અમરતાનો માર્ગ

પ્રશ્ન : ઘરડા માણસને પણ મરવાની ઈચ્છા નથી થતી તેનું શું કારણ હશે ?

ઉત્તર : ઘરડા કે જવાન કોઈયે માણસને મરવાનું ક્યાં ગમે છે ? દરેક માણસ વધારેમાં વધારે જીવવાની ને બની શકે તો કાયમને માટે અમર રહેવાની ઈચ્છા રાખે છે. આમાં જીવનથી કોઈ પ્રકારે કંટાળેલા થોડાક માણસો અપવાદરૂપ છે. ને આ વૃત્તિથી આશ્ચર્ય પામવાની જરૂર નથી તેમજ તેને ખોટી કે હીન કહેવાની પણ જરૂર નથી. કેમ કે માણસના સ્વભાવમાં જ આ વૃત્તિ રહેલી છે. દરેક માણસ વધારેમાં વધારે સુખ કે આનંદ મેળવવાની ઈચ્છા કરે છે. બીજું, વધારેમાં વધારે જાણવાનું પણ તેને મન થાય છે. સૃષ્ટિનું રહસ્ય જાણવાનું, ભાવિ જાણવાનું, વિગેરે કેટલીય જાતનું જ્ઞાન મેળવવાનું માણસ ઈચ્છે છે. ને વધારેમાં વધારે જીવનની ઈચ્છા પણ તે રાખે છે. આ વૃત્તિઓનું કારણ એ જ છે કે પોતે સત્ય સ્વરૂપ - એટલે જેનો કોઈ દિવસ નાશ નથી એવો, જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ છે. આત્માને મુખ્યત્વે આ ત્રણ લક્ષણવાળો કહેલો છે. એટલે માણસ પોતે મુળભૂત રીતે સચ્ચિદાનંદ હોઈ જીવનમાં સચ્ચિદાનંદ બનવાની એટલે કે અવિનાશી કે જ્ઞાનસ્વરૂપ થવાની અભિલાષા તે હંમેશા જાણ્યે અજાણ્યે પણ સેવે છે.

પ્રશ્ન : તો પછી અમર બનવાનો -મૃત્યુને મારી હઠાવવાનો કોઈ માર્ગ છે ?

ઉત્તર : જરૂર છે. ભારતના મહાન યોગીપુરુષો ને આત્મનિષ્ઠ ઋષિવરો જેમણે હજારો વર્ષ પહેલાં આત્મા ને પરમાત્મા વિશે સાધના કરીને અનુભવો મેળવ્યા છે, તે મહાન પુરુષો મૃત્યુને મારવાની સમસ્યામાં પણ સફળ થયા છે, ને કોઈ પણ જાતના ભેદભાવ વિના સમગ્ર માનવજાતિને માટે અમર બનવાની કુંચી મુકતા ગયા છે. આ માટે ભારતીય સંસ્કૃતિ ગૌરવ લઈ શકે તેમ છે. આજે પણ ઋષિમુનિની પુત્રી જેવી એ સંસ્કૃતિ સમગ્ર સંસારને અમૃતમય થવાનો માર્ગ ચીંધતી એવા જ ગૌરવપૂર્ણ વદને ઊભી રહી છે. માનવની અંદરની ચેતનાનું અનુસંધાન કરી આ સંસ્કૃતિએ અનુભવના અમૂલ્ય મોતી આપણી આગળ ધર્યા છે. પણ આપણે એ માર્ગે ક્યાં જઈએ છીએ ? એ મોતીને મેળવવાની મહેનત આપણે ક્યાં કરીએ છીએ ? નહિ તો ભારતીય સંસ્કૃતિના વારસદાર થઈ આપણે જ આવો પ્રશ્ન કરત ? એ સંસ્કૃતિને જીવનમાં પચાવી નથી એટલે જ આપણી દીનતા ટકી રહી છે. અહીંયા આજે કડવાશ, અશાંતિ ને પ્રજાપ્રજા વચ્ચે ઠંડા યુધ્ધના ઝેરની જ્વાળા ફેલાઈ રહી છે. આની દવા એક જ છે. ભારતીય સંસ્કૃતિના વેરને બદલે પ્રેમના, નિષ્કામ કર્મ ને સેવાના, ઈશ્વરના હાથમાં પોતાને હથિયાર માનવાના ને આત્મદર્શનની સાધનાના અમૂલ્ય સિધ્ધાંતોને જીવનમાં ઊતારવામાં આવે તો દુનિયામાં આજે તંદુરસ્ત હવા ફેલાઈ જાય, ને શાંતિ સ્થાપાઈ શકે. ભૌતિક વિકાસની સાથે સાથે આધ્યાત્મિક ઉત્કર્ષની આ દિશાને આચર્યા વિના દુનિયા આજે શાંતિ કે ઉત્કર્ષ સાધી શકવાની નથી. અત્યારે તો અમર બનવાના પ્રશ્નોનો જ ઉડતો વિચાર કરીએ.

