ઈશ્વરની સર્વવ્યાપકતા

પ્રશ્ન : સંસારી માણસને માટે ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં આગળ ધપવા માટે નામસ્મરણની સાથે બીજું શું કરવા જેવું છે ?

ઉત્તર : સત્સંગ. એટલે કે શાસ્ત્રોનું શ્રવણ-મનન-વાંચન કે સંતપુરુષોનો સમાગમ. સત્યરૂપી પરમાત્મા વિશે જેમાં વર્ણન છે તેવા શાસ્ત્રોનો સંગ એ પણ સત્સંગ છે, ને સત્યરૂપી પરમાત્માને માર્ગે જે આગળ વધ્યા છે તેવા મહાપુરુષનો સંગ પણ સત્સંગ છે. આમાંથી જે સંતપુરુષોનો પ્રત્યક્ષ સમાગમ કરે છે તે ખૂબ ફળદાયક છે. કેમ કે સંતપુરુષો શાસ્ત્રોના સારરૂપ હોય છે. શાસ્ત્રો તૈયાર શેરડીને સાંઠા જેવા છે. પણ સંતપુરુષો તો તૈયાર કરેલો શેરડીનો રસ છે. તેમાં માણસે કાંઈ મહેનત કરવાની નથી. સંતપુરુષો શાસ્ત્રોના સિધ્ધાંતોની સાકાર મૂર્તિ હોય છે. તેમના વચનમાંથી, વ્યવહારમાંથી ને પ્રત્યેક ક્રિયામાંથી શાસ્ત્રો ટપકતાં હોય છે. આવા સંતપુરુષોનો સંગ ઈશ્વરપ્રાપ્તિ માટે ખૂબ જરૂરી છે ને તે કરવા તરફ મુક્તિમાર્ગના પ્રવાસીએ ખૂબ ધ્યાન આપવું જોઈએ.

પ્રશ્ન : ઈશ્વર કે આત્મા તો સર્વવ્યાપક છે. તે તો અમને પ્રાપ્ત જ છે. તેને મેળવવાનું બાકી જ ક્યાં છે ?

ઉત્તર : તમારી વાત જ્ઞાનના સિધ્ધાંતની દૃષ્ટિએ સાચી છે, પણ વાસ્તવિકતાની દૃષ્ટિએ સાચી નથી. અદ્વૈત જ્ઞાનના મહાન પ્રચારક શંકરાચાર્ય પણ આ સિધ્ધાંત કહી ગયા છે. પણ સાથે સાથે તેમણે કહ્યું છે કે વર્તમાનકાળમાં માણસ કઈ ભૂમિકામાં છે તે શોધી કાઢી આગળ વિકાસ કરવાની જરૂર છે. આ માટે ષટ્સંપત્તિની પ્રાપ્તિ તેમજ તે પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવા તેમણે કહ્યું છે. તે ઉપરાંત, આત્મસાક્ષાત્કાર માટે એકાંતમાં ધ્યાન દ્વારા સમાધિ સુધી પહોંચવાની આવશ્યકતા પણ તેમણે સ્વીકારી છે. આટલી કક્ષાએ પહોંચ્યા પછી જ ઈશ્વર કે આત્મા સર્વવ્યાપક છે એવી પ્રત્યક્ષ અનુભૂતિ થઈ શકે છે. તે વિના કેવળ બોલવાથી કે સિધ્ધાંતના રટણથી કંઈ જ વળતું નથી. આટલી કક્ષાએ પહોંચશો પછી બીજા જ તમને કહેશે કે તમે ઈશ્વરપ્રાપ્ત ને કૃતકૃત્ય છો. તમે ના પાડશો તો પણ જ્ઞાની પુરુષો નહિ માને, ને છૂપાવવા જશો તો પણ તમારી ઉચ્ચ આધ્યાત્મિક દશા ગુણગ્રાહી પુરુષોથી ગુપ્ત નહીં રહી શકે. બાકી તમારી પોતાની જાહેરાતથી કોઈ ભ્રમમાં પડીને તમને આત્મદર્શી પુરુષ માની લેશે એમ માનશો નહિ. તમારી ઉચ્ચ આધ્યાત્મિક દશાની જાહેરાત વાણી દ્વારા જ નહિ, પણ તમારા વર્તન દ્વારા થવા દેવાની છે એ ભૂલવાનું નથી. ને વર્તન જ તેનું મુખ્ય વાહન છે.

ઈશ્વરપ્રાપ્ત પુરુષના કેવાં લક્ષણ હોય તે મહાન પુરુષો ને શાસ્ત્રોએ નક્કી કરેલું છે. ગીતા, ઉપનિષદ ને રામાયણ કે ભાગવત જેવા કેટલાય ગ્રંથો ઈશ્વરપ્રાપ્ત પુરુષની કસોટી માટે લાયકાતના પ્રમાણપત્રો રજૂ કરે છે. તેવી લાયકાત મેળવ્યા વિના જ પોતાને કૃતકૃત્ય ને મુક્ત માની બેસવું એ ઠીક નથી. એ તો ખોટા અહંભાવમાં ગૂંગળાઈ જઈને આત્મઘાત કરવા જેવું છે. આ વૃત્તિથી ચેતતા રહી, સતત આત્મનિરીક્ષણ કરી, સાચા અર્થમાં આત્મદર્શી થવાની જરૂર છે. અત્યારે તો તમારામાં ભય છે, કામક્રોધ, લોભ, વાસના, વિષયોનો રસ બધું છે, પછી તમે આત્મદર્શી ક્યાંથી કહેવાઓ ? ભેદભાવથી ભરેલા જીવનને બદલે જ્યારે તમારું જીવન અભેદભાવમાં પ્રતિષ્ઠિત થશે, પ્રેમ, દયા, સત્ય, અહિંસા, સનાતન શાંતિ ને ઈશ્વરદર્શન દ્વારા પૂર્ણ શક્તિ ને મુક્તિ મેળવશે, ત્યારે તમારાં નેત્રોમાં નવી જ ચમક હશે. મુખ પર નવો જ આનંદ ને શાંતિ તેમજ દિવ્ય સ્મિતની ઝલક હશે, નિર્ભયતા ને કામવાસનાની નિવૃતિના ફળરૂપ પવિત્રતાથી તમારું દર્શન પાવનકારી બન્યું હશે, ને ઈશ્વરની અનુભૂતિમાં ઓતપ્રોત થયેલો તમારો આત્મા મહાન ને વિરાટ બન્યો હશે. આવી અવસ્થામાં તમારે મહાનતાનો દાવો કરવાની જરૂર નહીં રહે. ત્યાં લગી ખૂબ સાવધ રહીને ખોટા સંતોષથી દૂર રહી આધ્યાત્મિક સાધનાના માર્ગમાં વિકાસ કરતા રહેજો.

Today's Quote

We do not see things as they are; we see things as we are.
- Talmud

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.