કાળનો પ્રભાવ

પ્રશ્ન : પહેલાંના વખતમાં તપસ્વીઓ ને સંતપુરુષો સારા પ્રમાણનાં મળતા. વર્ણ ને આશ્રમના ધર્મ બરાબર પાળવામાં આવતા. આજે આ વસ્તુનો લોપ થયો હોય એમ લાગે છે. તો તેનું કારણ કાળનો પ્રભાવ જ હશે ને ?

ઉત્તર : કાળને વચ્ચે લાવીને તમારે તમારી ફરજ ભૂલી જવાની નથી. માણસનું મન આજે પલટાઈ ગયું છે. એ જ તેનું મોટું કારણ છે. માનસિક દુર્બળતાને ખંખેરી કાઢી આજે પણ કોઈ માણસ જો ઈશ્વર કે આત્મિક સિધ્ધિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે તો આજે પણ તેને તેવી જ રીતે સફળતા મળે જે રીતે પ્રાચીન કાળના કે આજ લગીના બીજા મહાપુરુષોને મળી છે. કાળ તો એનો એ જ છે- પૃથ્વી પણ બદલાઈ ગઈ નથી. મનુષ્ય શરીર પણ તેવી જ જાતનું જ છે ને તે શરીરનો મહિમા પણ આજે પણ તેવો જ છે જેવો પહેલાં હતો. ઊલટું, આજે તો એક વાતે લાભ થયો છે. શરીરનો મહિમા વધ્યો છે. પહેલાં ઋષિમુનિઓને ખૂબ તપ કરવા પડતાં ત્યારે જ સિધ્ધિ મળતી. આજે તો સાચા દિલથી ઈશ્વરસ્મરણ કરવાથી થોડા જ પુરુષાર્થથી પ્રભુની કૃપા થઈ શકે છે. આમ કોઈ રીતે ગેરલાભ થયો નથી. કાળને પણ દોષ દેવા જેવું કંઈ નથી. છતાં બહુ જ થોડા માણસો આત્મિક ઉન્નતિના માર્ગમાં લાગે છે ને સફળ થાય છે. તેનું કારણ મનની નિર્બળતા ને સંસારના પદાર્થો પ્રત્યેની આપણી મમતા કે અંધ આસક્તિ જ છે.

ગયાજીમાં બોધિવૃક્ષ નીચે ભગવાન બુધ્ધ પલાંઠી મારીને બેઠા ને તેમણે સંકલ્પ કર્યો કે જ્યાં લગી પરમ સત્યની પ્રાપ્તિ નહિ થાય ત્યાં લગી અહીંથી ઊઠીશ નહિ. આખરે તેમને સત્યની પ્રાપ્તિ થઈ. પણ તે પછી કેટલાંય માણસો તે વૃક્ષ નીચે એક યા બીજા આશ્રયથી ગયા હશે, તે સ્થળમાં પણ રહ્યા હશે, છતાં એક પણ બુધ્ધ બીજો કેમ થયો નહીં ? સ્થળ તો તેનું તે જ છે, માનવની શક્તિ પણ સમાન છે, પણ બુધ્ધ ભગવાનનું મન નથી. માનવના દુર્બળ મનમાં એટલા માટે સત્યને માટે બુધ્ધના જેવી આતુરતા જાગી શકતી નથી....ભગવાન રામકૃષ્ણદેવ મા કાલી સાથે વાતો કરતા. તેમને મન પ્રતિમા એ પથ્થર ન હતો. જગદંબાનું તે સાક્ષાત્ રૂપ હતું. આજે માણસ પ્રતિમાને પથ્થર જ માનતો હોય- તેનામાં એટલી બધી જડતા ભરી હોય પછી તેને મૂર્તિમાંથી ઈશ્વરના સાક્ષાત્કાર કેમ થઈ શકે ?

નારદના ઉપદેશથી વાલ્મીકિ ઋષિ બની ગયા, ને ફક્ત ‘સાવધાન’ સાંભળીને રામદાસ સ્વામી સાવધાન થઈ ઈશ્વરપ્રાપ્તિ માટે લગ્નના મંડપમાંથી ઊભા થઈ નાસી છૂટયા. સ્ત્રીનાં એક જ વારનાં ઉપદેશ વચનો સાંભળીને તુલસીદાસ રામના ભક્ત બની ગયા. આ બધું શું બતાવે છે ? આવા ઉપદેશ આપણે પણ જાણીએ છીએ. કેટલીક વાર તો આપણે પોતે જ ઉપદેશકાર હોઈએ છીએ. છતાં ઉપદેશ પ્રમાણે જીવન બનાવી શકતા નથી ને તેથી જ તેવા ઉલટા જ કામ જીવનમાં કરીએ છીએ. અસત્ય, દંભ, વિષયાસક્તિ, બધું આપણે સેવી રહ્યા છીએ. આને લીધે જ આપણામાંથી બહુ જ થોડા તુલસી, વાલ્મીકિ, રામકૃષ્ણદેવ કે સમર્થ રામદાસ ને બુધ્ધ થઈ શકે છે. બાકી તેમાં કાળને દોષ દેવાનું કાંઈ જ કારણ નથી. દોષ આપણો પોતાનો જ છે.

આજે પણ જો આપણે ધ્રુવની જેમ અડગતાથી તપ કરીએ તો પ્રભુની કૃપા જરૂર થાય, પણ સાવકી માનાં મહેણાં આપણે ગળી જ જતાં હોઈએ ત્યાં શું થાય? મજૂર માલિકના ઠપકા સાંભળે છે, વિદ્યાર્થી શિક્ષકના ને સ્ત્રી પુરુષનાં તેમજ પુરુષ સ્ત્રીનાં મહેણાં સાંભળે છે, પણ કોઈને તેમાંથી પોતાની સુધારણા કરવાની ઈચ્છા થતી નથી. બધી જ જાતનાં વિરોધી વચન કે બધા ઠપકા આપણે માટે સહજ બની ગયાં છે. ને વધારે આશ્ચર્ય તો એ જ છે કે પંડિતો ને સુધરેલા કહેવાતા લોકો જ વધારે વિષયાસક્ત ને ઈશ્વરવિમુખ થતા જાય છે. આનું કારણ મન જ છે. કાળ કે બીજી કોઈ વસ્તુને તે માટે દોષ દેવો નકામો છે. ફક્ત મનની નિર્બળતાનો નાશ કરીને, હૃદયને વિશુધ્ધ કરવાની જરૂર છે. તો આજે પણ આપણે મહાન આધ્યાત્મિક રહસ્યોની મૂર્તિ જેવા બની જઈએ, ને બીજાને આદર્શરૂપ થઈએ. મહાત્મા ગાંધી આ જ યુગમાં - આ જ કાળમાં જન્મ્યા હતા છતાં પણ પોતાના દૃઢ મનોબળથી ને આત્મશુધ્ધિથી અજબ બળ મેળવી કેવાં આશ્ચર્યકારક કામ કરી ગયા તે તમે ક્યાં નથી જાણતાં ? તમે પણ તેવી રીતે જાગ્રત થઈ મહાન બની શકો. ઈશ્વરને મેળવીને ઋષિ થઈ શકો. તે માટે યોગ્ય ઉપાય કરવા જોઈએ. જે નિયમ એક માણસને માટે છે તે બધાને માટે સાચો છે.

Today's Quote

Everyone is ignorant, only on different subjects.
- Will Rogers

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.