વચન વિવેકી જે નરનારી
MP3 Audio
વચન વિવેકી જે નરનારી પાનબાઈ,
બ્રહ્માદિક લાગે તેને પાય રે,
યથાર્થ વચનની સાન જેણે જાણી
એને કરવું પડે નહીં બીજું કાંઈ રે … વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ ઉપજે,
એ તો ગત ગંગાજી કહેવાય રે,
એકમના થઈને આરાધ કરે તો,
નકલંક પ્રસન્ન થાય રે... વચન વિવેકી.
વચને થાપન ને વચને ઉથાપન !
વચને મંડાય પ્રભુનો પાઠ રે,
વચનના પૂરા એ તો નહિ રે અધૂરા,
વચનો લા'વે જોને ઠાઠ રે ... વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ!
વચન છે ભક્તિનું અંગ રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ
કરવો વચનવાળાનો સંગ રે ... વચન વિવેકી.
- ગંગા સતી