રામ કરે તે થાય.
મનનું મનમાં રહી જાય ... રામ કરે તે થાય.
વ્યોમમહીં વાદળ વ્યાપેલાં ગીત અવનવું ગાય,
ચપલા ચમકે વાયુ વાય ને કિરણ બધાંય લપાય.
બિંદુ એક પણ વરસે ના એ ધરે ન શાશ્વત છાંય ... રામ કરે તે થાય.
પુષ્પ ન પ્રગટે ઉપવનમાં ને પ્રકટેલાં કરમાય,
માવજત વિના કોઈનીયે ખીલે જંગલમાંહ્ય;
જળમાં સ્થળ, સ્થળમાં જળ થાયે કર્યા વિના જ ઉપાય. ... રામ કરે તે થાય.
સ્મશાનની ચિતા પર ખોલે લોચન શબ ક્ષણવાર,
મરે ઉઘાડી આંખે માનવ સંશય ના તલભાર.
રણમાં વનસ્થલીનો, વનમાં રણનો થાય ચિતાર. ... રામ કરે તે થાય.
શાને ચિંતા કરે માનવી, રામને જ કર પ્યાર,
શરણ લઈ લે સાચું એનું તો પામે નિસ્તાર.
સર્વ દશામાં સર્વ સ્થળમહીં થાય પીડની પાર. ... રામ કરે તે થાય.
- શ્રી યોગેશ્વરજી

