જીવનનો વિકાસ

પ્રશ્ન : સાંભળ્યું કે અહીં એક મોટા મહાત્મા પધાર્યા છે. એ સાંભળીને તમારા દર્શન કરવા આવ્યો છું. તો કાંઈ કૃપા કરશો ?

ઉત્તર : તમે ભૂલાવામાં પડ્યા લાગો છો. મને બધા મહાત્માજી કહે છે તો ખરા, પણ મહાત્માપણાને મેળવવા હું તલસું છું. હું કોઈ મોટો મહાત્મા નથી. હું તો ઈશ્વરના ચરણોનો રજમાત્ર, પ્રેમી છું. ઈશ્વરી પ્રેમ કે મુક્તિની પાઠશાળામાં પાછલી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી છું. છતાં તમારી ગુણગ્રાહકતાને લીધે મારામાંથી કાંઈ ગ્રહણ કરો તો તે જુદી વાત છે. બાકી મોટા સંત કે મહાત્માનું મિથ્યા અભિમાન ધારણ કરવાનું મને પસંદ નથી.

પ્રશ્ન : સાધનાના માર્ગમાં રસ ના લઈએ ને માનવતાની ખીલવણી તરફ જ ધ્યાન આપીએ, એને જ મહત્વની ને સર્વ કાંઈ માનીએ, તથા સાથે સાથે બીજાની સેવા કરી છૂટીએ તો જીવનની સફળતા તથા ધન્યતાને માટે શું એટલું પૂરતું નથી થતું ? એટલાથી જ શું જીવનનો વિકાસ નથી સધાઈ જતો ? આધ્યાત્મિકતાની અભિરૂચિ ના કેળવીએ તો ના ચાલે ?

ઉત્તર : આવા પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે એ પ્રશ્નોની પાછળ જે દ્રષ્ટિ છે તે સહેજે સમજી શકાય તેવી છે. પરંતુ પ્રશ્ન પૂછનારની દ્રષ્ટિ અધૂરી છે એવું કહ્યા સિવાય છૂટકો નથી. તમારે માટે પણ એવું જ સમજી લેવાનું છે. તમે પૂછો છો કે આધ્યાત્મિકતાની અભિરૂચિ ના કેળવીએ તો ના ચાલે ? પરંતુ તમે જેમાં માનો છો ને રસ ધરાવો છો, સફળ ને ધન્ય જીવન માટે જેને જરૂરી સમજો છો, એ માનવતાની ખીલવણી તથા બીજા પ્રત્યેનો સેવાભાવ આધ્યાત્મિકતામાં સમાઈ જાય છે, અથવા આધ્યાત્મિકતાના અગત્યના અંગરૂપ છે, એ ભૂલી જાવ છો. એમને મહત્વના માનીને તમે પ્રકારાંતરે, જાણ્યે કે અજાણ્યે આધ્યાત્મિકતાના મહત્વનો જ સ્વીકાર કરી રહ્યા છો. કેમ કે એ આધ્યાત્મિકતાના મૂળભૂત પાયારૂપ છે, અને એના વિના આધ્યાત્મિકતા બનતી જ નથી.

ધર્મ અથવા તો આધ્યાત્મિકતાનાં ચાર અગત્યના અંગ અથવા તો ચરણ કહેવામાં આવે છે : સત્ય, દયા, તપ અને શૌચ. તેમાંથી તમે શૌચ તથા દયાનો સ્વીકાર તો કરી લીધો પરંતુ સત્ય તથા તપનું શું ? સત્ય અટલે એકલું સાચું બોલવું ને સત્યમય વ્યવહાર કરવો એટલું જ નહિ, પણ સત્યરૂપી પરમાત્માનો સાક્ષાત્કાર અને તપ એટલે એને માટેની જરૂરી સાધના. જીવનની ધન્યતા, સફળતા, પૂર્ણતા ને જીવનના જરૂરી વિકાસને માટે એ બધાં જ અંગોનો સ્વીકાર તથા આચારમાં અનુવાદ કરવો રહેશે. માનવતાની માવજત તથા સેવાથી જીવનની સફળતાનો સંતોષ મળશે, પરંતુ જીવનની પૂર્ણતા નહિ મળી શકે. એમ તો પ્રાથમિક શાળામાં ભણવું પણ ભણવું ગણાય છે, પણ એથી આગળ વધીને માધ્યમિક શાળા ને પછી કોલેજમાં ભણાતું હોય તો શા માટે ના ભણવું ? એમ આધ્યાત્મિકતાના વિશાળ બંધારણમાંથી એકાદ બે મનપસંદ વસ્તુનો જ સ્વીકાર કરી, પોતાના જીવનવિકાસના વર્તુળને હાથે કરીને શા માટે ટૂંકું બનાવી દેવું ? મારી વાત સમજી શકો છો ને ? જ્યારે વિકાસ કરવો જ છે ત્યારે જીવનમાં એકાંગી નહિ પણ સર્વાંગી વિકાસ કરો. ધ્યેય તો સર્વાંગી રાખો જ.

Today's Quote

Wise people talk because they have something to say; fools, because they have to say something.
- Plato

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.