મૃત્યુને હઠાવવાનો કે જીતવાનો એક માર્ગ ઈશ્વરના ચરણોમાં પ્રેમ વધારી ઈશ્વરને મેળવવાનો છે. આ ભક્તિમાર્ગ છે. આ ઉપરાંત બીજો માર્ગ યોગનો છે. યોગમાર્ગ દ્વારા શરીર, મન ને પ્રાણનો જય કરીને યોગી મૃત્યુંજય બની શકે છે. ઈચ્છાનુસાર શરીર ધારી રાખે છે કે બદલે છે અથવા ઈચ્છા પ્રમાણે જીવે છે. પોતાની પ્રકૃતિ પ્રમાણે ફાવે તે માર્ગે માણસ આ કામ કરી શકે છે. ભારતના ઘેરંડ ઋષિ, મત્સ્યેન્દ્રનાથ ને બીજા નાથ સંપ્રદાયના યોગીઓએ આ વિશે મહાન સાધનાપ્રણાલિનો નિર્દેશ કર્યો છે. ને હઠયોગમાં આનો વિચાર ખૂબ સૂક્ષ્મતા ને સ્પષ્ટતાથી, બુધ્ધિમાં ઊતરી શકે તે રીતે કરેલો છે. ભગવાન પતંજલિનું યોગદર્શન પણ આનો દસ્તાવેજી પુરાવો છે. તે ઉપરાંત આજે પણ આવા બડભાગી યોગી પુરુષો છે.

પણ આ માર્ગમાં ખૂબ દૃઢ મનોબળ, ધીરજ ને લાંબા પરિશ્રમની જરૂર પડે છે. વળી કડક નિયમપાલન પણ કરવું પડે છે. દુર્બળ મનના માણસોને આ ફાવતું નથી. તેમને તો સંસારના વિષયોમાં જ પ્રીતિ હોય છે. તે ઊંચા પ્રકારની ભક્તિ પણ કરી શકતા નથી કે સમાધિ દ્વારા આત્મદર્શન પણ મેળવી શકતા નથી. તેમને માટે અમરત્વનો માર્ગ બંધ છે. આજે તો માણસો નાની નાની વાતોમાં જ સંતોષ માનીને કે કૃતાર્થ થઈને બેઠાં છે. છોકરાને જુવાન વહુ મળી, ઘરમાં છોકરાનો જન્મ થયો એટલે જગ જીત્યા જેવું લાગે છે ! થોડા રૂપિયા થયા, બંગલા ને મોટર થઈ, ભોગ-વિલાસ મળ્યા કે ૪૦૦-૫૦૦ વીઘા જમીન મળી અથવા તો માસ્તરની નોકરી મળી કે વકીલ-દાક્તર થયા એટલે જીવન ધન્યધન્ય થઈ ગયું એમ માની લેવાની વૃતિ ઘણા માણસોમાં હોય છે. પણ ઈશ્વર ને તેની કૃપારૂપ બધી સંસિધ્ધિ ને મુક્તિ કે પરમશાંતિ આગળ આનું મૂલ્ય શું છે ? જે અવિનાશી છે -તે ઈશ્વરની આગળ સંસારના ક્ષણિક પદાર્થોનું મહત્વ શું છે ?

ઈશ્વરની કૃપા સૌથી વિશેષ છે. ત્રિલોકનું સામ્રાજ્ય હોય, સૃષ્ટિનો તમામ ધનભંડાર ને વિલાસનાં બધાં જ સાધન હોય, પરંતુ ઈશ્વર ના હોય ને વિનાશનો અચલ નિયમ શિર પર સદાને માટે કામ કરી રહ્યો હોય, તો તે શું કામનું ? માનવશરીર અમૃતમય થવા માટે છે. આ શરીરમાં તે માટે બધી જ શક્યતા પડેલી છે. પણ માણસને તે માટે ઈચ્છા કે લગની ક્યાં છે ? સંસારના બધા જ પદાર્થો પરથી મનની વૃત્તિ હઠી જાય ને ઈશ્વરનાં ચરણોમાં લાગે ત્યારે જ ઈશ્વરની કૃપાનું કામ થાય એમ છે. આ માટે દિલમાં ખૂબ અસંતોષ જગાવવાની જરૂર છે. આ અસંતોષ દુ:ખી થવા માટે જગાડવાની જરૂર નથી, પણ ઈશ્વર જેવી અમુલખ વસ્તુ - અમૃતપદ જેવી મોંઘેરી વસ્તુ પ્રાપ્ત કરવા જગાડવાનો છે.

