Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આપણે આ પરબ પર ભેગાં મળ્યાં.
અનોખા અશ્વત્થની કેવી ઘટા, કેવી છટા,
વિહંગોનાં કૂજનો મધુરાં વળી
વાયુની લહરી લલિત ઝંકૃત કરી
અંગ ને પ્રત્યંગને રમતી અહીં;
નવી મૈત્રીના નવી ભાવોર્મિના
અવનવા અંતરમહીં  રાસો રચી
અશ્રુ કો’દિ વહાવ્યાં કો’દિ હસ્યાં

આપણે આ પરબ પર ભેગાં મળ્યાં
તે પછી તો કેટલી લીલા કરી
કાળચક્રે; હવે એ શીતળ નથી
સ્વાદુ ધારા સલિલની લહરી વળી
ઘટા, સૌખ્ય હૃદયતણું, કૂજન કશું,
માત્ર સ્મૃતિના ફલક પર સઘળું વસ્યું.

- શ્રી યોગેશ્વરજી