હિરોશીમા ગર્વે પુલકિત વિકાસોન્મુખ કરી
અનેકો વર્ષોથી શિર સુખછલ્યું ઉન્નત રહ્યું,
નવા ઘેને ગાત્રો સકળ ભરનારા યુવકશું
પ્રતાપી ઐશ્વર્યે અભિનવ બની સંસ્કૃતિ થકી.
સમૃદ્ધિશાળી ને સુખપ્રદ વળી શક્ત શું થયું,
વિલાઈ એ શક્તિ તરત જ મટી ગૌરવ ગયું
બળ્યું ભસ્મે આખું નગર રિપુનો બોમ્બ પડતાં,
બળી કાયા, એનું હૃદય પણ લેશે નવ બળ્યું.
હિરોશીમા અર્પે મનુજકુળને મંત્ર મધુરો,
હણાયે હિંસાથી નવ મનુજની સર્જન તણી
અભીપ્સા, આત્માનું સહજશુચિ ચૈતન્ય પણ ના,
મહત્વાકાંક્ષીઓ અભિનવ રચે વિશ્વ રજથી
સ્મશાનોની; હિંસા વિજય નવ આત્યંતિક લભે;
સદા શક્તિ જીતે વિગઠન નહીં સંગઠનની.