વેદાંત વિશે

પ્રશ્ન : વેદાંત એટલે શું તે સમજાવવા કૃપા કરશો ?

ઉત્તર : સૌથી પ્રથમ વાત હું કહી દઉં કે હું કોઈ પંડિત કે શાસ્ત્રી નથી, તેમજ શાસ્ત્રોનો નિષ્ણાંત હોવાનો દાવો પણ હું કરતો નથી. હું તો ઈશ્વર પર શ્રધ્ધા રાખી આત્મિક વિકાસના માર્ગમાં વર્ષોથી લાગેલો છું. એટલે અનુભવને લીધે તેમજ ઈશ્વરી કૃપાને કારણે મને જે વસ્તુ જેવી સમજાય છે તેવી કહી બતાવું છું. તેને બ્રહ્મવાક્ય માનીને ચાલવું જોઈએ તેવો મારો દુરાગ્રહ નથી. પણ તેના પર વિચાર ના કરવો ને તે પંડિતના વચન નથી માટે જ તેની ઉપેક્ષા કરવી એમ પણ હું નથી કહેતો. પંડિતાઈની પાઠશાળામાં પ્રવેશ્યા વિના પણ જ્ઞાન મળી શકે છે એમ મારું માનવું છે. એટલે મારા કથનમાંથી ગ્રહણ કરવા જેવું લાગે તેને ગ્રહણ કરી જીવનમાં ઊતારવાની જરૂર છે. જ્ઞાન કેવળ ચર્ચાને માટે, વિનોદને માટે કે ફુરસદનો સમય કાઢવા માટે નથી, તેનું તો જીવનમાં મહત્વનું સ્થાન છે— જેમ પ્રાણનું દેહમાં છે તેવું. એટલે તે સંજીવની બૂટી છે. તે દ્વારા જીવનની જડતા દૂર કરવાની છે, નિર્બળતાને ખંખેરી કાઢવાની છે ને સર્વે જાતના બંધનથી મુક્તિ મેળવવાની છે. આટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે. તો જ આપણા વાર્તાલાપ સફળ નીવડશે ને જીવનને ઉજ્જવળ કરવામાં સહાયક થશે. નહી તો તમારો ને મારો વખત વ્યર્થ ગયો મનાશે.

હવે તમારા પ્રશ્ન વિશે. વેદાંતનો અર્થ ટૂંકમાં જ્ઞાનનો અંત, એટલે કે પરમ તત્વ વિશેનું જ્ઞાન એવો થાય છે. તે જ્ઞાનમાં મુખ્યત્વે ત્રણ જાતના જ્ઞાનનો સમાવેશ થાય છે. એક તો પરમાત્મા સંબંધી જ્ઞાન, બીજું જીવાત્મા સંબંધીનું જ્ઞાન ને ત્રીજું જીવાત્મા ને પરમાત્માના સંબંધ તેમજ મિલન અથવા સાક્ષાત્કાર વિશેનું જ્ઞાન ને તે ઉપરાંત જીવ, જગત ને પરમાત્મા એ ત્રણેયના સંબંધનું જ્ઞાન. આ સંબંધ જાણીને પરમાત્માની પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કે સાધના થાય છે તે આ જ્ઞાનની અંદર આવી જાય છે. તેવી અનેકવિધ સાધના શાસ્ત્રોમાં વર્ણવેલી છે. પણ તેને મુખ્યત્વે ઉપાસના કે ક્રિયાયોગ એ બે વિભાગોમાં વહેંચી નાખવામાં આવી છે. આમ વેદાંતનો અર્થ બહુ વ્યાપક છે. પણ વિદ્વાનોમાં વેદના જ્ઞાનમાર્ગના નિષ્કર્ષરૂપ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ ને ગીતા આ ત્રણેયનો વેદાંતના મુખ્ય પ્રમાણભૂત ગ્રંથો તરીકે સ્વીકાર થાય છે. આ ઉપરાત શંકરાચાર્યના અદ્વૈત વિષયક ગ્રંથો પણ વેદાંતના પ્રમાણિત ગ્રંથો મનાય છે. શંકરાચાર્યે વેદાંતના સિધ્ધાંતોને તારવી કાઢીને પુન: સ્થાપિત કર્યા છે, તેમજ તેનો પ્રચાર પણ વિશાળ પાયા પર કર્યો છે. આને લીધે કેટલાક વિદ્વાનો શંકરાચાર્યની ફિલસુફી ને તેમના ગ્રંથોને જ વેદાંત માને છે. પણ વેદાંતનો અર્થ વિશાળ હોઈ ને કેવળ અદ્વૈતવાદ જ નહિ પણ જ્ઞાનના બધા જ મહત્વના સિધ્ધાંતો - જે ભારતમાં પ્રાચીનકાળથી અર્વાચીનકાળ સુધી પ્રચલિત થયા છે ને જે હજી પણ પ્રચલિત થશે, તેમનો વેદાંતમાં સમાવેશ કરવામાં કાંઈ હરકત નથી. તેમાં ક્રમવિકાસ હોઈ શકે પણ જુદાજુદા સિધ્ધાંતો એકમેકના પૂરક છે એ ભૂલવાનું નથી. આ રીતે દ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ ને અદ્વૈતવાદ વેદાંતની એક જ સાંકળના ત્રણ અંકોડા છે.

પણ આ ચર્ચાને આટલેથી જ પૂરી કરીએ. વેદાંતને ટૂંકો અર્થ આત્મા કે પરમાત્મવિષયક પરમજ્ઞાન છે. એટલી જ વાત આપણે માટે પૂરતી છે. બીજી ચર્ચા પંડિતો માટે છોડીએ. વેદાંતના આ જ્ઞાનનો ઉપયોગ માણસે પરમશુધ્ધ બનીને જ્ઞાનસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે કરવાનો છે. જીવનનો એ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. વેદાંતની સિધ્ધિ તે પુરુષાર્થને સિધ્ધ કરવામાં છે. તે સિધ્ધ કરનાર મહાપુરુષ જ સાચો વેદાંતી કહી શકાય.

Today's Quote

The task ahead of us is never as great as the power behind us.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.