પ્રશ્ન: શ્રાદ્ધ કરવાથી કોઈ લાભ થાય છે ખરો ?
ઉત્તર: કેવો લાભ ?
પ્રશ્ન: મારું કહેવાનું એવું છે કે જેની પાછળ શ્રાદ્ધ કરવામાં આવે છે તેને તે પહોંચે છે ખરું ? અને જો તે ના પહોંચતું હોય, તો તેને કરવાનું શું કામ ? એ એક અજ્ઞાન નથી ?
ઉત્તર: શ્રાદ્ધ જેને માટે કરવામાં આવે છે તેને પહોંચે છે કે નહીં, તે કોણ કહી શકે ? એ આખોય વિષય ભાવના ને શ્રદ્ધાનો છે, માટે જ તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. ધારો કે તે જેને માટે કરવામાં આવે છે, તેને નથી પહોંચતું, તો પણ તેથી બીજા લાભ થાય છે કે નહિ તે જોવાનું છે.
પ્રશ્ન: બીજા કયા લાભ ?
ઉત્તર: એ દિવસે, શ્રાદ્ધ નિમિત્તે, મરેલા સંબંધીઓની સ્મૃતિ થાય છે. તેમના જીવનમાંથી વિશેષ બોધપાઠ લઈ શકાય છે. તેમના પ્રત્યે આપણું શું કર્તવ્ય છે તેનો વિચાર થાય છે. એ કર્તવ્યનું પાલન કરવાની પ્રેરણા મળે છે, તથા યોજના બનાવી શકાય છે. શ્રાદ્ધ સિવાયના બીજા દિવસોમાં પણ એ બધું થઈ શકે છે ખરું. પરંતુ શ્રાદ્ધનો દિવસ તો એ માટે જ નિમિત્ત થયો હોવાથી, એ દિવસે એ બધું વધારે ચોક્કસ રીતે, ને વધારે પ્રમાણમાં થઈ શકે છે.
પ્રશ્ન: બધા લોકો એવું કરે છે ખરા ?
ઉત્તર: કરે છે કે નહિ એ જુદી વાત છે. પરંતુ કરવું જોઈએ એ હકીકત છે. શ્રાદ્ધની પાછળ આપણે એ ભાવનાને જોડી દીધી છે. એને લોકો ભૂલી ગયા હોય એટલા જ પરથી એની કિંમત ઓછી નથી થતી.
પ્રશ્ન: બીજો કોઈ લાભ છે ખરો ?
ઉત્તર: એ દિવસે, એ બહાને, માણસ જરાક ઉદાર બનતો ને બીજાની સેવા કરતો થાય છે. જે લોકો ફાલતુ દિવસોમાં કોઈને કશું જ દાન નથી આપતા, ને નથી ખવડાવતા, તેવા લોભી કે કંજુસ લોકો પણ, શ્રાદ્ધના દિવસોમાં દાન આપે છે, અને બીજાને જમાડે છે. એ રીતે સમાજને એનાથી લાભ જ થાય છે. આજના જમાના પ્રમાણે દાનની પદ્ધતિમાં ફેરફાર કરીને, શ્રાદ્ધની ક્રિયાને સમાજસેવાનું સાધન બનાવી શકાય છે. એમ થાય તો શ્રાદ્ધ કેવળ પિંડદાન ને બ્રહ્મભોજન પૂરતું જ મર્યાદિત ન રહે, પણ વિદ્યાર્થીઓ, રોગીઓ, ગરીબો ને અનાથોની સેવામાં મદદરૂપ બની શકે. લોકસેવામાં એ રીતે એ સુંદર ફાળો આપે.
પ્રશ્ન: શ્રાદ્ધમાં જે મોટા જમણવાર થાય છે તે વિશે આપને કાંઈ કહેવાનું છે ?
ઉત્તર: ઉપરની ચર્ચામાં એનો ઉત્તર આવી જાય છે. હું તો આ વિષય નીકળ્યો છે ત્યારે તમારું ધ્યાન એક બીજી વાત તરફ દોરવા માગું છું કે, માણસના મરણ પછી જેટલા ભાવ ને ઉત્સાહથી શ્રાદ્ધ કરવામાં આવે છે, તેથી પણ વધારે ભાવ ને ઉત્સાહથી તે જીવતો હોય ત્યારે આપણે એની સેવા કરવી જોઈએ. માતાપિતાની સાથે ખરાબ વ્યવહાર કરનારા, ને તેમને ત્રાસ આપનારા સંતાનો તે જીવતા હોય ત્યારે તેમને ઘી કે દૂધનો છાંટો નથી આપતાં, સારું કપડું નથી પહેરાવતા, ને સારી રીતે બોલાવતા પણ નથી. તે જ બાળકો તેમના મરણ પછી તેમની પાછળ જમણવાર કરે છે, અને ધન કે વસ્ત્રનું દાન દે છે. આ કઈ જાતનું શ્રાદ્ધ છે ? આવા શ્રાદ્ધ કરનારનું કલ્યાણ ભાગ્યે જ થઈ શકે. માટે જે જીવો આપણી વચ્ચે જીવે છે, તેમની સાથે બને તેટલો સારો વ્યવહાર કરીને, તેમના આત્માને જીવતાં જ શાંતિ આપવાની ને સુખી કરવાની જરૂર છે. તેમની યથાશક્તિ સેવા કરીને તેમને જીવતાં જ પ્રસન્ન કરવાની જરૂર છે. એવી રીતે જો કરી શકીએ તો આપણા શ્રાદ્ધ મરણ પછીનાં નહિ, પણ જીવન દરમ્યાનનાં જ થઈ જશે. તથા મરણ પછી ગરુડપુરાણ વંચાવવાની, સપ્તાહ કરાવવાની કે શ્રાદ્ધ કરાવવાની જરૂર નહિ રહે. કરો તો પણ ઠીક, ને ના કરો તો પણ ઠીક. કેમ કે મરણ પછી થતી સદ્દગતિ કરતાં દરેક જીવ, જીવન-દરમ્યાન અને આ જ શરીરમાં સદ્દગતિ મેળવે એવી આપણી ભાવના હશે, અને એ માટે આપણી પ્રવૃત્તિ થશે.

