Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

અનોખો ઉકળાટ આ, ધરતી ગગન એથી
તપે તેમ જલે નિરંતર અગ્નિજ્વાળ થકી
અનિલ અનલ બની ફરે દાનવ ચતુર્દિશ કો
હોય ફરતો તેમ, ના શાતા જરીય ધરે

છાંય વૃક્ષોની, સતત અકળાય આ સઘળો
ચરાચરનો પ્રાણ, ત્યાં તો ગગન મંડળમાં
અભ્ર આતુર આવતાં ઠંડક વહાવી દે
વૃષ્ટિ કેવી શાંત જગવે નવ્ય જીવનને !

આત્મકેરો અવનવીન અનાદિ આ ઉકળાટ
જલાવે અંગાંગને, પીડિત કરી દે પ્રાણ—
નાં સકળ પરમાણુઓને, જિંદગી આખી
મૃત્યુની આવૃત્તિ સરખી બનાવે નિશદિન,

એ શમે ક્યારે; તમારા દિવ્ય અનુગ્રહની
અલૌકિક વર્ષા વરસી રહે ત્યારે.

- શ્રી યોગેશ્વરજી