ગીતાનું સંગીત એ શબ્દો સાંભળતાવેંત કોઈ જિજ્ઞાસુ અજબ ભાવ અનુભવતાં બોલી ઊઠશે કે શું સંગીત ? ને તે પણ ગીતાનું ? સંગીત તો વીણાનું હોય, વાંસળીનું હોય, બીજાં વાજિંત્રોનું પણ હોય, ગીતા તો એક ગ્રંથ છે. તેનું વળી સંગીત કેવું ? આપણે કહીશું, ભાઈ, ગીતાનું પણ સંગીત છે. તેને સાંભળવાની શક્તિ તો મેળવો. પછી તે સંગીતનો સ્વાદ પણ લઈ શકશો. તે સંગીતના બજવૈયા કે સ્વરકાર ભગવાન શ્રીકૃષ્ણ છે. સંગીતની કળામાં તે ખૂબ જ કુશળ છે. તેમની વાંસળીનો સ્વાદ તો જેણે માણ્યો હોય તે જ જાણે. કહે છે કે ભલભલા સમાધિનિષ્ઠ મુનિવરોનાં મન પણ તેના પ્રભાવથી ડોલી ઊઠે છે ને પ્રેમથી દ્રવે છે. ભલભલા તપસ્વી પણ તેના રસથી રંગાઈને મંત્રમુગ્ધ બની જાય છે. એ તો ઠીક પણ ગોકુલ ને વૃંદાવનની ગાયો પણ તેના અમૃતમય ને દેવોને પણ દુર્લભ એવા રસાસ્વાદથી જાણે કે સમાધિસ્થ થઈને ઊભી રહે છે, ને પશુપક્ષી તથા વનસ્પતિ પણ તેથી નવજીવન અનુભવે છે. વાંસળી બધાંની અંદર, જડ કે ચેતનમાં, બધે જ પ્રાણસંચાર કરે છે.
વૃંદાવનની પુણ્યભૂમિમાં પૂર્ણિમાની રાતે અચાનક વાંસળી વાગી, તેના પરિણામે ગોપી જાગી, ને પછી તો સંસારને માટે એક મહાન સ્મૃતિરૂપ એવો રાસ રચાયો. વાંસળીના અમૃતમય આલાપથી મુગ્ધ બનેલી ગોપી વધારે મુગ્ધ બની, ને પોતાના પ્રિયતમ, પ્રાણથી પણ પ્રિય ભગવાન શ્રીકૃષ્ણની સાથે એકતાનો આનંદ અનુભવી રહી. ધન્ય એ વ્રજ, ધન્ય એ કૃષ્ણ ને ગોપી ને સૌનાય હૃદયતારને સાંધીને એક કરનારી ધન્ય એ વાંસળી. પણ એ વાંસળી કૃષ્ણના હૃદયમાં જ સમાઈ ગઈ. કૃષ્ણના પ્રેમ ને જ્ઞાનની એ તો મુર્તિ હતી. છતાં કૃષ્ણનો વાંસળી વગાડનાર ઉસ્તાદ કે સંગીતકારનો સ્વભાવ મટ્યો નહિ, બાલપણનો રસ કેવી રીતે મટી શકે ?
