ઈ. સ. ૧૯૫૬ની વાત છે. મુંબઈથી એક ભાઈ મારી પાસે થોડો વખત શાંતિથી રહેવા ઋષિકેશ આવ્યા હતા. તેમની ઈચ્છા, પહેલાં હું રહેતો હતો તે સ્થાન દેવપ્રયાગ જોવાની થઈ. દેવપ્રયાગમાં હું લગભગ સાત વરસ સુધી ગામની બહાર જંગલમાં રહ્યો હતો. એક ભાઈએ પોતાની જ જમીનમાં ત્યાં મારે માટે નાની સરખી ઓરડી બંધાવી હતી. પાસે પાણીનું ઝરણું અને નાની નદી હોવાથી એ સ્થાન મને ઘણું ગમી ગયું હતું. પાંચ વરસ સુધી હું ત્યાં એકલો જ રહ્યો, ને પછીનાં બે વરસ માતાજી સાથે રહ્યો.
બદરીનાથને રસ્તે આવતા દેવપ્રયાગનો એ આશ્રમ તો હવે પડી ગયો હતો. એનું નામનિશાન પણ રહ્યું ન હતું, છતાં એ ભાઈને આશ્રમની એ જગ્યા જોવાની ઈચ્છા થઈ, એટલે અમે દેવપ્રયાગ આવ્યા. ગામમાં એક ઓળખીતા ભાઈને ત્યાં ઉતારો કરીને, બપોરે અમે આશ્રમની એ જગ્યા જોવા ગયા. પર્વતીય પગદંડી પરથી ખુબ જ સાવધાનીપુર્વક પસાર થતા છેવટે અમે એ જગા પર આવી પહોંચ્યા. એ જ ઝરણું, નીચે ખીણમાં શાંતા નામની એ જ નાનકડી નદી, એ જ વન, એ જ આકાશને અડવા મથતા ઉંચા ઉંચા પર્વતો, ને આંબાનું ઝાડ. ફકત એની નીચે પેલી ઓરડી ન હતી.
‘આ અમારી જગ્યા.’ મેં પેલા ભાઈને કહ્યું : ‘આ નદી અને આ ઝરણું.’
‘અત્યંત એકાંત અને ભયંકર જગ્યા છે. આવી જગ્યામાં તમે આટલાં બધાં વરસ કેવી રીતે રહી શક્યા અને એ પણ ઉગતી યુવાનીમાં ?’ એ ભાઈએ પુછ્યું. જગ્યા જોઈને એમને ભારે નવાઈ લાગી.
મેં કહ્યું : ‘પ્રભુકૃપાની વાત છે. એની કૃપા હોય તો જ આવા એકાંત સ્થાનોમાં રહી શકાય. એ જે ધારે તે કરે છે ને કરાવે છે.’
એટલીવારમાં તો તેમની નજર પર્વતની થોડેક ઉપર અટકી રહેલા લગભગ સો મણના એક મોટા પથ્થર પર પડી.
‘આ શું છે ?’ તેમણે પુછ્યું. ‘આ પત્થર અહીં કોઈપણ જાતના આધાર વિના કેવી રીતે અટકી રહ્યો છે ?’
મેં કહ્યું : ‘એને કોઈ સાધારણ પથ્થર ન સમજશો. એ પથ્થર નથી, પરમાત્માની કૃપાનું પ્રતિક છે. અથવા કહો કે પરમાત્માની કૃપાનો મુંગો સાક્ષી છે.’
‘તે કેવી રીતે ?’
ઝરણાં પાસે બેસી મેં એમને કહ્યું : ‘એનો ખુલાસો તો માતાજી પણ આપી શકે તેમ છે. છતાં હું જ આપું. સાતમે વરસે અમે અહીં રહ્યા હતા ત્યારે વરસાદનું ભયંકર તોફાન થયું. એ તોફાનને લીધે આ પથ્થરવાળા પર્વત પર એક પાણીનો ઢાળીયો છે તે તુટી પડ્યો. પછી તો પુછવું જ શું ? બેત્રણ ઠેકાણેથી તુટેલો એ ઢાળીયો અમારી ઓરડીની બેઉ બાજુથી વહેવા માંડ્યો. ઢાળીયા નીચે કાચો પર્વત હતો, એટલે એ પર્વતની માટી ને પર્વતના મોટા મોટા પથ્થર પાણી સાથે નીચે પડવા લાગ્યા. પર્વતોમાં બાંધેલા મકાનો પાયા વિનાનાં જ હોય છે. અમારી ઓરડી પણ એવી જ હતી. એક જ મોટો પથ્થર એ ઓરડી પર પડે તો આખી ઓરડી ધરાશયી થઈ જાય, સામેની ખીણમાં પડી જાય, અને અમે બેઉ પણ કાયમને માટે શાંત થઈ જઈએ એવું હતું. વધારે ભાગે રાતે જ વરસાદ પડતો ને તોફાન પણ રાતે જ વધારે થતું. એ વખતે શાંતિ ધારણ કરી અમે ઈશ્વરનું સ્મરણ કરી બેસી રહેતાં.’
‘ઈશ્વરનું સ્મરણ ? એવે વખતે ઈશ્વરનું સ્મરણ થાય જ કેવી રીતે ? અને શાંતિ પણ કેવી રીતે રહે ?’ એ ભાઈએ પુછ્યું.
‘શાંતિ રાખવી જ પડે.’ મેં કહ્યું : ‘શાંતિ રાખીને ઈશ્વરનું સ્મરણ કર્યા વિના બીજો ઉપાય શું ? તોફાનથી આવવા-જવાના રસ્તા કપાઈ ગયેલા. આશ્રમ ખાલી કરી અમે જઈએ પણ ક્યાં ? ઈશ્વર બધું સારું કરશે એ વિશ્વાસથી અમે આશ્રમમાં બેસી રહ્યાં. ચોથે દિવસે વરસાદ બંધ થયો ત્યારે અમે ઓરડીમાંથી બહાર નીકળ્યાં, તો અમારી નજર ઓરડીની થોડેક ઉપર અને તદ્દન પાછળ, માટીમાં ભરાઈ રહેલા આ પથ્થર પર પડી. લગભગ સો મણનો પથ્થર. આ પથ્થર પર્વતમાં અટકી રહ્યો ન હોત તો ....? એ વસ્તુની કલ્પનાય કરી શકાય તેમ ન હતી. એને જોઈ અમારા પર ઈશ્વરે કરેલી અજબ કૃપાનો અમને ખ્યાલ આવ્યો. એ પછી થોડા દિવસમાં અમે આશ્રમ છોડી બીજે રહેવા ગયા.’
‘ધન્ય છે તમારી શ્રદ્ધાને, ને ધન્ય છે ઈશ્વરની કૃપા અને એના પ્રતીકરૂપ આ પથ્થરને ! આશ્રમની આ જગ્યા તો યાત્રાના ધામ જેવી છે - પરંતુ આ પથ્થરનો મહિમા પણ કાંઈ ઓછો નથી. એ પણ ભારે પવિત્ર ને યાદગાર છે.’ પેલા ભાઈએ કહ્યું.
અને લાંબા વખત લગી ત્યાં બેસી, એ પથ્થરને અનેક વાર અત્યંત ભાવપુર્વક જોઈને, છેવટે અમે ગામમાં પાછા ફર્યા.
- શ્રી યોગેશ્વરજી

