Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

એવા રસાળ નવજીવનથી ભરેલા
ગાંધી હતા સરળ સ્નેહસુધા છલેલા;
લોકો વિભિન્ન મળતા નિત એમને ને
દેતા નવીન બળ જીવનપ્રેરણા એ.

જીવંત તીર્થ સરખા યશને વરેલા
તોયે વિનમ્ર શિશુ શા સ્મિતથી ભરેલા,
સૌમાં પ્રકાશ પરમાત્મ તણો જ પેખી
સત્કારતા સુહૃદ શા પ્રભુ જેમ લેખી.

બેઠેલ એ કુટિરમાં નિજ આશ્રમે ત્યાં
આવી પ્રણામ કરતાં અતિ પૂજ્યભાવે
બોલ્યા બ્રિટિશજન પંડિત પત્રકાર,
છે પૂર્વયોજિત સમાગમ આપણો આ;

તો પ્રશ્ન એક મુજ અંતરને સતાવે;
સાભાર તે કરું રજૂ સરળ સ્વભાવે;
ભારે કરો વિષમ કષ્ટ સહી ઉપાયો
કિન્તુ દીસે ક્ષિતિજમાં ન જરી ઝગારો

સાફલ્યનો, સફરની પરિપૂર્ણતાનો
આપત્તિઅર્ણવ તણો ન મળે કિનારો :
આઝાદ દેશ બનશે કદી આ તમારો ?
યત્નો થશે સફળ નિષ્ફળ કે હજારો ?

વદ્યા ગાંધી અંતરે સંપૂર્ણ છે શ્રદ્ધા,
હિંદ મુક્ત થશે મને ના લેશ આશંકા;
પત્રકારે ચકિત બનતાં ફરીથી પૂછ્યું,
પૂર પ્રાણે કેમ એ શ્રદ્ધા તણું ઊઠ્યું ?

કેમ કે ઈશ્વર દયાના સિંધુ ને ન્યાયી,
શાસ્ત્ર સંતજનો કહે છે એમને ન્યાયી :
એટલે જ મને સતાવે સ્વલ્પ સંશય ના,
અભીપ્સા સ્વાતંત્ર્ય કેરી ધર્મસંગત આ.

પત્રકારે સુણાવી વિશ્વાસવચન કહ્યું :
દિલ સમસ્ત પ્રશાંત પરમાનંદયુક્ત થયું;
પ્રકટ મોટા અક્ષરે વચનો સમસ્ત કરીશ
સ્વદેશ મહીં ભક્ત ઈશુના તમને પૂર્ણ કહીશ,

જાણશે ખ્રિસ્તી પ્રજા ત્યારે જ એ સઘળી
તમોને, આદર રહેશે અનેરો પ્રસરી
ધન્ય સેવાગ્રામની ધરતી ઉરે જેના
વિરાજે છે સંત આવા ફિરસ્તા જેવા.

પૂરી થઈ મિનિટ પાંચ પ્રસન્ન એથી
ઊભા થયા તરત પંડિત પત્રકાર,
ચાલ્યા પ્રણામ કરતાં પણ શબ્દ કર્ણે
વાગી રહ્યા હૃદયને કરતા રસાળ.