વર્ષો વીતી ગયાં, વૃંદાવનની શરદપૂર્ણિમાની રાસલીલા એક ભૂતકાળની સ્મૃતિ બની ગઈ, ને સ્વયં શ્રીકૃષ્ણ પણ એક મહાપુરૂષ બની ગયા, ત્યારે કુરુક્ષેત્રની પુણ્યભૂમિમાં પણ ફરી પાછો રાસ રચાયો. પણ એ રાસ જ્ઞાનનો હતો, ને તેમાં ભાગ લેનાર એક પુરૂષ–મહારથી વીર અર્જુન હતો. ગોપીઓની જેમ જ ભગવાન તેનું પણ રક્ષણ કરવા તત્પર હતા. ગોપીઓની સાથે ભગવાને જેમ ગુહ્યાતિગુહ્ય લીલા કરી હતી, તેમ અર્જુનની સાથે પણ ગુહ્યતમ જ્ઞાન આપવાની લીલા કરી. અલબત્ત, રાતે નહિ પણ ધોળે દહાડે જ્ઞાનનો એ અદ્ ભુત ને અલૌકિક તથા અભૂતપૂર્વ રાસ કોઈ એકાંત કુંજનિકુંજમાં નહિ. પણ ભીષણ યુદ્ધને માટે સજ્જ થઈ ઊભેલા લાખો શૂરવીરોની વચ્ચે રણમેદાનમાં રચાયો હતો. તેના પ્રભાવથી ગોપીઓની જેમ અર્જુનના પણ બધા સંશય છેદાઈ ગયા ને તેને શાંતિ મળી. પેલી વાંસળીએ ગોપીને મુગ્ધ કરી હતી, તો આ ચૈતન્યમયી જ્ઞાનવાંસળી ગીતા વાંચવા વિચારવાથી સૌ કોઈને મુગ્ધ કરે છે, ને પ્રેમ તથા શાંતિથી તરબોળ કરી દે છે. જડ અને મૃતવત્ થયેલાને જ નહિ, જ્ઞાનીને પણ જીવન આપે છે.
કુરૂક્ષેત્રની ભૂમિમાં કૃષ્ણ ને અર્જુન બન્નેની વૃત્તિઓનો શરૂઆતમાં રાસ રમાયો, ને તેના રહસ્યનો છેવટે શબ્દમાં અવતાર થયો. વેદની ઋચા જેવા સૂર વાંસળીમાંથી વહેતા હતા, તે જ જાણે વધારે સ્પષ્ટ, સ્થૂલ ને સાકાર બનીને વહેવા માંડ્યા. જે જગતના પ્રેમદેવતા ને ગોપીઓના પ્રાણાધાર હતા, તે એક બીજા નવા અભિનયમાં જગતના ગુરૂ થયા, ને અર્જુનના પ્રકાશદાતા બની ગયા ! શ્રીકૃષ્ણની અંતરવાંસળીનું એ સંગીત સાંભળીને અર્જુનને તો આનંદ થયો જ છે, પણ યુદ્ધભૂમિથી દૂર–ખૂબ જ દૂર બેઠેલા સંજયને પણ આનંદ થયો છે, ને તે પણ ફરી ફરી આનંદ પામે છે. કૃષ્ણ ને અર્જુન તથા કુરૂક્ષેત્રની ભૂમિથી દૂર બેઠેલાને મહાભારતકાળથી દૂર અતીતકાળમાં આવી પડેલા આપણને પણ શું એવો જ આનંદ નથી થતો ? ગીતાનું સરલ, સ્પષ્ટ ને અસરકારક સંગીત શું આપણને પણ મુગ્ધ નથી કરતું ? મહર્ષિ વ્યાસનો ઉપકાર માનો કે એ શબ્દસંગીત સાંભળવાનું આપણને સદ્ ભાગ્ય મળે છે. માનવજાતિ તેમની ઋણી છે. તેમણે જ ગીતાના છૂટા પડેલા સ્વરને ભેગા કર્યાં છે અથવા કહો કે છૂટાં પડેલાં ફૂલને એક કુશળ માળીની જેમ તેમણે ભેગાં કર્યાં છે, ને એક સર્વ સામાન્ય સૂત્રમાં ગુંથી લીધાં છે. આવી ઉત્તમોત્તમ માળાનું દાન કરીને તે મહાનમાં મહાન દાનેશ્વરી બની ગયા છે. ગીતાનો ગ્રંથ કહીએ તો પણ તે એક સંગીતમય ગ્રંથ છે એમાં શંકા નથી. તેના પ્રત્યેક વિચાર ને શબ્દેશબ્દમાં સંગીત છે.
