Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મટો દ્વેષના દાવાનલ સૌ અહંકાર ને સ્વાર્થ ટળો;
મોહ તેમ મદમમત્વ મારી માનવ સૌનું શ્રેય કરો :
હો અજ્ઞાનતિમિર અવનીમાં ભૂલેચૂકે ક્યાંય નહીં,
પ્રકટો એવું પ્રભાત મંગલ હે પ્રભુ, આ સંસાર મહીં.

ક્ષુલ્લક ભાવો ક્ષુદ્ર વિચારો સીમિત વળી વફાદારી
છોડી યાત્રા કરો માનવી વિશાળતા હૈયે ધારી :
વિશ્વમાનવી બનો બધાંયે કરો સ્વાર્થના કાર્ય નહીં,
પુનિત પ્રભાત પ્રકટ હો એવું પરમાત્મા, સંસાર મહીં.

ભેદભાવમાં અભેદપ્રેરક વિવેકની વીણા વાગો,
દીન હીન ને પછાત તેમ જ બદ્ધ તણો આત્મા જાગો :
દુઃદદર્દ શોષણ યુદ્ધ તણી છાયા ના દેખાય કહીં
પ્રકટો એવું પ્રભાત મંગલ હે પ્રભુ, આ સંસાર મહીં.

વિચાર વાણી વર્તન કેરી સરિતા શુદ્ધ સ્વતંત્ર વહો,
સુખકારક શ્રેયસ્કર બનતાં સંવાદ તણી કથા કહો :
સમૃદ્ધ માનવ સમાજ માટે સરિતા સદૃશ રહે વહી
પુનિત પ્રભાત પ્રકટ હો એવું પરમાત્મા, સંસાર મહીં.

દંભદર્પ છળની હો હોળી સંશય કેરો અંત વળી,
અત્યાચાર અનર્થ શાંત હો ભીતિરહિત સૌ રહો ફરી :
અભ્યુદયનો અમર અનેરો સત્ય રહો ઉલ્લાસ લહી,
પ્રકટો એવું પ્રભાત મંગલ હે પ્રભુ, આ સંસાર મહીં.

શાંત શસ્ત્રસ્પર્ધાને કરતાં સેવાપથ વિજ્ઞાન વળો,
સંઘ લશ્કરી લોલુપતાઓ સત્તાની સર્વત્ર ટળો :
શમો સર્વ સામ્રાજ્ય લાલસા વૃતિ આસુરી હૃદય રહી,
પુનિત પ્રભાત પ્રકટ હો એવું પરમાત્મા, સંસાર મહીં.

એક જ ગૃહ કે માળા સરખો બની જાય સંસાર ખરે,
આત્મભાવના વ્યાપે, સૌના સુખના સર્વ પ્રયાસ કરે :
બને દિવ્ય ભાવે ને કર્મે સુંદર સ્વર્ગ સમાન મહી
પ્રકટો એવું પ્રભાત મંગલ હે પ્રભુ, આ સંસાર મહીં.

સ્વર્ગ તેમ અપવર્ગથી અધિક વસુધાને માનવ માણે,
મધુર નિનાદે મહિમા નિશદિન માનવનો ગાયે જાણે :
આરતી ઉચ્ચ ઉતારે અંતર જીવનનું સાર્થક્ય લહી
પુનિત પ્રભાત પ્રકટ હો એવું પરમાત્મા, સંસાર મહીં.