કર્યો સંકલ્પ ગાંધીએ આઝાદી જંગ ખેલવા
શસ્ત્રો હિંસક ને તીક્ષ્ણ સઘળાં દૂર મેલવા.
પાશવી બળની સામે પાશવી બળ ના ટકે,
લડવું આત્મશક્તિથી શ્રદ્ધા હિંમતથી હકે.
સત્ય છે આપણે પક્ષે, અહિંસાને વધારવી,
સત્યાગ્રહ થકી તંદ્રા દેશની ઘોર ટાળવી.
સત્યાગ્રહ અહિંસાના નવાં બે આયુધો ધર્યાં
એમણે દેશ સામે ને ઉમંગે સહુને ભર્યાં.
*
પરંપરાગત નેતા લાગ્યા શસ્ત્રોનો કરવા ઉપહાસ,
યુદ્ધ વિના એકેય પ્રજાને આઝાદીનો મળ્યો પ્રકાશ ?
કહ્યું એમણે નિર્બળને ના મળી શકે મુક્તિનો લાભ,
વામન કેમ ગ્રહે તારાને, અપંગ આલિંગે શેં આભ ?
ગાંધી બોલ્યા, સત્ય અહિંસા નિર્બળ કેરો માર્ગ નથી,
હથિયાર વિના લડવું એ કૈં કલૈબ્યવાનનું કામ નથી.
આત્મશક્તિની આગળ શક્તિ શસ્ત્રોની સઘળી નમશે,
હરીફના હૈયામાં અંતે માનવતા નક્કી રમશે.
એ જ મંત્ર છે સ્વતંત્રતાનો, એ પંથે જ પ્રયાણ કરો,
માતૃભૂમિને કાજ સ્નેહથી સર્વસ્વ તણો અર્ઘ્ય ધરો.
અસહકારને અજમાવીને સવિનય કાનૂનભંગ કરી
તમન્ના કરો પેદા દેશે સ્વાતંત્ર્ય તણી હવા ભરી.
તૂટી પડશે પાયા સઘળા પરદેશી શાસન કેરા,
ભાનુ પ્રકટતાં અમર રહેતી અંધકારની ના સેના.
સ્વાતંત્ર્ય તણો મંત્ર અનોખો પામે પીડિત શો સંસાર,
શોષણ શમે ટળે દાનવતા થાય શસ્ત્રબળ કેરી હાર.
લડવું બ્રિટિશ સત્તા સામે, બ્રિટિશરોનો દ્વેષ નહીં,
ઘૃણાભાવ અંતરમાં લડતાં પ્રકટ થાય લવલેશ નહીં.
*
નવી વાત સુણીને એ દેશમાં લહરી નવી
નવજાગૃતિની ચાલી ઉત્સાહે સર્વને ભરી.
સ્ત્રીઓયે દેશને કાજે જંગમાં ઉતરી પડી,
શસ્ત્રો સામે હસી ધૈર્યે પ્રેમશ્રદ્ધા થકી લડી.
સહકાર થકી સૌના પછી તો દેશમાં ઘણાં
થયાં આંદોલનો, કષ્ટો વ્યથાની ના રહી મણા.
દર્શાવી લાગણી દેશે કેટલાય પ્રસંગથી,
સરકાર ઊઠી હાલી જનતાના ઉમંગથી.
*
સત્યાગ્રહ ને અહિંસા તણાં અભિનવ શસ્ત્રો સફળ થયાં,
પરદેશી સત્તાના ભયનાં બની આવરણ દૂર ગયાં.
જુસ્સો જનતા કેરો કેવો સમસ્ત દેશે પ્રકટ થયો,
પ્રેરણા લભીને ગાંધીની ભવ્ય રચી ઈતિહાસ રહ્યો.