Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એક જ્ઞાની મહાયોગી ભક્ત પૂર્ણ પવિત્ર એ
સુણી બોલ્યા, રહ્યો એવો ક્રમ સંસારનો ભલે,
આપણે આપણો ધર્મ ના ઘટે ત્યાગવો કદી,
નગુણાં બનતાં બાલો, માતા તેવી નથી થતી.

કાપે છે વૃક્ષને લોકો ફળકાષ્ટ ધરે છતાં,
બગાડે સરિતા તોયે નીર ખાલી નથી થતાં.
અવજ્ઞાથી ઘવાઈને સૂર્ય છોડે પ્રકાશવું ?
ધરિત્રીયે પ્રહારોથી છોડી દે જગ ધારવું ?

ભલે જવા ન ચાહો કો પૃથ્વીની પ્રેરણા બની,
સંવેદના દયાભક્તિ રોમરોમ મહીં વણી
તૈયાર છું જવા માટે સ્મિતપૂર્વક આજ હું,
હોય કંટક અંગારા પૃથ્વીમાં લાખ તોય શું ?

ક્રંદનો ધરતી કેરાં સુણાયે મુજથી નહીં,
સુખશાંતિ નહીં પામે આત્મા મારો અહીં રહી.

ચઢાવે વધસ્તંભે છો, ગોળી મારે ભલે મને,
અજ્ઞ લોકો ભલે નિંદે વિષથી પ્રાણને હણે,
યજ્ઞભાવે ફરી પાછો પૃથ્વીમાં પ્રકટી રહું,
સાર્થક્ય જિંદગી કેરું જીવીને જગતે લહું.

માનવીને બતાવીને મહિમા ધરતી તણો
ધરી માનવતા કેરા મંત્રો આહલાદ ને ઘણો
પાછો આવીશ આ લોકે સેવાયજ્ઞ કરી લઈ,
માતાની આંખથી અશ્રુ હજારો જાય છે વહી,

જોઈ શકાય મારાથી અશ્રુ એ ઉરનાં નહીં,
વેદના એહની મારા દિલડાને રહી દહી.