Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મને અંતર આપ્યું,
સંવેદનશીલ, સ્નેહાળ, ઉદાત્ત, ઉદાર અંતર આપ્યું
એને મારું મહાન મંગલ ભાગ્ય ગણું છું.

તમે મને મસ્તક આપ્યું.
સદસદ્દવિવેકથી સંપન્ન, સ્વસ્થતાથી સુવાસિત,
સજગ મસ્તક આપ્યું,
એને મારું મહાન મંગલ ભાગ્ય ગણું છું.

તમે માનવતન આપ્યું,
સુંદર, સ્વસ્થ, શક્તિશાળી, સુરદુર્લભ
મંદિર જેવું મંગલ તન આપ્યું,
એને મારું મહાન મંગલ ભાગ્ય ગણું છું. 

મને પથ્થર નથી બનાવ્યો. નીરસ નથી કર્યો,
મારી અંદર આત્માનું અલૌકિક અજવાળું ભરીને
એમાં સ્વેચ્છાએ સદન કર્યું છે,
સદન કરવામાં ગૌરવ ગણ્યું છે;
સમસ્ત સર્જનને મારી આગળ ગૌણ કર્યું છે,
મને એનું અગ્રપદ ધર્યું છે,
એને મારું મહાન મંગલ ભાગ્ય ગણું છું.

- શ્રી યોગેશ્વરજી