો તેમાં તેમને મેળવવાનું કે ખોવાનું કશું જ નથી. લાભ કે નુકશાન તો તમને છે કેમ કે તે વસ્તુની મમતા કે આસક્તિથી તમે બંધાયેલા છો. તો પછી ચોરી માટે ભગવાનને દોષ દેવાનું રહે છે જ ક્યાં ? ભગવાન કાંઈ આસક્તિ ને રાગદ્વેષવાળી વ્યક્તિ નથી કે ચોરને દંડ દેવા તૈયાર થઈ જાય. ચોરને દંડ તો તેના કર્મથી મળવાનો જ છે. કર્મનો નિયમ કામ કર્યા જ કરે છે એ આપણે ક્યાં નથી જાણતા ?

ભગવાનની વાત જવા દઈએ ને મહાત્માઓ વિશે વિચાર કરીએ તો પણ આ વિશે ઘણું જાણવાનું છે. કેટલાક સારા મહાત્માઓ ચોરનો પ્રતિકાર કરે છે, પણ તેનું કારણ તેમની મમતા કે રાગદ્વેષ નથી હોતું પણ ચોરને ચોરીના દુષ્કર્મમાંથી પાછા વાળવાનું કે સુધારવાનું જ તેમનું લક્ષ્ય હોય છે. બાકી એક બીજી કોટિના મહાત્માઓ વિશે જાણવા જેવું છે. બદરીનાથમાં સિધ્ધબાબા સુંદરનાથજી કરીને એક મહાત્મા હતા. તે બિલકુલ નગ્ન રહેતા. કેટલાક ધની યાત્રાળુ આવે તે તેમને ગરમ શાલ ઓઢાડી જતા ને મોટી રકમની ભેટ  તેમની પાસે મૂકતા. સુંદરનાથજી વધારે ભાગે સમાધિ દશામાં રહેતા અને જાગૃતિમાં હોય તો પણ આ વસ્તુઓ જોઈને રાજી થતા નહિ અથવા તો મૂકનારને મના પણ ના કરતા. ત્યાં રહેતા પંડા એટલે તીર્થના પુરોહિતો તે શાલ ને ભેટ વિના પૂછ્યે લઈ જતા. આ વાત તેમને માટે સ્વાભાવિક થઈ હતી, ભેટનો માલ લેવામાં તે સંકોચ અનુભવતા નહીં. સુંદરનાથજી પણ પંડાઓને કાંઈ જ કહેતા નહી. કેમ કે તે પરિપૂર્ણ હતા. લોકો તેમની પાસે ભેટ મુકે કે તેમની પાસેથી ભેટ લઈ લે તેમાં તેમને કોઈ જ હર્ષશોક ન હતો. તે સ્થૂલ વસ્તુની કિંમત તો બીજાને માટે હતી. પછી સુંદરનાથજી પેલા ભેટ લઈ જનારા માણસો સાથે ટંટો શું કામ કરે ? એમના જેવી સ્થિતિ ના હોય તેવા મહાત્માઓએ પ્રતિકાર કરવો જોઈએ, પણ સુંદરનાથજી જેવા મહાત્માઓનું વર્તન તો આ જ રહેશે. બીજા માણસોને આ વર્તનમાં ભૂલ લાગે તો તેમાં સુંદરનાથજીને ના સમજવાનું જ કારણ છે. આ જ પ્રમાણે પૂર્ણકામ ઈશ્વરનું સમજવાનું છે. તેમને સમજીએ તો આપણા બધા સંદેહ ને ભ્રમ દૂર થઈ જાય છે ને દરેક દશામાં તેમની શ્રધ્ધા કાયમ રહે છે.

પણ આ માત્ર બુધ્ધિનો વિષય નથી. ભગવાન ને તેની ભક્તિને હૃદય સાથે વધારે સંબંધ છે. આ હૃદયને જાગ્રત કરીને ભગવાનના ભાવમાં તરબોળ બનો, ભગવાનની પાસે ને પાસે પહોંચવાનો પુરુષાર્થ કરો, એટલે તમે ભગવાનના રહસ્ય કૈંક સમજી શકશો. ભગવાન વિશેની વાતો વિચારી શકશો. ભગવાન વિશે વિચારવાનો આ જ માર્ગ છે. પણ આ પરિપાટી આજે ભૂલાઈ ગઈ છે એટલે સૌ મન ફાવે તેમ ભગવાન વિશે અભિપ્રાય આપવા માંડે છે, એટલે કે હવામાં વાણીના ગોળા ફેંકે છે. જે વસ્તુનો માણસને બિલકુલ પરિચય નથી તે વિશે તે મૌન રાખે તે વધારે સારું છે. આજે તો માણસ અહંતા-મમતામાં મસ્ત છે, રાગદ્વેષ ને સંસારના વિષયોમાં ગ્રસ્ત છે; ભગવાનની તરફ જવાને બદલે જીવનમાં તે ભગવાનથી ઊલટી જ દિશામાં જઈ રહ્યો છે: પછી ભગવાન વિશેની સાચી દૃષ્ટિ તેનામાં ક્યાંથી આવવાની હતી ? જે વિષયનું મને જ્ઞાન ન હોય તે વિશે બોલીને હું તે વિષયને અન્યાય કરી બેસું. આપણા સંબંધમાં પણ આવું જ થયું છે. આ રીતને સુધારવાની જરૂર છે. તો જ ભગવાન વિશે આપણે યથાર્થ માહિતી મેળવી શકીશું. તેથી ભગવાન પ્રત્યેની શ્રધ્ધા વધતી જશે. બાકી આપમેળે કરેલાં વિચારના તરંગોથી ભ્રમિત થઈ ઈશ્વર પરની શ્રધ્ધા કે પૂજાની નિષ્ઠા ખોઈ બેસીશું, તો સરવાળે નુકશાન આપણને જ થવાનું છે. આવું દુસ્સાહસ કરતાં પહેલાં હજાર વાર વિચાર કરીએ, ધીરજ રાખીએ ને આધ્યાત્મિક માર્ગના પ્રવાસીની સલાહ લઈએ.

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.