Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

છોને વગાડતો વાંસળી
તારા છેક છે સૂકા સૂર રે ... પ્રેમમાં નહીં ફસું.

છો ને નચાવતો નેનને
તારા સર્વે ઈશારા ધૂળ રે. ... પ્રેમમાં નહીં ફસું.

રાધા નથી હું તો રાંકડી
તારા રંગે થઉં ચકચૂર રે. ... પ્રેમમાં નહીં ફસું.

ગોપી થઈ ભલે ઘેલુડી,
તારું એવું નથી કૈં રૂપ રે.... પ્રેમમાં નહીં ફસું.

બ્રહ્માંડને ભલે ભોળવ્યું
બની બેઠો ભારેખમ ભૂપ રે.... પ્રેમમાં નહીં ફસું.

મોહાયા મુનિઓ છો સંયમી
થશે મનડું ના ભ્રાંતિ ભરપુર રે .... પ્રેમમાં નહીં ફસું.

વદને એવું પણ અંતરે
એક લાગી ગઈ એની ધૂન રે...પ્રેમમાં નહીં ફસું.

- શ્રી યોગેશ્વરજી