Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રશ્ન: જીવનમુક્તિ એટલે શું ? મુક્તિ શબ્દ તો સારી પેઠે પ્રચલિત છે. એ શબ્દનો અર્થ પણ જાણીતો છે. પરંતુ જીવનમુક્તિ શબ્દ જરા નવા જેવો છે. એનો અર્થ સમજાવશો ?

ઉત્તર: જીવનમુક્તિ શબ્દ વઘારે ભાગે જ્ઞાનમાર્ગના ગ્રંથોમાં વપરાયેલો છે અને એનો અર્થ જીવતાં જ મુક્તિ અથવા તો જીવન દરમ્યાન મુક્તિ એવો થાય છે. એવી રીતે જે પુરુષાર્થ કરીને, પોતાના જીવન દરમ્યાન, અથવા તો શરીરમાં જ મુક્તિનો આનંદ મેળવી લે છે, તેને જીવનમુક્તિ કહેવામાં આવે છે. જીવનમુક્તિ એટલે જીવન હોવા છતાં, જીવનના બંધનમાંથી મુક્ત.

પ્રશ્ન: જીવનનાં બંધન કોને સમજવાં ?

ઉત્તર: દેહાધ્યાસ, રાગ, દ્વેષ, અહંકાર, કામક્રોધાદિ વૃત્તિઓ, આસક્તિ અને મમતા, એ બધા બંધન છે. જીવ એમાં બંધાયેલો છે અને એ બંધનોને લીધે સુખીદુ:ખી થયા કરે છે. જન્મ ને મરણ, અથવા તો આવાગમનનું કારણ પણ એ બંધનો જ છે. એ બંધનો અજ્ઞાનને લીધે જ પેદા થાય છે, વધે છે કે પરિપુષ્ટ બને છે. જ્ઞાનનો ઉદય થતાં એમનો અંત આવે છે. એ જ્ઞાન એટલે બીજું કોઈ ભળતું જ્ઞાન નહિ, પરંતુ આત્મજ્ઞાન, સ્વરૂપનું દર્શન, અથવા પરમાત્માનો સાક્ષાત્કાર. જેને એ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અથવા તો પોતાની અંદર ને બહાર બધે જ રહેલા પરમાત્માનો અપરોક્ષ અનુભવ થાય છે, તે બધી જ જાતનાં બંધનમાંથી મુક્તિ મેળવીને, પરમ સુખ, પરમ શાંતિ ને પરમાનંદમાં પ્રતિષ્ઠિત થાય છે, એમ અનુભવી પુરુષો કહી ગયા છે. એ અવસ્થાને જીવનમુક્તિની અવસ્થા કહેવામાં આવે છે.

પ્રશ્ન: પરંતુ એવી અવસ્થાની પ્રાપ્તિ આ શરીરમાં શક્ય છે ખરી ? લોકો તો કહે છે કે મુક્તિ શરીર છૂટ્યા પછી જ મળે છે.

ઉત્તર: લોકો જે કહે છે તે સાચું નથી. બંધન અને મોક્ષ બંનેનો અનુભવ શરીર દ્વારા જ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિનો એ સર્વમાન્ય સિદ્ધાંત છે. એટલે મુક્તિને માટે જે પુરુષાર્થ કરવાનો છે, તે પુરુષાર્થ શરીરમાં રહીને જ કરવાનો છે, અને મુક્તિને માટે પ્રારંભ પામેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ પણ શરીરમાં જ થવાની છે. એ વિશે કોઈ શંકા કે ભ્રમણા હોય તો તેને કાઢી નાખજો. શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને, હિંમતપૂર્વક આગળ વધો અને તમારી નબળાઈઓની સારી ટક્કર ઝીલીને તેમને ખંખેરી કાઢો તો કશું જ અશક્ય કે મુશ્કેલ નથી. જે ધારશો તે બધું જ કરી શકશો. તમારે કાંઈ નવેસરથી થોડું જ કરવાનું છે. યાદ રાખજો કે તમારી ઈચ્છાશક્તિ મંદ હશે, ને પુરુષાર્થ પણ જો કાચો હશે, તો તમારા લક્ષ્યની સિદ્ધિ તમે નહિ કરી શકો. બધું તમારે માટે અશક્ય જ રહેશે. માટે ઊઠો, તૈયાર થાવ, ને બધી જાતની શંકાકુશંકાને કાઢી નાખો.