શમે ના વેરથી વેર એ વિવેક થયા પછી
વેરનો બદલો વેરે લેવા ઊર્મિ ઉઠે નહીં.
અવસ્થા એ અનેરી ને કષ્ટસાધ્ય ખરે ઘણી
થતાં પ્રાપ્ત જતા ક્લેશો વિદ્વેષો ભય સૌ ટળી.
સત્યની સાધના એવાં કોટિ કષ્ટ થકી ભરી,
ધીરવીર પ્રતાપી કો રહે સંસિદ્ધિ મેળવી.
અવમાન તથા નિંદા સામનો કરવો રહે;
અંધકાર મહીં મીઠું સ્મિત સાચવવું પડે;
પ્રવાસ સત્યનો ત્યારે પરિપૂર્ણ બને ફળે,
સાચા સાધક આત્માને સિદ્ધિ શ્રેયસ્કરી મળે.
કાયરોનું નથી કામ આ તો પાવક પંથ છે,
નિમિષમાં પમાયે ના એના ચોક્કસ અંતને.
ડરે ત્યાગ વ્યથાથી કે ચિંતા ને બલિદાનથી
પ્રવાસ એહને માટે સહેલો સત્યનો નથી.
માથા સાટે મળે વસ્તુ એટલે જ કહેલ છે,
દૃઢ નિશ્ચયવાળા ને શૂર માટે સહેલ છે.