કોઈક તેજભર મંગલ શુભ તારો
આવ્યો ધરા પર તજી નિજ વ્યોમ માળો,
કોઈક વાદળ હઠ્યું, વિધુ ને પ્રકાશ્યો,
પૃથ્વી તણો પુનિત પ્રાણ પ્રસન્ન હાસ્યો.
કુંજ તેમ નિકુંજોમાં થયાં કોકિલ કૂજનો,
મંત્રમુગ્ધ થયાં એથી જાણે કે માનવીમનો.
ચપલા ચમકી ઊઠી, ટોળલે વાદળો વળ્યાં;
કેકા કરી કલાપીએ કોના સંદેશ આ ધર્યા ?
વર્ષા વળી મધુર મંગલ અપ્સરા શી
ગૂંથી શુભાશિષ તણી કમનીય માળા
આહલાદપૂર્વક જુઓ ઊતરી ધરાપે
ઢાળી યુગોયુગ તણી નિજ પ્રેમધારા.
દોડે સમીરલહરી પરિચારિકા-શી,
ગેબી થતી ગગનમાં ઘનગર્જના હા !
કોઈ મહાપુરુષ કે નૃપદેવતાનું
શું સર્વ સ્વાગત કરી હૃદયે રહ્યાં આ ?
લક્ષણો લાગતાં દૈવી ઘટના ઘટવા તણાં,
દૂર અર્ણવયે ગાયે ઊછળે મસ્ત મર્મમાં.
રાત્રી વીતી ગઈ પદ્મ પ્રકટ્યું ને પ્રભાતનું,
સૌન્દર્ય એહનું ભાસ્યું અનોખું છેક આજનું.
સૌન્દર્ય અદભૂત ન કેમ જણાયે એનું,
આજે વિશેષ પળ પાવન પર્વવેળા,
એથી જ આભધરતી હૃદયે છવાયો
આહલાદ; આ પરમ મંગલ પર્વવેળા.
ધીરે વહો પવન, વિહંગ બોલો
મંદ સ્વરે, રવિ તણાં રમણીય રશ્મિ !
થોડાંક કોમળ બનો, મધુ આંખ ખોલો
ઓ પદ્મ ને સુમન, શાંત બનો સમષ્ટિ !
પાસે કોક પંખીએ વધાઈ પ્રેમથી કહી,
થયો મોહનનો જન્મ, શાંતિ સર્વ સ્થળે લહી.
મહોત્સવ મહી માણે મનમાં મગ્ન શી બની,
પામે પ્રસન્નતા પ્રાણે પુરાણી વેદના વણી.