if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જન્મમાત્ર પામ્યાથી જગમાં ઉજ્જવળ કોઈ થાય નહીં,
જન્મ જ આ જગમાં કોઈનો ઉત્સવહેતુ મનાય નહીં.
અસંખ્ય જન્મે જીવ પળેપળ ઉત્સવ કિન્તુ કોણ કરે ?
વિશાળ વિશ્વમહીં અંજલિયે એ સઘળાને કોણ ધરે ?


મર્ત્યલોકનો મહાન મહિમા, જીવન અમૂલખ શ્રેષ્ઠ કહ્યું;
માનવરૂપે પ્રકટ થવામાં સૌભાગ્ય કહે પ્રાજ્ઞ રહ્યું.
પરંતુ જન્મ લભીને માનવ દાનવ-સરખા કર્મ કરે,
વ્યર્થ ગુમાવે જીવનને તે હણે અન્યને સ્વયં મરે.


માનવ દાનવ થાય બને કે માનવ સાચા અર્થ મહીં,
દેવતા સમો બને બનાવે આશીર્વાદ-સમાન મહી :
બે જ શક્યતા આ જીવનની પ્રગતિ કરે કે પતનપથે
પગલાં ભરે વધે આગળ કે પાછળ હાથ હજાર હઠે.


બીજાને કાજે જે જીવ્યા, ન્યાય નીતિ ચાલે ચાલ્યા.
દ્રવ્યા રડ્યા કોઈને કાજે ચિંતાદર્દ મહીં મહાલ્યા :
પરિશ્રમ કરી પૂર્ણ અન્યને પ્રકાશ અર્પ્યો સત્વ ધર્યું,
જેમના થકી આંતકભર્યું આ અવનીનું ભાગ્ય ફર્યું :


એમના કર્યાં ઉત્સવ લોકે જીવન એ વરદાન થયાં;
સ્મારક કર્યાં મનાવ્યાં પર્વો, એ જીવનને ધન્ય કહ્યાં.
*
એવું હજો સફળ જીવન બાલ તારું,
જેનો મહોત્સવ કરે જનતા બધીયે,
દેવોય દર્શન કરે કૃતકૃત્યતાથી,
જેનો ઘટે નવ મરે મહિમા કદીયે.

પ્રેમી પવિત્ર બળવાન પરોપકારી,
પ્રજ્ઞાભર્યું પ્રગતિના પંથનું વિહારી;
ગંગાથકી મધુર ચંદ્ર થકીય ચારુ,
એવું હજો સફળ જીવન બાલ તારું !

શીલેભર્યું સરસ સંયમથી સજેલું
ને સત્યની પરમજ્યોતિ થકી જડેલું,
શ્રદ્ધા દયા અભયથી રઢિયાળું ન્યારું,
એવું હજો સફળ જીવન બાલ તારું !

અંધારમાં પરમ પાથરતું પ્રકાશ,
દુર્દિનદુઃખદવમાં ધરનાર હાશ;
અન્યાય લેશ સ્વપને નવ સાંખનારું,
એવું હજો સફળ જીવન બાલ, તારું !

આસક્તિથી રહિત નિર્મમ દીનબંધુ,
સ્નેહી અનાથજનનું શુચિ સ્નેહસિંધુ;
મૃત્યુ થકી ન મરનાર, ન હારનારું,
એવું હજો સફળ જીવન બાલ તારું !
*
એવા એવા નવલ ઉરના ભાવ ગીતે વહાવી
માતા ગાયે નિજ ભવનને સ્વર્ગ જેવું સજાવી;
એને ક્યાંથી ખબર જગને જ્યોતિ જે તારનારી
ઝૂલે છે તે શિશુસ્વરૂપમાં પારણે આજ આવી !

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.