Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દિવ્યલોક તણા વાસી, આર્ષદૃષ્ટા અનન્ય હે,
સૃષ્ટિસ્વાતંત્ર્યસિદ્ધિના સેનાની અભયંકર,
આશા અમરશ્રદ્ધાની જ્યોતિ સ્નેહ સનાતન,
કરુણાનિધાન પ્રજ્ઞાના પતિ ઓજસઅર્ણવ !

અપરાજિત વર્ષોથી અહર્નિશ અજેય શા
આત્મા ભારતના ન્યારા શાશ્વતી સભ્યતા તણા,
વિજેતા પૂર્ણ આત્માના, સત્ય સાકાર સૃષ્ટિના;
સ્વાતંત્ર્યસરના પદ્મ મધુરી વેદની ઋચા !

પયગંબર પૃથ્વીના દેવદૂત અજોડ હે,
તમારા વેશમાં પીડા પોકારો પ્રાર્થના તથા
મનોરથ અપેક્ષાઓ વેદના અવની તણી
સાકાર બનતાં આવી સુવ્યવસ્થિત શી જગે :

તમારાં લોચનો કેવાં દિવાસ્વપ્ન થકી ભર્યાં,
પ્રકટી પ્રાણમાં કેવી પરિતાપ પ્રશાંતિની
લગની, હૃદયે ન્યારી સરિતા શુચિતા તણી;
વદને કાન્તિ ને દીપ્ત ભાલે ચૈતન્ય ચાલમાં,

અધરે રમતી પ્રજ્ઞા ચેતના મધુવાણમાં,
અને આકૃતિ આખીયે સત્યસંયમશુદ્ધિની
સાધનાપ્રાપ્ત સિદ્ધિની અવલોકન માત્રથી
કથા માનવ આત્માને કહેતી પ્રેરણામયી.

સહસ્ત્રયુગસાધના પ્રખર આર્ત પૃથ્વી તણી
ફળી યુગયુગો તણાં તપ લભી મહાસિદ્ધિને
યતીન્દ્રમુનિનાં થયાં પ્રકટ રશ્મિને રેલવા
તમિસ્ત્રભર માનવી હૃદયમાં તમારા રૂપે.

પ્રતિકૂળ પ્રસંગોમાં સ્થૈર્યને ધારનાર હે,
પીયૂષપાન કરતા સોમલે પણ શંભુ શા,
નમ્રાતિનમ્ર વિજયે આશાવાદી પરાજયે,
વૃદ્ધ તોય યુવા પ્રાણે અજરામર સર્વદા;

પ્રતીક સત્યના સર્વે શિવ સુંદર તત્વના
સંઘર્ષરત સંત્રસ્ત બદ્ધ માનવજાતિના
સુકાની, મૃત્યુના સ્વામી જ્યોતિર્ધર મહાન હે,
સ્વીકારો અંતરાત્માના પ્રેમપૂર્ણ પ્રણામને,

આપ્લાવિત અને રાગે મારા અક્ષરઅર્ઘ્યને;
સમસ્ત વસુધા ઝંખે સુપ્રકાશ શતાબ્દીએ.
પીડાઓ પ્રકટી પીધી પૃથ્વીમાં સંકટો સહ્યાં
વ્યથા વેઠી, સુધા માન્યાં સોમલો, તાપમાં તપ્યા;

પરિશ્રમ કર્યો ભારે શ્વાસોશ્વાસે, ગણી લઈ
પર્યંક પાવકો કેરા સૂતા સુમનસેજ શા;
પાણી રક્ત તણાં કીધાં, ગાળ્યાં સપ્રેમ હાડને
અન્યના હિતને કાજે તજી આખર કાયને.

સ્વાનુભવ નથી સારો તમારો પૃથિવી તણો
છતાંય કરુણા વેરે વહાવો અનલે અમી,
અનુગ્રહ થકી તંદ્રા મટાડો અજ્ઞતા વળી
સુરાવલિ વહાવી દો જ્યાં હો ત્યાંથી સુધાભરી,

અનુપ્રાણિત કે આત્મા બને માનવતા તણો
તમારાં સુખસ્વપ્નોને મૂર્તિમંત કરે મહી.
મર્ત્યલોક તણા માળી, અધૂરી વાટિકા બધી
સજાવવા કરી દેવા મધુસૌરભથી ભરી.

પરિપૂર્ણ ભલે આવો પૃથ્વી કેરા પ્રવાસમાં,
લભે સાફલ્યને આત્મા પોતાના પુરુષાર્થના !