Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

વિશાળ સુવિશાળ સિંધુ ગરજી રહ્યો ઘેનમાં
પ્રમત્ત બનતાં અનંત ભરતાં તરંગો ઉરે
હરી સતત ધૈર્યસ્થૈર્ય ક્ષણવાર નૌકાતણું
કરે પ્રખર અટ્ટહાસ્ય ચિરસખ્યને પામતાં

પ્રમત્તતમ વાયુના પ્રલયકાજ હો તત્પર
બન્યો પરમરૌદ્ર એમ; તટ પાસ ઉત્તુંગ આ
દિવાલ જડમૂળથી હલવવા ઉપાડી જવા
અધીર અતિ દીસતો, પણ દિવાલ આ ના ડગે.

પ્રમત્ત પવનો મહાપ્રલયકાળ કેરા ભલે
મળી સતત સિંધુ સાથ મુજ જીવને સંકટો
તણા હલવવા ચહે ધૃતિ ડગાવવા સ્થૈર્યને
કરી કટુક ઘોર ગર્જન, ડગે બધાં નાવડાં

ડગે તદપિ આત્મ દિવ્ય વ્યવધાનથી એ નહીં,
કરે સતત સાધના નિજ પ્રશાંતિ પૂરી લહીં.

- શ્રી યોગેશ્વરજી