if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભાવનાપૂર્ણ લોકોએ આશ્રમે એકઠા થઈ
બહુમાન કર્યું ગાઈ પ્રશસ્તિ નિજ દેશની,
કરી તિલકને ભાલે માળા કંઠ ચઢાવતાં
પ્રેમઆરતી ગાંધીની ઉતારી શુભ ભાવથી.

સોહી રહ્યા તદા ગાંધી ફિરસ્તા સુરના સમા
મુક્તાત્મા ઊતર્યા દૈવી લોકથી હિંદ દેશના
કલ્યાણ કાજ અંગાંગે ભરીને પ્રેમવેદના,
ઉદ્ધારહેતુ એ ચાલ્યા કરી પ્રસ્થાન એહના.

સિદ્ધોએ સુમનો વર્ષી દૃશ્ય મંગલ દેખતાં
સમાધિમગ્ન શા ઊભા રહીને અંતરીક્ષમાં
આશીર્વાદ તણી વર્ષા વરસી અંતરાત્મથી
યાત્રાસાફલ્યને ઈચ્છ્યું શુભ એ સમયે હસી.

દાંડીકૂચ પછીથી એ સંતશ્રેષ્ઠ કરી રહ્યા,
જયકાર તણા શબ્દો પ્રજાએ પ્રેમથી કહ્યા.
સંગ આશ્રમવાસીઓ એંસી જેટલા હતા,
માર્ગના માનવીઓને પ્રેરણા મંત્ર અર્પતા.

ઉત્સાહ વીરતા ત્યાગ આકાંક્ષાઓ મનુષ્યની
પહોંચી પરિસીમાએ બલિદાન-રસે બની
પરિપુષ્ટ કરી કૂચ જાણે સાકાર શી રહી,
દેશપ્રેમ તણી દૈવી સરિતા સઘળે વહી,

પ્રજા પાવન આસ્વાદે દર્શને સ્પર્શને થઈ
આશંકાભીતિ આસુરી બળની ન રહી કહી.
પચીસ દિવસો પંથે આશરે ચાલતાં થયાં,
સંકટો પદયાત્રાનાં સઘળાં શાંતિથી સહ્યાં.

કરમાં લાકડી સોહે ભાલે કુંકુમઅક્ષત-
ગાંધી નેતૃત્વ કરતાં મંડળીનું મહાવ્રત
પ્રયાણ કરતા પંથે અભયંકર નીતિના
સ્વરૂપ મૂર્ત શા માપે મહી વામનના સમા.

સત્ય-પ્રેમ-અહિંસાના પરિપૂર્ણ પ્રતીક શા
કાલિન્દી પ્રતિ જાણે કે ચાલ્યા કાલિય નાથવા.

સ્થાપવા માનવી મૂલ્યો આત્મઘોષ જગાવવા
પ્રકટ્યો પ્રકાશ પૃથ્વીનો અંધકાર હઠાવવા
મહાપ્રકાશ એ રેલી કિરણોને દિગંતમાં
વધ્યો મક્કમતા સાથે ગાઈને ગીત મુક્તિનાં.
*
દાંડીગ્રામ મહીં સમુદ્રતટપે આવી મહાત્મા ગયા,
પામી દર્શન દેવદુર્લભ રસે ભીના મનુષ્યો થયા;
તોડ્યો નિષ્ઠુર કાયદો નિમકનો જાહેર રીતે ધરી
ભારે નિર્ભયતા પ્રશાંતિ હૃદયે સત્તા થકી ના ડરી.

એ ન્યારા દિવસો ચમત્કૃતિભર્યા ને મૂલ્યવંતા બન્યા,
આજેયે સ્મૃતિથી અનંત રસ ને આહલાદ અર્પી રહ્યા;
યાવચ્ચંદ્રદિવાકરૌ સહુ ભલે સોહે સુવર્ણાક્ષરે
રેલે નિર્ભયતા સુવાસ સુખદા, દૈવી પ્રકાશે ભરે !

ગિરફતાર કરી દીધા ગાંધીને શીઘ્ર એ સ્થળે
મધ્યરાત્રી સમે જ્યારે સરકારે સમસ્ત એ
સમાચાર સુણી રાષ્ટ્રે જનતા ક્ષુબ્ધ શી બની
પ્રાર્થના દેશનેતાની મુક્તિ માટે કરી રહી.

તરંગ મત્ત અબ્ધિમાં ઊછળે ભરતી સમે
અવરોધ ગણે ના કો માર્ગના ગતિરોધ કે,
રાષ્ટ્રપ્રેમ તણા તેવા તરંગો સઘળે ઊઠ્યા,
પ્રતિકૂળ પ્રસંગેયે આવી ઉત્સાહઓટ ના.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.