Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વહેલા ઊઠીને શુભ દિન ગણી સ્નાન કરતાં
લઈ પુષ્પો કેરી મનહર અમે માળ હરિના
પહોંચી ભાવોથી સભર હૃદયે મંદિરમહીં
ક્ષમા યાચી પ્રાર્થી સુમધુર સ્વરે સંસ્તુતિ કરી

અનોખા આહ્ લાદે અણુઅણુ ભરી ઝંકૃતિ થકી,
કરે બાંધી રક્ષા પ્રતિવરસની જેમ ગ્રહતાં
શુભાશીર્વાદોને પુલકિત મને તેમ ધરતાં
અમે કેવો મીઠો અભિનવ અહા ઉત્સવ કર્યો !

અમે બાંધી રક્ષા નવ હૃદયમાં કિન્તુ કરમાં,
ગઈ તૂટી અંતે અમૃતમય આત્મે નવ બની
શકી, એથી એને પ્રતિદિન રહી યાદ કરવી;
કદી બંધાઈ જો અણુઅણુમહીં હોત ખલુ એ.

બધાંયે તો દોષો છળ મનતણાં ભેદભય ને
ટકી ક્યાંથી પ્રાણે શકત મમતા મોહ પડળો ?

- શ્રી યોગેશ્વરજી