if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વાલ્મિકી રામાયણનો પ્રસંગ છે. પ્રસંગ બહુ મોટો નથી, પણ ભારતીય સંસ્કૃતિનાં બહુ મોટાં મુલ્યોથી ભરેલો છે.

વનવાસનાં વરસો દરમ્યાન પંચવટીમાંથી રાવણે સીતાનું હરણ કર્યું. રામ સુવર્ણમૃગના રૂપમાં રહેલા મારીચનો વધ કરી પંચવટીમાં લક્ષ્મણ સાથે પાછા આવ્યા ત્યારે આશ્રમને એમણે સુનો જોયો. એમનું હૃદય રડી ઉઠ્યું. હા સીતા ! હા સીતા ! કરતા એ લગભગ મુર્છિત જેવા થઈ શોક કરવા લાગ્યા. સીતા ક્યાં ગઈ હશે એની એમને ચિંતા થવા લાગી. વનમાં રહેનારા કોઈ રાક્ષસો એને ઉઠાવી ગયા હશે, એવી આશંકા એમને થઈ રહી.

સીતા વિનાનો આશ્રમ એમને ખાવા ધાવા લાગ્યો. એ આશ્રમમાં રહેવાનું એમને માટે મુશ્કેલ હતું. છેવટે એ લક્ષ્મણ સાથે સીતાની શોધમાં નીકળી પડ્યા.

વનના માર્ગો ત્યારે ઘણાં ભયંકર હતા. જંગલી જનાવરો અને રાક્ષસોથી ભરેલા એ માર્ગો પરથી પસાર થવાનું કામ કાંઈ સહેલું ન હતું. છતાં વનમાં રહેવા ટેવાયેલા રામ ને લક્ષ્મણ વનમાં આગળ વધવા માંડ્યા. રસ્તામાં કોઈ મુનિના આશ્રમ આવતા, તો એ ઘડી-બે ઘડી આરામ કરતા, ને સીતાની માહિતી મેળવવાનો પ્રયાસ કરતા. પરંતુ સીતાની સાચી માહિતી કોઈ ન આપી શકતું એટલે એમનું દુઃખ વધી જતું. રામની દશા અત્યંત કરુણ હતી. એમનાં નેત્રોમાંથી આંસુ ટપક્યે જતાં. લક્ષ્મણથી એમનું આક્રંદ અથવા તો વિરહદુઃખ જોયું નહોતું જતું. લક્ષ્મણને પોતાને પણ દુઃખ થતું. પરંતુ કરવું શું ? એના હાથની વાત થોડી જ હતી ? એના હાથમાં હોત તો આકાશ અને પાતાળ ફોડીને પણ એ સીતાને લઈ આવત, ને રામને સુપરત કરત. પરંતુ બાજી એના હાથની બહાર હતી.

રસ્તામાં જટાયુ મળ્યો. એની વાત પરથી શ્રીરામે જાણ્યું કે લંકાનો રાજા રાવણ સીતાને હરી ગયો છે. જટાયુ રાવણ સાથેના યુદ્ધમાં ઘવાયો હતો અને રામને આટલા સમાચાર આપવા જીવતો રહ્યો હતો. રામની કૃપાથી એને શાંતિ મળી અને એની સદગતિ થઈ. પછી શ્રીરામ આગળ વધ્યા. થોડા દિવસ પછી એક પ્રસંગ બન્યો.

વિરહમાં ડુબેલા રામે રસ્તામાં એક ઘરેણું જોયું. રાવણના હાથમાં પડેલી અસહાય સીતાએ વિમાનમાંથી એના કુંડલને નીચે નાખી દીધું હતું. એવી આશાએ, કે કોઈવાર એના પર શ્રીરામની નજર પડશે ને પોતે કયી દિશામાં ગઈ છે તેનું એમને જ્ઞાન થશે.

કુંડલને જોઈ શ્રીરામ ગળગળા થઈ ગયા. આ કુંડલ સીતાનું તો નહીં હોય ? સીતાના શરીર અને એની પરનાં ઘરેણાંને ધારીધારીને નિરખ્યે એમને કેટલો બધો વખત થયો હશે ? એટલે કુંડલને એ સહેલાઈથી ઓળખી શક્યા નહીં.

‘લક્ષ્મણ ! ભાઈ જરા જો તો ખરો કે આ કુંડલ કોનું છે ? સીતાનું છે કે નહીં ? વનમાં તું આટલો બધો વખત સાથે રહ્યો છે એટલે સીતાના કુંડલને અવશ્ય ઓળખતો હોઈશ.’

એટલું કહીને કુંડલ એમણે લક્ષ્મણના હાથમાં મુકી દીધું.

પરંતુ લક્ષ્મણે તરત કહ્યું : ‘રામ, હું સીતાના કુંડલને નથી ઓળખતો. ફકત સીતાના ઝાંઝરને ઓળખી શકું છું - કેમ કે મને એમના ચરણમાં પ્રણામ કરવાની ટેવ છે.’

લક્ષ્મણના ઉત્તરથી રામને કેટલો બધો આનંદ થયો, તે તો કોણ કહી શકે ? પરંતુ આપણને તો આનંદ થાય છે જ. વાલ્મિકી રામાયણના જે કેટલાક મહત્વના પ્રસંગો છે, તેમાં આ પ્રસંગ અતિ મહત્વનો છે. એનું આગવું સ્થાન છે. આ પ્રસંગ લક્ષ્મણની પવિત્રતાના પ્રતીક જેવો છે. લક્ષ્મણે ઘરમાં ને બહાર, મહેલમાં અને વનવાસમાં, વરસો દરમ્યાન, જે અણીશુદ્ધ સંયમનું પાલન કર્યું હતું, તેનો આ દસ્તાવેજી પુરાવો છે. આજના ઘોર વિલાસી યુગમાં લક્ષ્મણની આ બધી વાણી કોઈને વેવલાપણામાં ખપાવવા જેવી લાગતી હશે, પરંતુ જે સંસ્કૃતિએ ‘પરસ્ત્રી માત સમાન’નો ઉપદેશ આપ્યો છે, એ સંસ્કૃતિના બે મહત્વના પાત્રોમાંથી એક પાત્રની આ વાણી છે, એ યાદ રાખવાનું છે. જીવનને શુદ્ધ બનાવવાની આજે પણ એનામાં શક્તિ છે. ભારતીય પ્રજાના દિલમાં હજુ પણ એ વાણી ગુંજી રહી છે. એ વાણીથી ચકિત થતી ભારતની પ્રજા એના તરફ આજે પણ ગૌરવથી જુએ છે. આવી ભાવનાઓથી ભરપુર હોવાથી જ ભારતના શાસ્ત્રો પરદેશીઓને પણ આજે મુગ્ધ કરે છે. એ ભાવનાઓને આપણે સમજીએ, ને જીવનમાં ઉતારીએ તે જરૂરી છે. તો જ આપણે વ્યક્તિ તેમજ સમષ્ટિ તરીકે સુદૃઢ બની શકીશું. આખરે તો કોઈપણ પ્રજાને મજબુત ને સુખી થવા માટે ભૌતિક કરતાં નૈતિક મુલ્યોની જાળવણીની જરૂર જ વધારે હોય છે, એ યાદ રાખવાનું છે.

  - શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.