Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ચાર વર્ષ પહેલાં હિમાલયના ઋષિકેશ સ્થાનમાં મારી પાસે એક ભાઈ આવ્યા. તે ગ્રેજ્યુએટ હતા, અને મુંબઈમાં શિક્ષક હતા. વરસો પહેલાં અમે મુંબઈમાં ભણતા. હું હિમાલયમાં રહું છું એવી એમને ખબર હોવાથી ભારતનાં કેટલાંક તીર્થોનો પ્રવાસ કરતાં કરતાં તે મને મળવા માટે આવી પહોંચ્યા.

‘મને તીવ્ર વૈરાગ્ય થયો છે’ તેમણે કહ્યું : ‘એટલે તમને શોધતો શોધતો અહીં પહોંચ્યો છું. કોઈ ઉત્તમ કોટિના ગુરૂના ચરણોમાં બેસી હવે મારા જીવનનું કલ્યાણ કરી લેવું છે. તમે તો અહીં કેટલાય વખતથી રહો છો, કેટલાય લોકોત્તર સંતો કે મહાપુરૂષોને ઓળખતા હશો. એમાંથી એકાદ-બેનો પરિચય કરાવશો, તો હું કોઈને ગુરૂ કરી શકીશ.’

મેં કહ્યું : ‘તમારી ભાવના સારી છે; પરંતુ વખત એવો છે કે અહીં પણ હવે લોકોત્તર સંતો કે મહાપુરૂષોની કમી છે. એવા મહાપુરૂષો અહીં ઘણાં છે એવું ન માની લેતા. ઈશ્વરની કૃપા હોય તો જ તેવા મહાપુરૂષોનું દર્શન થઈ શકે છે. શાસ્ત્રોએ ગુરૂ કરવાનું કહ્યું છે, પરંતુ ગુરૂ માટે નિરર્થક ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલાં તો અહીં શાંતિથી નિવાસ કરો. પછી અહીં રહેનારા સંતપુરૂષોની મુલાકાત લો, તેમને જુઓ ને સાંભળો, તે પછી તમને કોઈ ગુરૂ કરવા લાયક લાગે તેમને ભલે ગુરૂ કરો. મારી નજરે આ પદ્ધતિ બરાબર છે.’

તેમણે કહ્યું : ‘વખત મારી પાસે પુરતો છે, છતાં હું એટલી બધી ધીરજ નહીં રાખી શકું.’

‘તમારો વિચાર ગમે તેવો હોય.’ મેં કહ્યું : ‘પણ તમે સંન્યાસ કે ભગવાં પહેરવા ઉતાવળા ન થશો. સંન્યાસ કાંઈ રમત નથી. એ તો સાધના છે. ઉંડો ને પુરતો વિચાર કરીને આશ્રય લેવા જેવી વસ્તુ છે. અહીં તો કેટલાય સાધુસંન્યાસીઓ છે. એમ ઉતાવળા થશો તો કામ નહીં ચાલે. જીવનમાં એકવાર થયેલી ભુલ ફરીવાર સુધારવાનું મુશ્કેલ બને છે.’

મારી સલાહ તેમને પસંદ પડી કે કેમ તે તો તે જ જાણે; પરંતુ અઠવાડિયા પછી તે મારી પાસે આવી મને કહેવા માંડ્યા :

‘ગંગાની પેલી બાજુએ જે ઝાડી છે, તેમાં કુટીરો છે. તેમાંથી એક કુટિરમાં એક મહાપુરૂષ રહે છે. આજે જ મને તેમનું દર્શન થયું. તે એટલા બધા પ્રતાપી છે કે વાત નહિ. તેમનું શરીર પણ સુંદર છે. તેમણે મને સંન્યાસ આપવાનું કહ્યું છે. મારું મન પણ એમને જોઈને ઠર્યું છે. એવા મહાપુરૂષ સંસારમાં ભાગ્યે જ મળે.’

મેં કહ્યું : ‘તમે હજુ સંસારમાં બરાબર ફર્યા નથી, ને આમ એમને ઉપમા આપવા ન મંડી જાવ. કોઈ મહાપુરૂષ છે કે નહિ તેનો નિર્ણય તેનું શરીર જોઈને નથી થઈ શકતો, તેની અંદરની લાયકાત જોવી પડે છે.’

પરંતુ મારી વાતને એમણે માની નહિ. બે દિવસ પછી એ મારી પાસે આવ્યા ત્યારે એમનો ચહેરો ફીક્કો પડી ગયો'તો. એમણે ભગવાં વસ્ત્રો પહેર્યાં હતાં.

મેં પુછ્યું : ‘કેમ દીક્ષા લીધી ?’

એમણે કહ્યું : ‘લીધી તો ખરી, પણ ભુલ થઈ ગઈ. તમારી સલાહ પર ધ્યાન ન આપ્યું ને ખોટી ઉતાવળ કરી. પણ હવે શું થાય ? મારું તો બધું જ જતું રહ્યું.’

અને એમણે એમની આપવીતી કહી. દીક્ષા લેવા એ ઝાડીમાં ગયા તો ખરા, પણ ભગવું વસ્ત્ર પહેરાવ્યા પછી પેલા પ્રતાપી લાગતા લંગોટધારી, સુદૃઢ સાધુપુરૂષે એમના બે શિષ્યો પાસે, એમને ધમકાવીને લુંટી લીધા. એમની પાસેથી 300 રૂપિયા રોકડા, પ્રાયમસ, વાસણ, કપડાં, ચંપલ, કામળા બધુ લાકડી બતાવીને લઈ લીધું, અને કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી. સાધુઓનો એ અભિનય જોઈને આ ભાઈ તો કંપવા લાગ્યા, અને માંડ કરીને પહેરેલાં ભગવાં વસ્ત્ર સાથે, એ એકાંત ઝાડીમાંથી નાસી છુટ્યા.

‘મને ખબર નહિ કે ઝાડીમાં આવા સાધુ રહેતા હશે.’ એમણે ઉપસંહાર કર્યો : ‘તમારું માન્યું હોત તો આવું ન થાત.’

મેં કહ્યું : ‘તમારો આ અનુભવ તમને તો કામ લાગશે જ, પણ ગુરૂ કરવાની ઉતાવળવાળા બીજા અનેકને કામ લાગશે. ગુરૂ કરનારે કે કરવા માગનારે કેટલા સાવધ, વિવેકી ને જાગ્રત રહેવું પડે છે તે આ પરથી શીખી શકશો તો પણ ઘણું.’

 - શ્રી યોગેશ્વરજી