Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સૃષ્ટિનાં સોમલને શમાવો, શંકર !
સૃષ્ટિનાં સોમલને શમાવો.
અલ્પ અનુકંપા કરીને અમૃતને વરસાવો,
સૃષ્ટિનાં સોમલને શમાવો.

અંધકારના ઓળા આજુબાજુ ઉમટી પડ્યા છે
એમાં પથ નથી પેખાતો.
પ્રમત્ત પવનોનાં તાંડવો પ્રારંભાયાં છે
એમાં સ્થૈર્યની હચમચી છે હવાઓ,
અર્ણવ અશાંત બન્યા છે
ત્યારે પ્રકાશ પ્રકટાવો, સ્થૈર્ય જગાવો, શંકર !
અશાંતિને અંતરમાં શમાવો !

મૃત્યુને સંજીવન ના આપી શકતા હો તો
મૃત્યુમાં જીવનની મહેફિલ માણવાનું,
અંધકારનો અંત આણી ના શકતા હો તો
અંધકારમાં પ્રકાશ પેખવાનું
વિપદાને વેઠવાનું
સોમલને સુધા સમજવાનું સૌભાગ્ય દો, શંકર !
એવું અખંડ બળ દો.

- શ્રી યોગેશ્વરજી