પુરાણી પેઢી કરીને આપણે
ભાગમાં વ્યવસાય આરંભ્યો અહીં,
મેં હતું માન્યું તટસ્થ રહી તમે
અવ્યવસ્થા ચલાવી લેશો નહીં,
તમારો જ વિચાર ના કરશો; છતાં
સુસમૃદ્ધ, રહ્યા તમે સંપૂર્ણતા -
શિખર પર વસતા નચિંત કૃતાત્મન,
કર્યો ને મુજને પ્રવૃત્ત સદા અહીં
વ્યથા ચિંતા દૈન્યની જ્વાળા મહીં.
ઊચિત લાગે એ સમાનપણે કર્યા
આપણા વ્યાપારમાં તમને જરી ?
લાભ મારો તમારો, નુકસાન ને
તમારું જ સદાયને માટે લહી
પ્રેમથી વર્તો વળી નિષ્ઠા થકી,
સફળ તો પેઢી બને સાર્થક ઠરે;
કહેવાનો એટલો અધિકાર ના ?
બનો જાગ્રત વખત જાય બધો વહી;
મોડું કૈં અદ્યાપિ ખૂબ થયું નહીં.
- શ્રી યોગેશ્વરજી

