એમણે અમારા શુભાગમનના સમાચાર સાંભળીને
સાનંદ સ્વાગત કરતાં કહ્યું :
અનંતકાળનું આ ઉલ્લાસમય ઉદ્યાન
એમાં ફાલેલાં ફોરમવંતા ફૂલ ને ફળ,
ઈન્દ્રચાપની ચિત્તાકર્ષક કમનીય કળાનું
વિસ્મરણ કરાવતા વિવિધરંગી ફુવારા,
વિભિન્ન વિહંગોની વિસંવાદી લાગતી
છતાં પણ સુસંવાદી સરસ સુરાવલિ,
સ્વાદુ સૌગંધ્યસમન્વિત લલિત લહરી,
પુણ્યસલિલા સરિતા અને એનો પ્રશાંત પુલકિત તટપ્રદેશ;
એમનો આસ્વાદ લો અને આનંદો.
વરસોથી અમે અહીં વિચરીને વિહરીએ છીએ.
સાથીદારો એ સાંભળીને ઉદ્યાનમાં
ઉલ્લાસપૂર્વક વિચરવા માંડ્યા,
કિન્તુ મેં તો પૂછ્યું,
ક્યાં છે આ અદ્ ભુત ઉલ્લાસમય ઉદ્યાનનો અધીશ્વર ?
મારે તો એને અવલોકવો છે.
એ બધા એકમેકની પ્રત્યે પેખવા લાગ્યા.
એમને મારા ઉદ્ ગાર રહસ્યમય લાગ્યા,
મેં મારી શોધ ચાલુ રાખી.
- શ્રી યોગેશ્વરજી

