ભારતમાં પદયાત્રા કરતા ગુરૂ નાનક જનસમાજને ઉપદેશ આપતા બધે ફરી રહ્યા હતા. એમનો ઉપદેશ ભ્રાતૃભાવનો, સેવાનો, સહુમાં રહેલા ઈશ્વરની ઝાંખીનો અને વ્યવહારમાં રહેવા છતાં, એથી અલિપ્ત રહેવાનો હતો. એ પોતે એવું જીવન જીવતા કે લોકો એમનામાંથી પ્રેરણા મેળવતા. હજારો લોકો એમની છત્રછાયા નીચે એકઠા થયા હતા. ભારતના બધા ભાગના લોકો એમને માનતા ને પુજ્યભાવથી જોતા - છતાં પંજાબમાં એમનું વર્ચસ્વ વધારે હતું. પંજાબ એમની જન્મભુમિ ને કર્મભુમિ પણ હતી, એટલે ત્યાં એમના અસંખ્ય શિષ્યો હતા. એ પોતાને શીખ કહેવડાવતા, ને શીખધર્મ પાળતા. શીખધર્મના પ્રણેતા તરીકે ગુરૂ નાનકને ભારે માનની નજરે જોતા.
પરંતુ દીવા નીચે અંધારૂ હોય છે, તેવી જ રીતે નાનકનો ઉપદેશ એમના મોટા ભાગના શિષ્યોને જ નહોતો લાગ્યો. એ બધા અંદરઅંદર ઈર્ષા કરતા. એ ઈર્ષાનું કારણ હતું - નાનક પાસે લહના નામનો એક છોકરો હતો તે. તે ઘણો સેવાભાવી અને સંસ્કારી હતો, એટલે નાનક એ છોકરા તરફ વિશેષ પ્રેમભાવ રાખતા. લહના ગાતો પણ સારું. નાનકનાં રચેલા ભક્તિભાવથી ભરેલાં પદો એ એટલા ઉમળકા ને રસપુર્વક ગાતો કે શ્રોતાજનો ડોલી ઉઠતા. નાનક એના પ્રત્યે વિશેષ ભાવ રાખે એ સ્વાભાવિક હતું.
એ ભાવ જોઈ શિષ્યો અંદરઅંદર વાતો કરતા : ‘લહનો ભાગ્યશાળી છે. ગુરૂ એના પર કેટલો બધો પ્રેમ રાખે છે ! પોતાની પાછળ ગુરૂ એને જ ગાદીનો વારસ બનાવશે, એમાં શંકા નથી. આપણે બધા રહી જઈશું.’
નાનક સમજી ગયા કે લહના પર બીજા શિષ્યો ઈર્ષ્યાભાવ રાખે છે. એમને દુઃખ તો થયું, પરંતુ દુઃખી થઈને બેસી રહેવાને બદલે એમણે શિષ્યોની બુદ્ધિ ઠેકાણે લાવવાનું વિચાર્યું. ગુરૂ તરીકે એમની તે ફરજ પણ હતી.
એક દિવસ પોતાના રોજના કાર્યક્રમ પ્રમાણે શિષ્યો સાથે વાર્તાલાપ કરતા એ ફરવા નીકળ્યા. રસ્તામાં એમણે કહેવા માંડ્યું : ‘ગુરૂમાં ગાઢ શ્રદ્ધા રાખવાથી બધું કામ સહેલું થઈ જાય છે. પ્રકાશ પામી ચુકેલા ગુરૂ અને ઈશ્વર એક છે - એ બન્નેમાં ભેદ નથી.’
શિષ્યોએ કહ્યું : ‘બરાબર છે. ગુરૂ અને ઈશ્વરને અમે એક જ વસ્તુના બે નામ માનીએ છીએ. એમાં અમારી ભેદબુદ્ધિ નથી.’
‘ગુરૂના વચનમાં પણ એવી રીતે વિશ્વાસ રાખવો જોઈએ.’ નાનકે કહ્યું : ‘ગુરૂનું વચન એ વેદવચન છે. એમાં કોઈ કારણે કોઈ પ્રકારની શંકા કરવાની ન હોય.’
‘સાચું છે. ગુરૂના વચનમાં પણ અમને વિશ્વાસ છે.’ શિષ્યોએ કહ્યું.
એટલીવારમાં તો ગુરૂ નાનક રસ્તામાં અટકી પડ્યા. રસ્તાની એક બાજુ ઘોર જંગલમાં એક મડદું પડ્યું હતું.
ગુરૂએ કહ્યું : ‘તમારામાં જે મારો વિશ્વાસુ શિષ્ય હોય, તે આ મડદાને એક બાજુથી છરા વતી કાપી નાખે, ને મારા દેખતાં જ ખાઈ જાય.’
એવું કહી ગુરૂએ મડદાં પર સફેદ દુધ જેવી ચાદર ઓઢાડી દીધી.
શિષ્યો એકમેક તરફ જોઈ રહ્યા. મડદાનું માંસ ખાવા કોણ તૈયાર થાય ? ગુરૂવચનમાં વિશ્વાસ રાખવાની વાતો કરનારામાંથી કોઈ તૈયાર ન થયું, ત્યારે ગુરૂએ કહ્યું : ‘બસ, મારા વચનની કીંમત આટલી જ ?’
એ સાંભળી લહનો આગળ આવ્યો ને કહ્યું : ‘હું તમારા કહ્યા પ્રમાણે કરી બતાવીશ.’
ગુરૂએ એને ઘણો વાર્યો, પણ એણે ન માન્યું.
‘મને તમારામાં શ્રદ્ધા છે. તમે જે કહો છો તે ભલા માટે જ છે, એવો મારો વિશ્વાસ છે.’ એમ કહી એણે છરો કાઢ્યો, ને મડદું કાપવા ચાદર ઉંચી કરી. પરંતુ આ શું ? ચાદર ઉંચી કરતાં જ, મડદાંને બદલે તાજાં ફળનો ઢગલો દેખાયો. શિષ્યો આશ્ચર્યચકિત થઈ ગયા. લહનાને પણ ઓછું આશ્ચર્ય ન થયું.
નાનકે કહ્યું : ‘લહનાની શ્રદ્ધા કેવી અચળ છે તે જોઈ શક્યા ને ? એના પર હું એટલા માટે જ વધારે પ્રેમ રાખું છું. મારા ગાદીવારસ તરીકે એ જ લાયક છે. હવે તમે એની ઈર્ષ્યા ન કરશો.’
ઈર્ષાની આગ એવી રીતે વિશ્વાસના પ્રત્યક્ષ ઉદાહરણથી જ શાંત થઈ શકે. મહાપુરૂષોની ઉપદેશપદ્ધતિ કેવી અજબ હોય છે ?
- શ્રી યોગેશ્વરજી

