પ્રશ્ન: શરીરથી ભિન્ન આત્મા છે તે વાત સાચી છે ?
ઉત્તર: વરસો પહેલાં તમે આ પ્રશ્ન પૂછ્યો હોત તો ઠીક હતું. પરંતુ હવે તો કોઈપણ બુદ્ધિમાન અથવા તો વિચારશીલ માણસને એ બાબત સંદેહ નથી રહ્યો. શરીરથી ભિન્ન આત્મા છે એ વાત સાથે હવે બધા જ સંમત થાય છે. લગભગ શિષ્ટ કહેવાતા બધા જ ધર્મના મનુષ્યો, દુનિયાના પ્રમુખ ધર્મો-હિંદુ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, પારસી ધર્મ તથા ઈસ્લામ ને બુદ્ધ ધર્મ-સૌ કોઈ શરીરથી અલગ એવા આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. ભારતમાં પણ જે જુદા જુદા ધર્મો તથા ધર્મપ્રણેતાઓ, ઉપદેશકો, આચાર્યો અને દાર્શનિકો છે, તે કેટલાક સિદ્ધાંતોના સંબંધમાં ભિન્નભિન્ન મત કે અભિપ્રાય ઘરાવતા હોવા છતાં, આત્માના અસ્તિત્વના વિષયમાં એકમત છે. એ વિશે એમની વચ્ચે એકતા છે.
પ્રશ્ન: એ આત્મા બુદ્ધિગમ્ય છે કે અનુભવગમ્ય ?
ઉત્તર: બુદ્ધિગમ્ય પણ ખરો અને અનુભવગમ્ય પણ ખરો.
પ્રશ્ન: કેવી રીતે ?
ઉત્તર: બુદ્ધિથી આત્માના અસ્તિત્વને અને આત્માના મહિમાને સમજી શકાય છે. એટલા પૂરતો એને બુદ્ધિગમ્ય કહી શકાય. શાસ્ત્રોના શ્રવણ-મનનથી અથવા તો પઠનપાઠનથી એનો નિશ્ચય કરવામાં મદદ મળે છે. સદ્દગુરુ કે સત્પુરુષોની સાથેના વિચારવિનિમયથી પણ એના સંબંધી સ્પષ્ટ નિર્ણય કરી શકાય છે. બુદ્ધિથી એને સમજી ને સમજાવી શકાય છે. પરંતુ એકલી બુદ્ધિથી આત્માનો સાંગોપાંગ કે છેવટનો નિર્ણય નહિ થઈ શકે. આત્મા ક્યાં છે, કેવો છે, તે કેવી શક્તિ કે યોગ્યતાવાળો છે, તે જાણવા માટે પ્રત્યક્ષ અનુભૂતિના પ્રદેશમાં પ્રવેશવું પડશે. એટલે તો મન, બુદ્ધિ અને બીજી ઈન્દ્રિઓથી પર બનવું પડશે. જ્યાં સુધી બુદ્ધિ તથા મનની સાંકડી શેરીમાં જ રમ્યા કરશો અને ભાતભાતની ચર્ચાવિચારણા કે તર્કવિતર્ક કર્યા કરશો, ત્યાં સુધી આત્માનું સાચું જ્ઞાન થવું મુશ્કેલ છે. જે જ્ઞાન થશે તે જ્ઞાન તમારા પોતાના સ્વાનુભવને પરિણામે પ્રાપ્ત થયેલું નહિ હોય, પરંતુ પુસ્તકિયા કે કોઈકની પાસેથી શ્રવણ કરેલું. હવે એવું જ્ઞાન આત્માને સમજવામાં મદદ કરશે, સમાધાન પણ પૂરું પાડશે અને નિશ્ચય શક્તિને મજબૂત બનાવશે. પરંતુ પરમ શાંતિનું દાન નહીં કરે, દ્વંદ્નોથી મુક્તિ નહિ આપે, ને સમ્યક્ દર્શનનો લાભ આપીને અભેદભાવમાં પ્રતિષ્ઠિત પણ નહિ કરે. એ તો જુદાં જુદાં પકવાનોની માહિતી મેળવવા જેવું થશે, કે જે માહિતીથી મોંમાં પાણી છૂટશે, પરંતુ ભૂખ નહિ મટે, ને પેટ નહિ ભરાય. આત્માની એવી માહિતી પછી ભલેને એ ગમે તેટલો ઊંચી કોટિનો હોય તો પણ, જીવનનું કલ્યાણ તો નહિ જ કરે. એ કલ્યાણની કેડી તરફ માત્ર અંગુલીનિર્દેશ કરશે. એટલે એવું જ્ઞાન મેળવીને પોતાને કૃતાર્થ માનીને બેસી રહેવાને બદલે, આત્માનો સાક્ષાત્કાર અથવા તો અપરોક્ષાનુભવ કરવા તૈયાર થવું જોઈએ. આત્મા એ રીતે અનુભવગમ્ય છે તે વાત યાદ રાખવાની છે.
પ્રશ્ન: આત્માનો સાક્ષાત્કાર અથવા તો અપરોક્ષાનુભવ કેવી રીતે થઈ શકે ?
ઉત્તર: તમે એટલું તો સમજી શકશો કે, શરીરથી ભિન્ન આત્મા શરીરની અંદર જ હોવો જોઈએ અને એટલા માટે જ એનો સાક્ષાત્કાર કરવો હોય તો તે શરીરની અંદર જ થઈ શકે. અલબત્ત, આત્મા શરીરની બહાર પણ વિશ્વમાં બધે જ વ્યાપક છે. છતાં પણ આપણા શરીરમાં એ આપણી નજીકમાં નજીક રહેલો છે. એટલે શરીરની અંદર એને સ્વાભાવિક રીતે જ અને સહેલાઈથી જોઈ શકાય. બહારની દુનિયાને જેમ આપણે બહારની આંખની મદદથી જોઈ શકીએ તેમ આત્માને અંદરની આંખથી જોઈ શકાય છે. એને દિવ્ય ચક્ષુ પણ કહી શકાય. એવા આત્મદર્શન અથવા તો આત્માનુભવને માટે ધ્યાનમાં બેસવાની ટેવ પાડવી પડશે. એ ધ્યાન એક-બે દિવસનું નહિ પણ વરસોનું જોઈશે. વરસોના નિયમિત ધ્યાનથી જ્યારે ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ સાધ્ય થશે અને એકાગ્રતા સહજ બનશે, ત્યારે શરીરનું ભાન ભૂલાવનારી સમાધિદશાની પ્રાપ્તિ થશે, અને એ દશામાં આત્માનો અપરોક્ષ અનુભવ થશે. પછી તો અપરોક્ષ અનુભવ કરવાની ચિત્તની સૂક્ષ્મ વૃત્તિનો પણ વિલય થશે, ને કેવલ આત્મા જ પ્રકાશી રહેશે. કોઈ અનુભવનાર નહિ, અનુભવ નહિ, અને અનુભવની પ્રતિક્રિયાયે નહિ. એ અવસ્થા મળતાં જીવન ધન્ય ને મુક્ત બનશે. તમે સનાતન શાંતિ ને આનંદની મૂર્તિ બની જશો. કોઈ શંકા શેષ નહિ રહે.

