ચાલો હુંય કવિતા કરું, એક કવિતા કરું,
મને વિચાર આવ્યો, કવિતા કરું.
કલમને કરાંગુલિમાં લીધી,
ત્યાં તો દ્રષ્ટિ વિશાળ વ્યોમ પર પડી.
તારામંડળે કહેવા માંડ્યું, અમે શું કવિતા નથી ?
સારાય સર્જનની અમે જ શું કવિતા નથી?
ચારુતાને ચોપાસ પાથરતા ચંદ્રે જણાવ્યું,
હું પણ શું કવિતા નથી ?
કાળના કળાત્મક કવિવરની કવિતા નથી ?
રાતરાણીએ રસાળ સુગંધ રેલતાં કહ્યું,
મારા છંદનું, મારા સંગીતનું શ્રવણ કર્યું ?
હું પણ કવિતા જ છું.
લલિત લહરીએ જણાવ્યું,
મને તો ઓળખો. મારા કાળજામાં,
મારી કમનીય કાયામાંય, કવિતા છે !
ત્યાં તો વાદળી વચ્ચે પડી.
કલમને મેં બાજુ પર મૂકી
પ્રાણમાં પ્રશ્નોની પરંપરા ઊઠી,
શાની કવિતા, કોની કવિતા ?
આજુબાજુ સર્વત્ર કવિતા છે, સઘળું કવિતામય છે,
હુંય શું કવિતા નથી ?
હું જ કવિતા નથી ?
- શ્રી યોગેશ્વરજી

