વિદ્યાભ્યાસ પુરો કરીને દયાનંદ સરસ્વતીએ ગુરૂને દક્ષિણામાં લવીંગ આપ્યા ત્યારે પ્રજ્ઞાચક્ષુ ગુરૂ વિરાજાનંદે કહ્યું :
‘બેટા ! દેશમાં ઘણું અજ્ઞાન છે. લોકો સાચા ધર્મને ભુલી ગયા છે. તું તેમને પ્રકાશ પહોંચાડજે ને તારું જીવન એમના હિત માટે વાપરજે.’
વિદાય સમયે દયાનંદ અને ગુરૂ બંનેને આંસુ આવ્યા.
વરસો પછી દયાનંદને ગુરૂના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તે ગળગળા થઈ ગયા ને સભાજનોને પોતાના હાથ પર પડેલો લાકડીનો સોળ બતાવીને કહેવા લાગ્યા :
‘આ મારા ગુરૂની પ્રસાદી છે. એમના સ્નેહનું જ સંભારણું છે. ક્રોધમાં આવી કોઈવાર એ મને લાકડીથી મારી બેસતા. એમનો મારે માટેનો પ્રેમ એવો ભારે હતો. એ પ્રેમ વિના હું દયાનંદ ન થઈ શક્યો હોત. એ મહાન ગુરૂદેવનો હું ઋણી છું.’
- શ્રી યોગેશ્વરજી