અંગ પરંતુ આત્મા ના હોય,
સરિતા છતાં સલિલ,
ફૂલ છતાં ફોરમ,
મધ છતાં મધુતા,
તપસ્વી છતાં તપ ના હોય :
સિતારી છતાં સ્વરની સૃષ્ટિ,
વરસાદની વાદળી છતાં વૃષ્ટિ,
સ્નેહ છતાં સૃષ્ટિ, પ્રજ્ઞા છતાં પરિતૃપ્તિ ના હોય,
મધુર મનમોહક મુખમંડળમાં આંખ ના હોય,
પંખી છતાં પાંખ ના હોય :
પુરૂષ છતાં પુરૂષાતન, સ્ત્રી છતાં સ્ત્રીત્વજ ના હોય :
બીજ, બળદ, હળ, જમીન, જળ છતાં ખેડૂત ના હોય,
દિલ દેનાર તો પણ લેનાર, લેનાર તો પણ દેનાર ના હોય :
ઘંટારવ, આરતી, નૈવેદ્ય, ઝાંઝ, પખાજ,
સોહામણું સ્વર્ણશિખર, ધ્વજ, પૂજારી, સઘળું હોય
કિન્તુ મંદિરમાં મૂર્તિ જ ના હોય :
એવું જ અર્થહીન અનાથ એકાકી લાગે છે જીવન
જેમાં બીજું બધું જ હોય કિન્તુ અધ્યાત્મ ના હોય.
- શ્રી યોગેશ્વરજી

