હિમાલયસમા ગાંધી, કવિસમ્રાટ વ્યોમશા,
ગંગા સરસ્વતી કેરાં શાંત સંગમ દિવ્ય શા,
એક પંકજ ને અન્ય રસપૂર્ણ ગુલાબ શા,
વટવૃક્ષ સમા એક અન્ય શીતળ નીમ શા;
રવિન્દ્ર એક ને બીજા સુધાકર સુધાછલ્યા,
એક ગાંભીર્ય મૂર્તિ ને અન્ય સાક્ષાત સૌમ્યતા,
જ્ઞાનાર્ણવ સમા એક ક્ષીરસાગર ને મહા
અન્ય, સર્જનની શોભા વિશ્વના વરદાન શા,
પરસ્પર મળ્યા પ્રેમે થયા પૂરક; એમનાં
વ્યક્તિત્વ સભ્યતા કેરાં સુવ્યવસ્થિત અંગ શાં
ગૌરવાન્વિત ને ન્યારાં પ્રતાપી સૌરભે ભર્યાં,
સ્ફુલિંગ પરમાત્માનાં અલૌકિક મહા મળ્યાં.
*
રહ્યા સંત ભરાઈને પ્રેમભાવ થકી તદા
સૂર્યોદય તણા રંગો ગુલાબી નભ એકદા
વિલોકીને વદ્યા પ્રેમે ગુરુદેવ, ન લાગતો
તમને રસ રંગોમાં આત્મદેવ, ન જાગતો ?
ગાંધી વદ્યા એ ગુરુદેવ કેરા
શબ્દો સુણી કાવ્યરસે રસેલા
મને ગમે છે રસરંગ વ્યોમની
નૃત્યાંગના શી મધુરી ઉષાના
સંધ્યા તણા અદભૂત ઈન્દ્રચાપના,
વિલોકવા ભાગ્ય જ કિન્તુ છે ક્યાં ?
આ રંગ ઉલ્લાસ ન અર્પતા મને
ના પ્રેરતા કે અણમોલ આત્મને.
મુખાંબુજો ભારતની પ્રજાના
વિદીર્ણ કોઈ અતિ કો ઉદાસ,
ના રંગ ત્યાં ના રસનૃત્યલીલા
ના શાંતિ કે શાશ્વત શો ઉજાસ,
ખીલી ઉઠે એ નવરૂપરંગો-
તણો રચી અક્ષય આત્મરાસ
ત્યારે જ એને નીરખી મહારે
જાગી શકે અંતરે દિવ્યહાસ.
*
વીણા વાગી કવિહૃદયની એ સુણી નવ્યરાગે;
પ્રાજ્ઞો કેરા પુનિત ઉરમાં શીઘ્ર સંગીત જાગે.