એ સંગીતનો આસ્વાદ લેવાનું કામ શરૂ કરીએ તે પહેલાં ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનકાળમાં થયેલા ને ભવિષ્યમાં થનારા ગીતાના અમૃતમય સંગીતના બધા જ રસિયાઓને આપણે નમસ્કાર કરી લઈએ, મોટા કે નાના, પ્રકટ કે અપ્રકટ, ગીતાના ભાષ્યકારોને, વિચારકોને ને ગીતાજ્ઞાનના પ્રદાતા ગુરૂદેવોને આપણે નમસ્કાર કરી લઈએ. ગીતાના સંગીતને સર્વપ્રિય બનાવવામાં તેમનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. તેની સાથે વંદન કરીએ હિમાલયની આ પવિત્ર ઋષિમુનિસેવિત ભૂમિને કે જે જ્ઞાન ને શાંતિની જનની છે, ને આધ્યાત્મિકતાની પ્રેરણાભૂમિ છે. વળી શુભ્રાતિશુભ્ર રૂપરંગે સુશોભિત બનીને વહી જનારી, પ્રેમ ને જ્ઞાનના પ્રવાહ જેવી આ ગંગાને પણ પ્રણામ કરીએ. જે જ્ઞાની ને તપસ્વીની આશ્રયદાત્રી છે, ને પવિત્રતા તથા તેજથી ભરેલી માતા છે. એ પછી પેલી કુરૂક્ષેત્રની ધર્મભૂમિને પણ વંદન કરીએ કે જેના હૃદય પર ગીતાનો અવતાર થયો છે, ને એ રીતે જેનો મહિમા વાંસળીના સ્વરથી પવિત્ર ને સુમધુર બનેલા વૃંદાવનથી જરાપણ ઉતરતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ ને અર્જુનને વંદ્યા વિના તો કેવી રીતે રહી શકાય ? તેમના વિના તો ગીતાનો અવતાર જ ન થયો હોત. તેમને આપણા અનેકાનેક વંદન છે. શ્રીકૃષ્ણના ઋણમાંથી તો કોઈ છૂટી શકે તેમ જ નથી. તેમને તો હંમેશાં ને હરેક સ્થળમાં નમતા રહીશું. ગીતાના સંગીતનો સ્વાદ લેવાની તે શક્તિ આપે, ને તેને જીવનમાં ઉતારી શકાય તેવો આશીર્વાદ આપે તો જ આપણું કામ સરલ બને તેમ છે. કેમકે ગીતાના ગૂઢ સંગીતને સમજવાનું કામ કપરૂં છે. રઘુવંશની શરૂઆતમાં મહાકવિ કાલીદાસે કહ્યું છે તેમ, વામન પુરૂષ પોતે ના પહોંચી શકે તેટલે ઊંચે ઝાડ પર આવેલા ફળને લેવા હાથ ઊંચો કરે તેવું કપરૂં છે. જ્ઞાનના મહાન સમુદ્રને એક નાની સરખી નૌકાથી તરવા માટે તૈયાર થવા જેવી આ વાત છે.
સંગીતનો સ્વાદ કોણ માણી શકે ? એકાદ ઉસ્તાદ કે કોઈ સંગીતકાર. મારામાં આમાંની કોઈ યોગ્યતા નથી, છતાં ગીતાના સંગીતનું આકર્ષણ જ એવું અજબ છે કે તેથી આકર્ષાયા વિના રહી શકાય જ નહિ કામ ભલેને અશક્ય કે કપરૂં હોય, ભગવાનની કૃપા હોય તો તે પણ સરલ ને શક્ય બની શકે. તેની કૃપાથી શું ના થઈ શકે ? સાગરનું પાન કરવાનું કામ કપરૂં છે પણ ભગવાનની કૃપા થાય તો સહેજમાં થઈ શકે. અગ્નિ પર આસન વાળીને બેસવાનું ને આંધળાએ જોવાનું અશક્ય જેવું છે, પણ પ્રભુની કૃપા થાય તો તે પણ શક્ય બની શકે એમાં સંદેહ નથી. તે કૃપાની ભિક્ષા માંગીને ને પ્રભુ પર શ્રદ્ધા રાખીને આ કામ શરૂ કરીએ છીએ. તે બોલે ને બોલાવે તેમ બોલીએ છીએ ને લખાવે તેમ લખીએ છીએ જે કામ તેનું છે તેને તે જ કરશે ને સંભાળશે. તેની એવી પ્રતિજ્ઞા છે. તેમાં વિશ્વાસ રાખીએ.