ભક્તિ અને આત્માનુસંધાન

પ્રશ્ન : આત્માનુસંધાન ઉત્તમ કે ભક્તિ ? એટલે કે ભગવાનની ભક્તિ કરવી ઉત્તમ છે કે આત્માનું ચિંતન-મનન અથવા તો ધ્યાન કરવું ઉત્તમ છે ?

ઉત્તર : તમે બહુ સારો અને જુદી જાતનો પ્રશ્ન પૂછ્યો છે. પરંતુ એના ઉત્તરમાં એટલું જ કહી શકાય કે ભક્તિ અને આત્માનુસંધાન બંને ઉત્તમ છે અને એકસરખા આશીર્વાદરૂપ ને ઉપયોગી છે. એ બંનેમાં કોઈ વધારે ઉત્તમ છે એવું નથી. સાધકને એ બંનેમાંથી શું વધારે ગમશે કે પસંદ પડશે એ એની રૂચિનો સવાલ છે. પોતાની રૂચિ પ્રમાણે એ કોઈપણ એકને કે બંનેને પસંદ કરી શકે છે. પણ બંનેની મહત્વતા તો એકસરખી છે.

શંકરાચાર્ય તો આત્માના અનુસંધાનની પ્રવૃત્તિને એક પ્રકારની ભક્તિ જ કહે છે. એ કહે છે, કે પોતાના સ્વરૂપનું અનુસંધાન એ ભક્તિ જ છે. એ દ્વારા માણસ પોતાના આત્મા કે પરમાત્માને ભજે જ છે. ભક્તિને તમે આત્માનુસંધાનથી અલગ માનતા હો તો પણ, એમાંથી એક ઉત્તમ અને બીજું અનુત્તમ છે એમ માનવું નકામું છે. તમારી પ્રકૃતિ પ્રમાણે તમે જેને પસંદ કરશો ને જેનો આધાર લેશો તે તમારે માટે સર્વોત્તમ બની જશે તથા તમારો આત્મવિકાસ કરનાર સાબિત થશે.

પ્રશ્ન : આત્મવિચાર અને ભક્તિ અથવા આત્માનુસંધાન ને ભક્તિ - બંનેના ફળ એક જ છે કે જુદાં જુદાં ?

ઉત્તર : આત્માનુસંધાનથી કયું ફળ મળે છે ? એથી મનની સ્થિરતા સાધી શકાય છે, અને પરમશાંતિની પ્રાપ્તિ પણ થઈ રહે છે. એ જ પ્રમાણે ભક્તિ દ્વારા પણ બીજી કઈ ફળપ્રાપ્તિની ઈચ્છા રાખો છો ? એના અનુષ્ઠાનથી પણ મન એકાગ્ર થાય છે, શાંત બની જાય છે અને ઈશ્વરનો સાક્ષાત્કાર સાધી શકાય છે. એટલે ભક્તિ અને આત્માનુસંધાનના સાધન જુદા જુદા હોવા છતાં એ બંનેના ફળ એક જ છે.

પ્રશ્ન : ભક્તિ અને આત્માનુસંધાનના સાધનમાં ભેદ કેવી રીતે છે ?

ઉત્તર : આત્માનુસંધાનમાં પહેલેથી જ આત્માને લક્ષ કરીને, આત્મામાં મન પરોવીને, વૃત્તિને અંતર્મુખ કે આત્માભિમુખ કરીને ચાલવાનું હોય છે, જ્યારે ભક્તિની સાધનામાં મનને ઈશ્વરની સેવાપૂજા ને ઈશ્વરના નામસ્મરણના કામમાં લગાડવાનું હોય છે. ભક્ત ઈશ્વરને માટે રડે છે, તલસે છે, વ્યાકુળ બનીને જીવે છે, તથા પ્રાર્થે છે. પરંતુ આત્માના અનુસંધાનની સાધનામાં રસ લેનાર તો મોટા ભાગનો વખત ધ્યાનમાં પસાર કરે છે. મન અને બુધ્ધિ તથા દેશ અને કાળની પારના પ્રદેશમાં પહોંચવાનો એનો પ્રયાસ હોય છે. એવી રીતે બંનેના સાધનમાં બહારથી જોતાં ભેદ છે.

Today's Quote

The happiest people don't necessarily have the best of everything. They just make the best of everything.
- Anonymous

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.