અનંત આ સિંધુ સમીપ ગર્જતો
સુદૂર સર્વત્ર અખંડ વિસ્તર્યો
તરંગના તન્મય તાલ સાથે
સંગીતના સુસ્વર સ્વાદુ છોડતો
આકાર ધારે લવણે કદી કદી
સંસાર ને જીવન જોમ અર્પવા
સંતપ્ત ને સૂર્યથકી બનીને
મેઘે ધરીને નવજન્મ વર્ષતો.
અનંત ચૈતન્યતણો અનેરો
તરંગ હું તો અભિવ્યક્તિ એની
આત્માતણી — એમ જ વિશ્વપ્રાણે
નવો જગાવી રસ જો જરી શકું
ચૈતન્ય કે આંશિક અન્યને ધરું
સાર્થક્ય તો આ અભિવ્યક્તિનું ગણું.
- શ્રી યોગેશ્વરજી

