ભાગવતનો પ્રસંગ છે. પ્રહલાદનું મન નાની અવસ્થાથી જ ઈશ્વરમાં લાગેલું જોઈને એના સમવયસ્ક વિદ્યાર્થીઓને વિસ્મય થયું. કોઈને નહીં ને પ્રહલાદને જ પરમાત્મા પ્રત્યેનો આટલો પ્રેમ શાથી થયો ? આટલી નાની વયમાં આવું જ્ઞાન ક્યાંથી ને કેવી રીતે આવ્યું ? સંશયનું નિવારણ કરવા એ બધા પ્રહલાદ પાસે ગયા. પ્રહલાદે કહ્યું : ‘ભાઈઓ, મારામાં જે પરમાત્માનો પ્રેમ છે તે સત્સંગના પરિણામરૂપે છે. સંતસમાગમ ખરે જ દુર્લભ છે. મને તેનો લાભ મળ્યો છે. મારામાં જે જ્ઞાન દેખાય છે તે તેનું ફળ છે.’
ત્યારે તો વિદ્યાર્થીઓને વધારે વિસ્મય થયું. તેમને થયું - પ્રહલાદને વળી સંતસમાગમનો લાભ ક્યારે મળ્યો ? એ તો આપણી સાથે જ ફરે છે.
વિદ્યાર્થીઓની શંકા સાંભળી પ્રહલાદે સ્પષ્ટીકરણ કર્યું : ‘ભાઈઓ, હું સાચું જ કહું છું. જુઓ. મારા જીવનમાં વીતેલા વરસોનો ઇતિહાસ તમને કહી સંભળાવું. મારા પિતા હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરવા ગયા ત્યારે દેવતાઓએ દૈત્યો પર હુમલો કર્યો. બન્ને વચ્ચે લડાઈ ફાટી નીકળી. એ વખતે ઈન્દ્ર વિજયી બની મારી માતાનું હરણ કરી ચાલી નીકળ્યો. મારી માતા તે વખતે ગર્ભવતી હતી.
રસ્તામાં એને નારદ મળ્યા. નારદે કહ્યું : ‘ઈન્દ્ર ! જરા વિચાર તો કર કે તું કેવું અધમ કામ કરી રહ્યો છે ?’
ઈન્દ્રે કહ્યું : ‘આ સ્ત્રીના પેટમાં ગર્ભ છે, માટે હું તેનું હરણ કરી જાઉં છું.’
ત્યારે નારદજી બોલ્યા : ‘એ ગર્ભ કોઈ સાધારણ જીવનો નથી, પરંતુ ભગવાનના મહાન ભક્તનો છે. માટે તારે તેનાથી ભયભીત થવાની જરૂર નથી. તું ધારશે તો પણ તેનો નાશ નહીં થઈ શકે; કેમ કે ભગવાનના ભક્તો અમર હોય છે, ને સ્વયં ભગવાન એમની રક્ષા કરતા હોય છે. માટે આ સ્ત્રીને તું છોડી દે. હું એને મારા આશ્રમમાં લઈ જઈશ ને રાખીશ.’
એ પછી ઈન્દ્રે દેવર્ષિ નારદના વચનને માન આપીને મારી માતાને છોડી દીધી.
દેવર્ષિ નારદના આશ્રમમાં મને જે વાતાવરણ મળ્યું તે સાત્વિક હતું. કેટલું સુંદર ને શાંત, હૃદયદ્રાવક વાતાવરણ ? ત્યાં નિયમિત શાસ્ત્રાધ્યયન થતું, કથાવાર્તા તથા સંકીર્તન થતું. જે લોકોત્તર ભક્તપુરૂષો કે સંતો આવતા તેમનાં દર્શન, સમાગમ ને પ્રવચનનો લાભ મળતો. ત્યાં જ મારો જન્મ થયો. એ હૃદયસ્પર્શી વાતાવરણમાં જ મારા બચપણની શરૂઆતનો કાળ મેં કાઢ્યો. એ એક મહાન ભાગ્ય હતું. એ વાતાવરણે મારા પર ભારે અસર કરી. મને થયું - ઈશ્વરની ભક્તિ કરવા, ઈશ્વરને મેળવવા અને બીજાને સન્માર્ગે ચઢાવવા માટે જ આ મનુષ્યજીવન મળેલું છે. આ હાથમાં આવેલા હીરાને નકામો વેડફી નાખવો ના જોઈએ. સત્સંગના પ્રભાવથી મને એ સંકલ્પ વારસામાં મળ્યો.
પછી તો મારા પિતા તપશ્ચર્યા પુરી કરી ઘેર આવ્યા, એટલે નારદજીએ અમને એમની પાસે પહોંચાડી દીધા. આ મારા બાલ્યાવસ્થાના સંસ્કાર જ અત્યારે કામ લાગ્યા છે, ને બીજમાંથી અંકુરરૂપે ઉગી નીકળ્યા છે. એમણે જ મને ભક્ત કે જ્ઞાની બનાવ્યો છે.’ આ સાંભળી વિદ્યાર્થીઓની શંકાનું સમાધાન થયું.
ભાગવતની આ કથા કહી જાય છે કે બાલ્યાવસ્થા એ જીવનની અત્યંત મહત્વની અવસ્થા છે. તે વખતે પડેલા સંસ્કાર જીવનમાં કાયમી અસર પહોંચાડે છે, ને વજ્રલેપ જેવા બની જાય છે. એ વખતનું વાતાવરણ પોતાની અમીટ છાપ મુકી જાય છે. એ વખતની ટેવો ને વિચારસરણી તથા ભાવનાઓ જીવનમાં ઘર કરે છે. માટે વાતાવરણ તથા સંગની પસંદગી કરવામાં બહુ જ સાવધ રહેવાની જરૂર છે. બાળકોએ, બાળકોમાં રસ લેતા કે બાળશિક્ષણમાં પડેલા બધાએ આ વાત ધ્યાનમાં રાખવાની છે. બાળકનું ભાવિ જીવન સત્વશીલ બને એ માટે સહયોગ આપવાનો છે.
બાળકોએ જ શા માટે ? વિકાસની નજરે તો ગમે તેવી મોટી ઉંમરના માણસો પણ બાળકો જ છે, એટલે એમણે પણ જીવનને જીવવા જેવું અથવા તો ઉત્તમ બનાવવા માટે, વાતાવરણ ને સંગની પસંદગી પર પુરતું ધ્યાન આપવું જોઈએ. જીવનમાં જેમને કોઈ નોંધપાત્ર વિકાસ કરવો છે, ખાસ કરીને આધ્યાત્મિક વિકાસ, તે તો વાતાવરણ કે સંગ પ્રત્યે દુર્લક્ષ કરે તે ન જ ચાલે.
- શ્રી યોગેશ્વરજી