એનો અર્થ એમ નથી કે સંસાર ને તેના પદાર્થ નકામા છે ને જીવનમાં તેનું કોઈ મૂલ્ય નથી. તેવી નિષેધક ફિલસુફીમાં આપણે રાચવું નથી. આપણે તો સંસારના પદાર્થોમાં રહીને જીવનના સર્વસ્વ એવા ઈશ્વરને મેળવી લેવાનો છે. સંસારના રંગરાગમાં આપણે એટલી હદે ડૂબી પણ નથી જવાનું કે ઈશ્વરથી આપણે છેક વિમુખ થઈ જઈએ. આ માટે આપણે સંસારને જ સર્વકાંઈ માની તેમાં કૃતકૃત્ય થવાની ભાવનાથી ચેતતા રહેવાની જરૂર છે.

અમૃતપદ કે ઈશ્વરને માટેનો થનગનાટ આપણા દિલમાં ખૂબ જ પ્રમાણમાં ઉત્પન્ન થવો જોઈએ. આપણી નસેનસમાં તેનો નાદ જાગવો જોઈએ, તો પછી મૃત્યુ, દુ:ખ કે બીજી બધી જ બાધાથી પર થઈ શકાશે. આ તનમનાટ કેવો હોવો જોઈએ તેનું ઉજ્જવળ દૃષ્ટાંત કઠોપનિષદમાં નચિકેતાના પાત્રમાં મળી રહે છે. યમરાજ પણ તેની આગળ કેવાં કેવાં પ્રલોભનો મુકે છે ! યમ કહે છે ‘હે નચિકેતા ! તું હજારો વરસના પુત્ર ને તેનાય પુત્રને માગી લે, હાથી, ઘોડા ને સોનું માગી લે, વિશાળ ભુમિનું સામ્રાજ્ય પણ લે ને ઈચ્છા પ્રમાણે તું પોતે પણ જીવ અથવા તો ધનધાન્ય ને જે માગવું હોય તે બધું જ માગી લે. મૃત્યુલોકનાં માનવીઓને જે વસ્તુઓ મળવી પણ શક્ય નથી, તે વસ્તુ તું માગ. રથ ને વાદ્ય લઈને ઊભેલી આ અપ્સરાથી પણ સુંદર સ્ત્રીઓને જો. આવી સ્ત્રીઓ કોઈને જોવા પણ મળતી નથી. તું તેમને ગ્રહણ કર. પણ હે નચિકેતા ! તું મૃત્યુ વિશે - અમર બનવાના માર્ગ વિશે પૂછ નહીં.

પરંતુ નચિકેતા આ પ્રલોભનને વશ થયો નહિ. તે જો કે ૭-૮ વર્ષનો બાળક જ હતો પણ આત્મદર્શનની ઉત્કટ ઈચ્છા તેના દિલમાં વસેલી હતી. તેથી તેણે વિચાર્યું કે સમગ્ર સૃષ્ટિનો વૈભવ મળે તોય શું ? આખરે તો તેનો કે મારા શરીરનો નાશ નક્કી જ છે. તેને લઈને શું કરવું ? મારે તો અમૃતપદનો જ માર્ગ જોઈએ. તેથી તેણે કહ્યું કે ‘યમદેવ ! તમારી પાસે આવીને સંસારના ક્ષણિક પદાર્થોની ઈચ્છા મારે કરવી નથી. મારે તો જગતના જે મૂલાધાર, મૃત્યુના સ્વામી, સર્વશ્રેષ્ઠ, અવિનાશી ઈશ્વર છે, તેની જ ઈચ્છા છે. બીજું કાંઈ નથી જોઈતું.’ આખરે યમદેવે તેને આત્મજ્ઞાન આપ્યું, મૃત્યુનું રહસ્ય સમજાવ્યું ને નચિકેતા મૃત્યુ તેમજ શોકથી પર થઈ ગયો.

આવી ધ્યેયપરાયણતા, ઉત્કટ ઈચ્છા ને આકર્ષણ પૂરતા હોય તો જ માણસ યોગ, ભક્તિ કે જ્ઞાન દ્વારા મૃત્યુંજય બની શકે છે કે ઈશ્વરપ્રાપ્તિ કરી લે છે, ને કોઈ પણ માણસ તેમ કરી શકે છે. ફક્ત ઉચિત પુરુષાર્થ કરવો જોઈએ.

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.