Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

બેસૂરા સૂરો રહ્યા ચારે તરફ
વહી વાતાવરણમાં તોયે કદી
ના કરી ફરિયાદ કોઈની અને
દોષ કોઈનો જરી જોયા વિના
સુસંવાદી સુરીલા સ્વરની કરી
સદા સૃષ્ટિ, ધન્ય સંગીતજ્ઞ એ !
*
કંટકે કંકર તથા પથ્થર થકી
છવાઈ ધરતી વિરાસતમાં મળી,
કૈંક ખાડા ટેકરા એમાં હતા,
તોય હિંમત ધૈર્ય ને ઉત્સાહથી
એહને સુંદર સપાટ કરી અને
નવ્ય ખાતરથી નવીન જલે કરી
સશ્યશ્યામલ; ધન્ય ધન્ય કિસાન એ !
*
સાથ છોડી ગયા સાથી તે છતાં
સનાતન સાથી સહિત આગળ વધી
પ્રવાસ કર્યો પૂર્ણ, નિંદક સૌ થયા
પ્રશંસક; અર્પણ પહેલાં માલ્યને
રોજ કરતા કરી આક્ષેપો રહ્યા;
તોય બેપરવા બની ધપતા ગયા
પામતાં મરુભૂમિમધ્ય વનસ્થલી
શાંતિ-સુખ-સાર્થક્ય ને સ્વાતંત્ર્યની
બન્યા વિજયી, પ્રવાસી સૌ ધન્ય એ !
*
તરંગો તોતીંગ ઘેરાં ગર્જતાં
મળ્યાં માર્ગે, સમીરો સુસવાટથી
સ્થૈર્યને હણવા સકળ લાગ્યા, વળી
સહપ્રવાસી મહોદધિ મધ્યે મળ્યા,
હલેસાં મારી છતાં નિષ્ઠાબળે
કલૈબ્ય ત્યાગી સફરને સાર્થક કરી
પહોંચ્યા ધ્રુવપદપરે અંતે અચળ
નાવિકો એ ધન્ય બડભાગી સકળ.
*
અવનવાં અસ્ત્રો પડ્યાં અંગાંગમાં,
રુધિરની ધારા કરાળ વહી રહી,
શ્વાસ રૂંધાયા, મધુરવી જિંદગી—
ની સમાપ્તિ સમીપમાં આવી ગઈ,
ઝઝૂમ્યા તોયે રણે નવશૌર્યથી
નવાં શસ્ત્રાસ્ત્રે નવલ અંતરથકી
ગૌરવાન્વિત બની, ના રિપુને નમ્યા,
વીર મૃત્યુંજય ખરેખર ધન્ય એ !

- શ્રી યોગેશ્વરજી