આ માતૃભૂમિ મુજ શાશ્વત પ્રાણપ્યારી
અત્યંત મંગલ પવિત્ર ત્રિલોકન્યારી,
વૈંકુઠભૂમિ જનની શુચિદેવતાની,
પ્રાકટ્યધામ પ્રભુનું જગની વિધાત્રી.
આ પારણું સુખદ શૈશવનું મહારું,
ક્રીડાસ્થલી મધુર યૌવનની પ્રમત્ત;
વાર્ધક્યનું વિમળ શ્રેષ્ઠ વિરામસ્થાન,
કૈવલ્ય મૃત્યુપળ કેરું પ્રશાંતિધામ.
ગંગા પ્રશાંત યમુના મધુ નર્મદાશી
ગાતી અસંખ્ય સરિતા નિજપ્રેમગાન,
રેલે હિમાલય સમા ગિરિરાજ રશ્મિ
શાં દેશગૌરવ તણાં શુચિ સભ્યતાનાં !
જેણે કુદૃષ્ટિ જગતે ન કરી કદીયે,
ના શસ્ત્રથી હડપવા પરભૂમિ યત્નો
સ્વપ્ને કર્યાં, રગ ભર્યાં ઋત ને અહિંસા,
એ ભૂમિને નમન કોટિક કાં કરું ના ?
જેણે પ્રશાંતિમય આસનપે વિરાજી
આત્મા તણી પરમખોજ કરી પુરાણે
અર્પ્યા ચતુર્વિધ મહાપુરષાર્થ કેરા
મંત્રો મનુષ્યકુળને હિતના અનેરા.
અધ્યાત્મનાં સુખદશાશ્વત રશ્મિ રેલ્યાં
અજ્ઞાનના થર નિરંતર ભેદવાને,
એનો અનંત મહિમા નવ શારદાયે
ગાઈ શકે કવન પૂર્ણપણે કદાયે.
આ માતૃભૂમિ મધુસંસ્કૃતિમાત ન્યારી
શ્રેયસ્કરી સુખમયી વસુધાવિધાત્રી
છે જન્મભૂમિ સહુની, ચિરકાળ એની
જયોત્સના રહો ઝગમગી નવપ્રાણ રેલી :
સંરક્ષવા સુખમયી કરવા યશસ્વી
માહાત્મયગૌરવ વળી ધરવા અનેરું
એનું સદૈવ મુખ ઉજ્જવલ રાખવાને
મારું સમસ્ત સમિધા ધન થાઓ પ્યારું !